Abtak Media Google News

સુજલામ સુફલામ જળ અભિયાનમાં તાલુકા દીઠ ૫ મોટા તળાવોને આદર્શ જળ સંચય તળાવ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવાયો

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં પાણી પુરવઠા, વન પર્યાવરણ, જન સંપતિના વરિષ્ઠ સચિવોની રીવ્યુ બેઠક મળી

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં પાણી પુરવઠા, વન પર્યાવરણ, જન સંપતિના વરિષ્ઠ સચિવોની આજે રિવ્યુ બેઠક મળી હતી. જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ મિશન મોડમાં જળ સંચયના કામો હાથ ધરવાની સુચના આપી છે. ઉપરાંત આ બેઠકમાં સુજલામ, સુફલામ જળ અભિયાનમાં તાલુકા દીઠ પાંચ મોટા તળાવોને આદર્શ જળ સંચય તળાવ તરીકે વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

આ ઉપરાંત મુખ્યમંત્રીએ લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ આ અભિયાનને વેગ આપવા માટે તંત્રને જરૂરી દિશા નિર્દેશ પુરા પાડયા હતા. રાજયોમાં ૨૩ ફેબ્રુઆરીથી શરૂ થયેલા જળ સંચય અભિયાન હેઠળ ૧૩૮૩૪ કામો રૂ.૩૩૦ કરોડના ખર્ચે હાથ ધરવામાં આવ્યા છે. ૧૪૦૦૦ લાખ ઘન ફૂટ જળ સંગ્રહ ક્ષમતા વધારવાના લક્ષ્ય સાથે આ અભિયાન રાજયમાં ઉપાડવામાં આવ્યું છે.

બેઠકમાં વિજયભાઈ રૂપાણીએ અભિયાન અંતર્ગત તાલુકા દિઠ જળ સંચયના કામોને પાંચ મોટા તળાવોને આદર્શ જળ સંચય તળાવ તરીકે વિકસાવવાનું પ્રેરક સુચન કર્યું છે. રાજયમાં સુજલામ સુફલામ નેટવર્ક આધારીત કેનાલ નેટવર્ક ઉપર વરસાદી પાણી ભુગર્ભમાં ઉતારી શકાય અને જળ સ્તર ઉંચા આવે તે માટે પરકોલેશન વેલ નેટવર્ક ઉભુ કરવાનું પણ આ બેઠકમાં નકકી કરવામાં આવ્યુ છે.

રાજયમાં અત્યાર સુધીમાં અંદાજે ૫ હજાર કામો પ્રગતિમાં તેમજ પૂર્ણતાના આરે છે. મુખ્યમંત્રીએ રાજયના શહેરી વિસ્તારોમાં જળ સંચયના આઈકેચીંગ કામો ત્વરીત ઉપાડવા આહવાન કર્યું હતું. આ રિવ્યું બેઠકમાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજયમંત્રી પરબતભાઈ પટેલ, જળ સંચય અભિયાનના ભરતભાઈ બોઘરા અને સરદારસિંહ, મુખ્ય સચિવ ડો.જે.એન.સિંહ તેમજ પાણી પુરવઠા, વન પર્યાવરણ, જળ સંપતિના વરિષ્ઠ સચિવો ઉપરાંત મુખ્યમંત્રી સલાહકાર બી.એન.નવલાવાલા સહિતના જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.