Abtak Media Google News

નવા નિયમો મુજબ હવે વાહનચાલકને ફકત ડોકયુમેન્ટ તપાસવા રોકી શકાશે નહીં

કેન્દ્રીય સડક અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા તાજેતરમાં ઈ-ચલણ અંગેના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કેન્દ્ર દ્વારા નવો જાહેર કરાયેલો આ નિયમ ૧લી ઓકટોબરથી લાગુ કરવામાં આવશે. આ નવા નિયમો અંતર્ગત આઈટી સર્વિસ અને ઈલેકટ્રોનિક મોનિટરીંગની મદદથી ટ્રાફિક નિયમોને લાગુ કરવાનો નિર્ણય લેવાયો છે જેમાં નવા નિયમો મુજબ હવે વાહનને ફકત ડોકયુમેન્ટ ચેક કરવા રોકી નહીં શકાય.  નવા નિયમો પ્રમાણે કોઈ વ્હિકલનું કે જે-તે ડોકયુમેન્ટ અધુરુ હશે તો તેના રજિસ્ટ્રેશન નંબરની મદદથી ડોકયુમેન્ટસની ઈ-ખરાઈ કરાશે તથા ઈ-ચલણ મોકલાશે. વાહનની તપાસ માટે સ્થળ પર અથવા તો રસ્તા પર જ વાહનના આધાર પુરાવાઓ નહીં માંગવામાં આવે. કેન્દ્રીય રાજમાર્ગ મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નિયમો અનુસાર વાહન માલિકો પોતાના ડોકયુમેન્ટસને ઈલેકટ્રોનિક ફોર્મમાં મેન્ટેન કરવું સરળ બનશે. જેથી માર્ગ પર રોકાઈને તપાસ કરવાથી મુકિત મળી શકશે. લાયસન્સ, રજિસ્ટ્રેશન ડોકયુમેન્ટસ, ફિટનેસ સર્ટીફીકેટ, પરમીટસ વગેરે વાહન સાથે જોડાયેલા ડોકયુમેન્ટને સરકાર દ્વારા ચાલી રહેલા પોર્ટલ પર મેનેજ કરવામાં આવશે. તેની મદદથી કમ્પાઉન્ડીંગ, ઈમ્પાઉન્ડીંગ, એડોર્સમેન્ટ, લાયસન્સનું સસ્પેન્શન, રજિસ્ટ્રેશન અને ઈ-ચલણનું કામ પણ કરવામાં આવશે.

ડ્રાઈવીંગ લાયસન્સની માહિતીનો પોર્ટલ પર રેકોર્ડ કરાશે

કેન્દ્રીય રાજમાર્ગ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે લાયસન્સ ઓથોરીટી દ્વારા બિનઅધિકૃત અને એકસપાયર લાયસન્સની માહિતી પણ પોર્ટલ પર રખાશે તથા તેને સમય પ્રમાણે અપડેટ કરાશે અને આ ડેટા પોર્ટલ પરથી જોઈ શકાશે. વધુમાં જણાવાયું છે કે તપાસ માટે ફિઝીકલ ડોકયુમેન્ટસની માંગ નહીં કરી શકાય. જેમ કે ડ્રાઈવરે કોઈ નિયમનો ભંગ કર્યો છે અને તેના કોઈ ડોકયુમેન્ટસ જપ્ત કરવામાં આવ્યા હશે તો તે પણ પોર્ટલ દ્વારા જ જાણી શકાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.