Abtak Media Google News

આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતાં બંને કર્મચારીઓ વચ્ચે ત્રણ માસથી કામ બાબતે માથાકૂટ ચાલતી’તી

પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં સામસામી ફરિયાદ નોંધાઈ: બંને કર્મચારીઓ સામે તપાસના આદેશ

રાજકોટ જિલ્લા પંચાયતમાં ગઈ કાલે સિનિયર અને જુનિયર ક્લાર્ક વચ્ચે જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં જ તેના જ તાબાના ત્રણ માસથી ચાલી આવતી માથાકૂટમાં બઘડાટી બોલી હતી. જેમાં પ્રદ્યુમન નગર પોલીસ મથકમાં સામસામે પોલીસ ફરિયાદ નોંધાતા બંને કર્મચારી પર ખાતાકીય તપાસ કરવામાં આવી રહી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેલનગરમાં રામેશ્વર પાર્કમાં રહેતાં મુકેશભાઇ પોપટભાઇ બારૈયા (ઉ.વ.52)એ આરોપી તરીકે જિલ્લા પંચાયતના સીનીયર ક્લાર્ક નિકુંજ સુંદરદાસ ટીલાવતનું નામ આપતા પોલીસે આરોપી વિરૂદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથધરી હતી.

Advertisement

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ તેઓ તેર વર્ષથી રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા કચેરીમાં આઉટ સોર્સીંગથી જુનીયર કલાર્ક તરીકે નોકરી કરે છે. તેમની કચેરીના સીનીયર કલાર્ક નિકુંજ સુંદરદાસ ટિલાવત છે અને તેમનું કામ 2જીસ્ટ્રી સંભાળવાનુ છે. સીનિયર કલાર્ક નિકુંજભાઇ તેમને છેલ્લા ત્રણ મહીનાથી કામ બાબતે ખોટી રીતે ઉંચા અવાજે રોફ જમાવી ધમકી આપે છે કે, બરોબર કામ નહીં કરે તો નોકરીમાંથી કાઢી મુકીશ અને તું વહીવટી અધિકારી ગોંડલીયા સાહેબનો માણસ છો અને તેનું જ કામ કરે છે કહી હેરાન કરતાં હતાં.

ગત તા.4જુલાઈના સવારના અગિયાર વાગ્યે તેઓ ઓફિસમાં અન્ય કર્મચારી સાથે હાજર હતા ત્યારે નિકુજભાઇ તેના ટેબલેથી કહેલ કે, તમો તમારા ટેબલ પર હાજર હોતા નથી જેથી ફરિયાદીએ કહેલ કે, ક્યાં દીવસે તેઓ હાજર ન હતા તે બતાવો કહેતાં નિકુંજભાઇ ઉશ્કેરાઇ ગયેલા અને ગાળો આપી ઢીકાપાટુનો માર મારતા તેઓને ઇજા પહોંચી હતી. તે વખતે હાજર કર્મચારીઓ વચ્ચે પડી તેમને બચાવ્યા અને આરોપી કહેતા હતા કે, હવે આ ઓફીસમાં દેખાણો તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી.

બાદમાં ફરિયાદી અને આરોપીને સમાધાન માટે અન્ય કર્મચારીઓ જિલ્લા આરોગ્ય અધિકારી પાસે લઇ ગયા હતા ત્યારે આરોપીએ કહેલ કે, તુ બહાર નિકળ હજુ હું તને મારીશ અને ગમે તે પોલીસ ચોકીમાં જા હું પોલીસ વાળાને સમજી લઇશ કહીં ધમકી આપી હતી. બાદમાં ફરિયાદીને ઇજાગ્રસ્ત હાલતમાં સારવારમાં ખસેડાયા હતાં.તો બીજીતરફ સામાપક્ષે નવલનગર શેરી -6માં રહેતા ફરિયાદી નિકુંજભાઇ સુંદરદાસ ટીલાવત (ઉ.વ.35) એ જણાવ્યું હતું કે, તેઓ છ વર્ષથી રાજકોટ જીલ્લા પંચાયત આરોગ્ય શાખા સીનીયર કલાર્ક તરીકે નોકરી કરે છે. તેમજ તેઓ પાસે નાયબ ચીટનીસ તરીકેનો વધારોનો ચાર્જ પણ છે.

તેમના તાબામા આરોગ્ય શાખાના કર્મચારીની હાજરી અને કામકાજ દેખરેખની તેમની ફરજમાં આવે છે. કચેરીના જુનીયર કલાર્ક મુકેશભાઇ પોપટભાઇ બારૈયા આઉટસોર્સ કર્મચારી છે અને હાલ તેઓ શાખાનુ 2જીસ્ટ્રી ટેબલ સંભાળે છે. જેમને સમયસર હાજર રહેવુ, ટપાલ નાખવા માટે પુછીને જવું વારેવારે ટેબલ છોડીને જતુ ન રહેવુ તેવી સુચનાઓ અવાર નવાર આપી હતી.જે મામલે મુકેશભાઇ અવાર નવાર ઉશ્કેરાયે જઇ ગાળો બોલવા લાગતા અને ફરિયાદી સિનીયર ઓફીસર હોવા છતા સમજાવટથી કામ લીધું હતું.

તા.04 ના રોજ સવારના અગિયાર વાગ્યે તેઓ ઓફિસે અન્ય કર્મચારી સાથે હતાં ત્યારે મુકેશભાઇને અન્ય કર્મચારીએ ઇ-સરકાર એપ્લીકેશનમાં સ્કેન કરવા આપતા તેઓએ કહ્યું હતું કે, કટાક્ષમાં વાત કરતાં ફરિયાદીએ કહ્યું હતું કે, તમે આવું વારંવાર ન બોલો તમારા કામમાં ધ્યાન આપો જેથી તે ઉશ્કેરાઇ ગયા અને ગાળો આપી ઝઘડો કરવા લાગ્યા હતા. તેમજ કાંઠલો પકડી કટ્ટર બતાવી અને મારકુટ કરવા લાગ્યા હતાં. જેથી ફરિયાદીએ સ્વ રક્ષણ કરતા ઝપાઝપી થઈ હતી. બાદમાં ફરી ઘસી આવેલા મુકેશભાઇએ ઝઘડો કરી પેપરવેટનો છુટો ઘા કરી પંચીગ મશીન છાતીમાં માર્યું અને ટી શર્ટ ફાડી નાખ્યું હતું. બાદમાં આરોગ્ય અધિકારીએ બંનેને બોલાવતાં ત્યાં પણ મુકેશભાઇએ ફરિયાદીને ફડાકો ઝીંક્યો હતો. બનાવ અંગેની સામસામી ફરિયાદ પરથી પ્ર. નગર પોલીસ મથકના પીએસઆઇ તેરૈયાએ વધું તપાસ હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.