Abtak Media Google News

મોદી મંત્ર-1 : સુરક્ષાની સાથે આર્થિક વિકાસ પણ જેટગતિએ

ખરીફ પાકના ટેકાના ભાવમાં 5.3 ટકાથી લઈને 10.40 ટકા સુધીનો વધારો : સરકારના આ નિર્ણયથી અન્નદાતાને રાહત, અર્થતંત્રને વેગ અને લોકોના સ્વાસ્થ્યને ફાયદો

સરકારે ખરીફ પાકના ટેકાના ભાવ વધારીને એક તીરે અનેક નિશાન સાધ્યા છે. સરકારે પાકના ટેકાના ભાવમાં 5.3 ટકાથી લઈને 10.40 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે  સરકારના આ નિર્ણયથી અન્નદાતાને રાહત, અર્થતંત્રને વેગ અને લોકોના સ્વાસ્થ્યને ફાયદો મળવાનો છે.

સરકારે બુધવારે 2023-24 માટે ખરીફ પાકના લઘુત્તમ ટેકાના ભાવમાં વધારો મંજૂર કર્યો છે, જે વાવેતર વિસ્તાર અને ઉત્પાદનની દ્રષ્ટિએ સૌથી વધુ લોકપ્રિય છે તે ડાંગરના પાકમાં 7%નો વધારો થયો છે. બીજી તરફ વિદેશી હૂંડિયામણનો વ્યય કરતા તેલીબિયાં જેવા કે તલ અને મગફળી જેવા પાકના ટેકાના ભાવમાં 7 ટકા થી વધુ વધારો કરાયો છે. જે માત્ર ખેડૂતના વળતરમાં વધારો કરવાના હેતુથી નહીં પરંતુ સ્થાનિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે આયાત પરની ભારતની નિર્ભરતા પણ ઘટાડશે.

ડાંગર માટે ટેકાના ભાવનો વધારો છેલ્લા એક દાયકામાં બીજો સૌથી મોટો વધારો છે.  પાછલા 10 વર્ષમાં ડાંગરના ટેકામાં સૌથી વધુ વધારો 2018-19માં પ્રતિ ક્વિન્ટલ રૂ. 200નો હતો – જ્યારે સંસદીય ચૂંટણી પહેલા તેને રૂ. 1,550 પ્રતિ ક્વિન્ટલથી વધારીને રૂ. 1,750 પ્રતિ ક્વિન્ટલ અથવા લગભગ 13 ટકા કરવામાં આવ્યો હતો.

કેબિનેટ દ્વારા બુધવારે મંજૂર કરાયેલા 2023-24 માટે 14 પાકોના નવા ટેકાનાભાવે 2022-23ની સરખામણીમાં મગને સૌથી વધુ 10.4% નો વધારો મળ્યો, ત્યારબાદ તલમાં 10.3% નો વધારો થયો.  રોકડિયા પાકોમાં, કપાસમાં 2023-24ની ખરીફ માર્કેટિંગ સિઝનમાં પાછલા વર્ષની સરખામણીએ 8.9%નો વધારો જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા અનેક પાસાઓને ધ્યાને લઈને ખરીફ પાકના ટેકાના ભાવ વધારવામાં આવ્યા છે. આના ફાયદા જોઈએ તો એક તો ખેડૂતોને સારો ભાવ મળશે. બીજું કે તેલીબિયામાં વિદેશી હૂંડિયામણ બચશે એટલે અર્થતંત્રને ફાયદો થશે. બીજું કે સારા ભાવ મળતા હોય, ખેડૂતો પાકમાં વિવિધતા લાવે ધાન્ય પાક વધુ ઉગાડે જેથી લોકોનું સ્વાસ્થય પણ જળવાઈ રહે.

સરકાર દ્વારા પાકમાં વિવિધતા લાવવાના પ્રયાસો : વડાપ્રધાન

એક ટ્વિટમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું, “છેલ્લા નવ વર્ષમાં ખેડૂતોના હિતમાં ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે.  આ શ્રેણીમાં, સરકારે ખરીફ પાક માટે એમએસપીમાં વધારાને મંજૂરી આપી છે.  ખાદ્ય પ્રદાતાઓને ઉત્પાદન માટે વળતરયુક્ત ભાવ મળવા ઉપરાંત, પાકમાં વિવિધતા લાવવાના પ્રયાસોને પણ મજબૂત બનાવવામાં આવશે.

છૂટક ફુગાવો ઘટ્યો, ટેકાના ભાવ વધ્યા, ખેડૂતોને મોટી રાહત : પિયુષ ગોયલ

જ્યારે છૂટક ફુગાવો ઘટી રહ્યો છે ત્યારે એમએસપીમાં વધારો થવાથી ખેડૂતોને ફાયદો થશે,” કેન્દ્રીય ખાદ્ય મંત્રી પીયૂષ ગોયલે જણાવ્યું હતું.  મંત્રીએ કહ્યું કે જ્યારે યુપીએ શાસન દરમિયાન ફુગાવો 9-10%ની રેન્જમાં હતો, હવે તે અડધાથી પણ ઓછો 4.5% છે.

તેમણે કહ્યું, “કૃષિમાં, અમે કમિશન ફોર એગ્રીકલ્ચર કોસ્ટ્સ એન્ડ પ્રાઈસ ની ભલામણોના આધારે સમય સમય પર ટેકાના ભાવ નક્કી કરીએ છીએ.  આ વર્ષ માટે ખરીફ પાકની ટેકાના ભાવમાં થયેલો વધારો પાછલા વર્ષોની સરખામણીમાં સૌથી વધુ છે.”

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.