Abtak Media Google News

દિવાળી બાદ સીંગતેલના ભાવમાં થોડા ઘટાડા બાદ હવે અચાનક ફરી એકવાર ભાવ વધ્યા છે. વિગતો મુજબ રાજ્યમાં મગફળીનો પાક તૈયાર થવાની વચ્ચે સરકારે આશરે 40 લાખ ટન પાકનો અંદાજ જાહેર કર્યો છે. આ તરફ હવે માવઠાના બહાના હેઠળ સૌરાષ્ટ્રની તેલ લોબીએ ફરી એકવાર એક જ દિવસમાં સીંગતેલના ભાવમાં 15 કિલો ડબ્બાએ રૂ.50 નો વધારો ઝીંકી દેતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ શકે છે.

છેલ્લા છ દિવસમાં સીંગતેલના ભાવમાં રૂ.90નો વધારો કરાયો: દિવાળી બાદ સીંગતેલના ભાવમાં થોડા ઘટાડા બાદ હવે અચાનક ફરી એકવાર ભાવ વધતા ગૃહિણીઓના બજેટ ખોરવાયા

રાજ્યમાં દિવાળીના તહેવારો બાદ બજારમાં મગફળીની ધૂમ આવક સાથે અતિશય ઊંચા ભાવમાં આંશિક ઘટાડો થયા બાદ 20 તારીખે સીંગતેલ રૂ.2635-2685ની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જોકે મંગળવારથી શરૂ કરી 26 તારીખ સુધીમાં મહત્તમ રૂ. 2735 સુધી ભાવ પહોંચ્યા હતા. આ તરફ એક જ દિવસમાં રૂ.50ના વધારા સાથે હવે સીંગતેલનો ભાવ રૂ.2735-2785 પહોંચ્યો છે. આ તરફ અચાનક સિંગતેલના ભાવમાં ઉછાળો આવતા ગૃહિણીઓ ચિંતામાં મુકાઇ છે.

માવઠા બાદ શાકભાજીના ભાવમાં પણ તોતિંગ વધારો

બે દિવસ અગાઉ પડેલા કમોસમી વરસાદ અને લગ્નસરાની સીઝન અગાઉ શાકભાજીના ભાવમાં વધારો થયો હતો. શાકભાજીના ભાવમાં સરેરાશ 30 ટકાનો વધારો નોંધાયો છે. બે દિવસના કમોસમી વરસાદથી પહેલા ખેડૂતોનું તો હવે ગૃહિણીઓનું રસોઈનું બજેટ ખોરવાઇ ગયું છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી પાપડી, વટાણા, ભીંડા સહિતની શાકભાજીની વાડીઓમાં પાણી ભરાતા ભારે નુક્સાન થયું છે. દક્ષિણ ગુજરાતની જેમ જ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો મહત્તમ ભાગ માવઠાનો શિકાર બનતા તુવેર, ગુવાર, ટામેટાના છોડ અને દૂધી, કાકડીના વેલાઓને ભારે નુક્સાન થયું છે.

સ્વાભાવિક રીતે આ નુકસાનની અસર બજારોમાં પણ જોવા મળવા લાગી છે. રાજ્યમાં પાકતા શાકભાજીના ભાવમાં 20થી 30 ટકાનો વધારો જોવા મળી રહ્યો છે. કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં જીવાત પકડવાની શક્યતા રહેલી છે અને નાના છોડ અને વેલાઓ કોહવાઇ જાય તેવી શક્યતા રહેલી છે. હોલસેલ માર્કેટમાં 30 રૂપિયાના ભાવે વહેંચાતા ટામેટા 40 સુધી તો 35 રૂપિયાના ભાવે વેચાતા રિંગણ, વટાણા, તુવેરના ભાવ વધીને 45 સુધી પહોંચવાની શક્યતા છે. હાલમાં શાકભાજીના ભાવ શું છે તેના પર નજર કરીએ તો પાલક 80, આદુ 160, મેથી 100, ટામેટા 60થી 70, રીંગણ 80, ભીંડા 80, કોબીઝ 60, ગવાર 100, ફ્લાવર 60 રૂપિયે કિલો વેચાઇ રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.