Abtak Media Google News

ગીર સોમનાથ જિલ્લાના સાંસદ રાજેશ ચુડાસમા સામે આપઘાતની ફરજ પાડવા અંગેના ચકચારી પ્રકરણ  પુરુ થયું ત્યાં તેમના કુટુંબી અને તેમના જ ગામના કોંગી ધારાસભ્ય વિમલ ચુડાસમા સહિત ત્રણના ત્રાસથી કંટાળી યુવાને ગળાફાંસો ખાઇ કરેલા આપઘાતના પ્રકરણની ગીર સોમનાથ જિલ્લામાં ફરી રાજકીય ગરમાવો આવ્યો છે. સાંસદના ટેકેદાર યુવાને ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો ત્યારે તેને તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને તેની પાસેથી એક સ્યુસાઇટ નોટ મળી આવી હતી તેમાં ચોરવાડના કોંગી ધારાસભ્ય અને પોતાના માસિયાઇ વિમલભાઇ ચુડાસમા સહિત ત્રણના ત્રાસથી કંટાળી આપઘાત કર્યાના ચોકાવનારા આક્ષેપથી રાજકીય ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાએ પોતાના માસિયાઇના આપઘાત પ્રકરણમાં પોતાને ખોટી રીતે સંડોવી દેવાનું રાજકીય કાવતરુ હોવાનું અને તે લાંબા સમય સુધી પોતાની સાથે રહ્યો હોવાનું જણાવ્યું છે. ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પુરાવાને ધ્યાને લઇને પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે તેમ ડીવાય.એસ.પી. કોડીયાતરે જણાવ્યું છે.

સાંસદના ટેકેદાર અને ધારાસભ્યના માસિયાઇએ કરેલા આપઘાતથી રાજકીય ખળભળાટ: ફોરેન્સિક પોસ્ટમોર્ટમ બાદ પોલીસ કાર્યવાહી કરશે

સ્યુસાઇટ નોટ બીજાએ લખેલી પોતાને ફસાવવાનું રાજકીય કાવતરુ હોવાનો ધારાસભ્ય વિમલભાઇ ચુડાસમાનો બચાવ

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ માતા-પિતા અને પત્નીથી અલગ રહેતા નિતિનભાઇ જમનભાઇ પરમાર નામના યુવાને ગળાફાંસો ખાઇ લેતા સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જયાં તેમનું મોત નીપજ્યાનું તબીબ દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું. મૃતક નિતિનભાઇ પરમાર પાસેથી મળી આવેલી સ્યુસાઇટ નોટમાં ધારાસભ્ય વિમલભાઇ કાનાભાઇ ચુડાસમા, પ્રાંચીના મનુભાઇ મકનભાઇ કવા અને  પ્રાંચીના ભનુભાઇ મકનભાઇ કવાના ત્રાસથી આપઘાત કર્યાના આક્ષેપથી લખ્યા હતા. પોલીસે સ્યુસાઇટ નોટ કબ્જે કરી મૃતકનું જામનગર મેડિકલ કોલેજ ખાતે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે. નિતિનભાઇ પરમારનો મૃતદેહ હોસ્પિટલ કોણ લાવ્યું અને કોની કારમાં લાવ્યા તે અંગે તપાસ  તેમજ સ્યુસાટ નોટ અંગે પુરાવાને ધ્યાને લઇને કાર્યવાહી કરવામા આવેશેડીવાય.એસ.પી. કોડીયાતરે કહ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.