Abtak Media Google News

રાજમાર્ગો પરથી રખડતા-ભટકતા ઢોર હટાવવા પણ સૂચના: કેબિનેટ બેઠક પૂર્ણ થયા બાદ સી.એમ.ઓ.માંથી આદેશ છૂટ્યા

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આજે સવારે રાજ્ય સરકારના મંત્રી મંડળની એક બેઠક મળી હતી. આ બેઠક પૂર્ણ થયા બાદ સીએમઓમાંથી કેટલાંક આદેશો છૂટ્યા હતા. જેમાં તમામ જિલ્લામાં વહીવટી અધિકારીઓને તાત્કાલીક અસરથી રોડ-રસ્તા પર પડેલા ખાડાઓ બૂરવા માટે કડક સૂચનાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોર પણ હટાવવા માટે તાકીદ કરાઇ છે.

આજે સવારે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં વરસાદ બાદ રાજ્યની વર્તમાન સ્થિતિ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વડાપ્રધાન સપ્તાહના અંતમાં ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. પીએમના કાર્યક્રમના સંદર્ભમાં પણ ચર્ચા કરવામાં આવી હતી. રાજ્યમાં ભારે વરસાદ બાદ રોડ-રસ્તાની સ્થિતિ ખૂબ જ ખરાબ થઇ જવા પામી છે. વિધાનસભાની ચૂંટણીમાં ખાડાઓ ભાજપના મતમાં ખાડા પાડે તે પૂર્વે સરકાર સંતર્ક બની ગઇ છે. તાત્કાલીક અસરથી રોડ પરના ખાડાઓ બૂરવા માટે યુદ્વના ધોરણે કામગીરી શરૂ કરવા જિલ્લા કલેક્ટર અને મ્યુનિ.કમિશનરને સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

આ ઉપરાંત રાજમાર્ગો પર રખડતા-ભટકતા ઢોર મામલે તાજેતરમાં હાઇકોર્ટ દ્વારા કરવામાં આવેલી ટકોરને પણ સરકારે જાણે ધ્યાનમાં લીધી હોય તેવું લાગી રહ્યું છે. રખડતા-ભટકતા ઢોરને ડબ્બે પૂરવા તાકીદ કરાઇ છે. વરસાદના કારણે તૂટેલા રોડનો સર્વે કરવા પણ સીએમઓમાંથી આદેશ છૂટ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.