Abtak Media Google News
  • જીવાપરની એક હજાર કરોડની વીડી જમીન કૌભાંડ આચરનાર ભુગર્ભમાં
  • હિરાસર પાસે એરપોર્ટનું નિમાર્ણ પામતા ભૂ માફિયાઓએ સરકારી વીડી ખાનગી બનાવી ગેરરીતી આચરી’તી

કુવાડવા રોડ પર આવેલા જીવાપર પાસેની એક હજાર કરોડની સરકારી જમીન ખાનગી ઠેરવવા અંગે થયેલા કરોડોના કૌભાંડના સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતા. અધિક કલેકટર અને નાયબ કલેકટર તેમજ મામલતદાર સહિતના રેવન્યુ અધિકારીઓની ધરપકડ થઇ હતી આ કૌભાંડની તપાસ સીબીઆઇને સોપવામાં આવ્યા બાદ સીબીઆઇના અધિકારીઓ તપાસ અર્થે રાજકોટ દોડી આવ્યા હતા. ત્યારે જમીન કૌભાંડના માસ્ટર માઇન્ડ સહિતના ભૂ માફિયા ભુર્ગભમાં ઉતરી ગયા છે.

હિરાસર ખાતે ઇન્ટરનેશનલ એરપોર્ટનું નિર્માણ થતાં હિરાસર આજુ બાજુના ગામની જમીનના ભાવ ઉચકાયા હતા ત્યારે વર્ષો પહેલાં જીવાપરની ખાલસા થયેલી વીડીની જમીન મુળ ખાતેદારના નામે બોગસ દસ્તાવેજ તૈયાર કરી સરકારી ઠેરવવામાં આવેલી જમીન બારોબાર વેચી બોગસ દસ્તાવેજને ખરા તરીકે ઉપયોગ કર્યા અંગેનો ગુનો નોંધાયો હતો. આ અંગે રાજકોટ કલેકટરે સમગ્ર કૌભાંડનો પર્દાફાસ કર્યા હતો.એસીબી દ્વારા તપાસ કરવામાં આવી હતી. અધિક કલેકટર સહિતના રેવન્યુ અધિકારીઓ સામે ઉંડાણ પૂર્વક તપાસ કરવામાં આવી હતી. તેમજ સુરેન્દ્રનગરના તત્કાલીન કલેકટર કે રાજેશ સામે આંગલી ચિંધવામાં આવી હતી અને સીબીઆઇ દ્વારા તેની અટકાયત કરી પૂછપરછ કરી હતી. આ જમીનના કૌભાંડના મુળ સુધી પહોચવા માટે સીબીઆઇની એક ટીમ રાજકોટ દોડી આવી છે.

જેના પગલે કૌભાંડનો માસ્ટર માઇન્ડ સુભાષ બોદરના નિવાસ સ્થાન અને તેની ઓફિસે તપાસ કરી હતી પણ તે મળી આવ્યો ન હતો. સીબીઆઇ દ્વારા શરૂ કરવામાં આવેલી તપાસના પગલે ભૂ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.