Abtak Media Google News

દેશ આખાને સીસીટીવી નીચે આવરી લેવા કેન્દ્રની કવાયત !!

સ્ટાન્ડર્ડ સીસીટીવી લગાવી તીસરી નજર રખાશે: બજેટ સેશનમાં રજૂ થઈ શકે છે ડ્રાફ્ટ

ગુન્હાખોરીને ડામવા તેમજ પળેપળની ખબર રાખવા માટે કેન્દ્ર સરકાર ખૂબ મોટી કવાયત કરી રહી છે. દેશ આખાને સીસીટીવી કેમેરા હેઠળ આવરી લેવા કેન્દ્ર સરકાર તૈયારીઓ કરી રહી છે. જેના થકી શેરી-ગલીઓથી માંડીને રાજમાર્ગો સુધી તમામ સ્થળોએ સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે અને તેની સીધી કનેક્ટિવિટી કેન્દ્રીય કમાન્ડ સેન્ટર સાથે કરવામાં આવશે.

Advertisement

જો રાજ્ય સરકારની ઈચ્છા પ્રમાણે બધું થયું તો આગામી વર્ષે રસ્તાની સામે ઓછામાં ઓછો એક સીસીટીવી કેમેરા ઈન્સ્ટોલ કરાશે અને તેની ફીડ લોકલ પોલીસને સોંપાશે કે જેથી ગુનાઓ પર અંકુશ લગાવી શકાય અને વધતી ગુનાખોરીને અટકાવવા માટે ફીડના આધારે તપાસ કરી શકાય. આ માટે આગામી વર્ષેની શરુઆતમાં કાયદો બનાવવામાં આવી શકે છે.

વિશ્વસનીય સૂત્રો દ્વારા મળતી વિગતો પ્રમાણે કેટલાક સિનિયર આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ દ્વારા આપણી આસપાસની ઘટનાઓ પર નજર રાખવા માટે ડ્રાફ્ટ તૈયાર કરાઈ રહ્યો છે. જેમાં સીસીટીવી કેમેરા દ્વારા સરકારી અને ખાનગી બિલ્ડિંગના વિસ્તાર પર નજર રાખી શકાય. આ ડ્રાફ્ટ લગભગ બજેટ સેશન દરમિયાન ગૃહમાં રજૂ કરવામાં આવી શકે છે.

આ બાબતને લઈને ચાલી રહેલી કામગીરી અંગે નજીકના સૂત્રો જણાવે છે કે, હવે કોમર્સિયલ જગ્યા પણ સીસીટીવીથી કવર થાય તે અંગેની કામગીરી પોલીસ નજર હેઠળ થશે, જ્યાં સ્ટાન્ડર્ડ સીસીટીવી લગાવવાના રહેશે. આ પ્રસ્તાવિત કાયદામાં રહેણાક સોસાયટી અને કોલોનીને પણ જોડવામાં આવી છે.

પોલીસની સાથે આ કાયદામાં શહેરી વિકાસ, માર્ગ અને મકાન જેવા વિભાગોને પણ જોડવામાં આવી શકે છે. સરકાર દ્વારા એ સૂનિશ્ચિત કરવા માટે કાયદાકીય સલાહ પણ માગી છે કે આ પ્રસ્તાવિત કાયદાને કોર્ટમાં પડકારવામાં ના આવે.

ગુન્હાખોરી ડામવા મહત્વપૂર્ણ પાસું બની રહેશે સીસીટીવી કાયદો !!

જે રીતે હાલ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ વધી ગયો છે ત્યારે ગુનેગારો પણ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સ્માર્ટ બની ગયા છે ત્યારે પોલીસને પણ સ્માર્ટ બનાવવા માટે વધુમાં વધુ ડિજિટલ બનાવવા તરફ અગાઉથી જ ધ્યાન કેન્દ્રિત કરી દેવામાં આવ્યું છે. ત્યારે હવે દેશની તમામ શેરી-ગલીઓથી માંડીને સરકારી- ખાનગી કોમ્પ્લેક્ષ, રહેણાંક સોસાયટીઓ, એપાર્ટમેન્ટ સહિતના તમામ વિસ્તારોમાં સીસીટીવી કેમેરા ફરજિયાત લગાવવા અંગે નિર્ણય લેવાઈ શકે છે. જેની એક ફીડ લોકલ પોલીસને પણ આપવામાં આવશે જેથી ગુનેગારોની નાનામાં નાની હરકતો પણ સીસીટીવીમાં કેદ તો થશે જ પરંતુ અમુક સમયે ગુન્હો બને તે પૂર્વે જ પોલીસ પગલાં ભરી લે તો અનેક ગુન્હા બનતા પણ અટકાવી શકાય છે.

પળેપળની ગતિવિધિઓ પર રખાશે ચાંપતી નજર !!

જે રીતે હાલ બજેટ સેશનમાં સીસીટીવી કાયદો લાવવાની તૈયારી કેન્દ્ર સરકાર કરી રહી છે ત્યારે કાયદા હેઠળ ખૂણે ખૂણાને સીસીટીવીથી સજ્જ કરવામાં આવશે. આ કેમેરાની ફીડ લોકલ પોલીસને તો અપાશે જ પરંતુ કનેક્ટિવિટી સીધી કેન્દ્રીય કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર સાથે કરવામાં આવશે જેથી કહી શકાય કે, દિલ્લી બેઠા બેઠા પણ રાજકોટમાં થતી ગતિવિધિઓને જીવંત જોઈ શકાશે. જેના કારણે હવે નાનામાં નાની ઘટના તેમજ પળેપળની ગતિવિધિઓ પર હવે ચાંપતી નજર રાખવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.