Abtak Media Google News

મહાનગરપાલિકા તથા નગરપાલિકાઓને માસ્ટર પ્લાન તૈયાર કરવા તાકીદ

રાજયભરમાં વરસાદ થતાની સાથે જ શહેરનાં મુખ્યમાર્ગો સહિત અનેકવિધ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું છે. જેથી રોડ પર ખાડા પડયા હોવાની ફરિયાદો દિન-પ્રતિદિન ઉઠી રહી છે જેનાં પગલે મુખ્યમંત્રી દ્વારા તમામ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને માસ્ટર પ્લાન રજુ કરવા માટે પણ તાકીદ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં જ આગામી દિવાળી પહેલા રાજ્યના નગરો-મહાનગરો સહિતના માર્ગો-રસ્તા મરામતના કામ પૂર્ણ કરવા અત્યારથી જ માસ્ટર પ્લાન આયોજન તૈયાર કરી દેવા આહવાન કર્યુ છે. મુખ્યમંત્રીએ રાજ્યની ૧૬૨ નગરપાલિકાઓ, ૮ મહાપાલિકાઓ અને બે શહેરી વિકાસ સત્તામંડળોને સર્વાંગી વિકાસકામો માટે રૂ. બે હજાર કરોડની રકમના ચેક અર્પણ સમારોહમાં જણાવ્યું હતું. રૂપાણીએ જણાવ્યું હતું કે, નગરો-મહાનગરોના સત્તાતંત્રો કામોની પ્રાયોરિટી નક્કી કરે. રાજ્ય સરકાર સ્થાનિક વિકાસકામો માટે નાણાંની કોઇ કચાશ રહેવા દેશે નહીં. શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ તેમજ ગુજરાત મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડ આયોજિત સમારોહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, રાજ્યમંત્રીઓ યોગેશ પટેલ, વિભાવરીબહેન દવે અને બોર્ડના અધ્યક્ષ ધનસુખ ભંડેરી ઉપસ્થિત હતા.

મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર હવે સામે ચાલીને સ્થાનિક સ્વરાજ્યની આવી સંસ્થાઓ, નગરપાલિકાઓ-મહાપાલિકાઓને વિકાસકામો માટે ગ્રાન્ટ આપે છે. ભૂતકાળમાં સરકારોને ઓવરડ્રાફટ લેવો પડતો, શહેર સુખાકારી અને નાગરિક સુવિધાના કામો માટે નાણાં પૂરતા ફાળવાતા ન હતા. રાજ્યમાં છેલ્લા બે દાયકાથી એ સ્થિતિમાં બદલાવ લાવીને હવે સરકાર બજેટમાં જે કાંઇ નિર્ધારીત કરે છે તે બધું જ વિકાસકામો માટે સમયસર આપે છે. તેવી ફાયનાન્સિયલ ડિસિપ્લિન સાથે કામ કરીએ છીએ. રાજ્યના નાગરિકોની લોકોની અપેક્ષા મુજબના કામોને અગ્રતા આપી હેલ્ધી કોમ્પિટિશનથી વર્લ્ડકલાસ શહેરો-સ્માર્ટ સિટીઝ બનાવવાનું વાતાવરણ સૌ સાથે મળીને ઊભું કરીએ. નગરો-મહાનગરોના તંત્રવાહકો, પદાધિકારીઓને આગવા વિઝન સાથે લઘુત્તમ સંસાધનોનો મહત્તમ ઉપયોગ થાય એ દિશામાં કાર્યરત થવા પ્રેરણા આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.