Abtak Media Google News

અઢારેય બ્રાન્ચમાં અમલ શરૂ: તાલુકા સ્તરે પણ કરાશે અમલવારી: પેપરલેશ પ્રક્રિયાનો અમલ શરૂ કરનારી ગુજરાતની પહેલી જિલ્લા પંચાયત

જિલ્લા પંચાયતનો કારોબાર હવે ‘પેપરલેસ – ઓન લાઇન’ બનતા કર્મચારીઓ ફાઈલ મળતી નથી એવા બહાના કાઢી શકશે નહિ કે અરજદારોને ખોટા ધક્કા ખાવા માંથી મુક્તિ મળશે. ટેક્નોલોજી દિવસેને દિવસે હરણફાળ ભરી રહી છે અને હવે લગભગ મોટાભાગનું કામ આંગળીના ટેરવે મતલબ કે ઑનલાઈન થવા લાગ્યું છે જેથી લોકોના સમયની ઘણી બધી બચત થઈ રહી છે. બીજી બાજુ સરકારી તંત્ર પણ હવે ટેક્નોલોજી સાથે કદમથી કદમ મીલાવીને લોકોને મદદરૂપ થવા માટે નવતર અભિગમ અપનાવી રહી છે.

Advertisement

રાજકોટ જિલ્લા પંચાયતનું સઘળું કામ હવેથી ‘પેપરલેસ’ મતલબ કે ઑનલાઈન થઈ ચૂક્યું છે મતલબ કે હવે જિલ્લા પંચાયતને લગતું તમામ કાર્ય ઑનલાઈન જ થવા લાગશે. આમ કરનારી રાજકોટની જિલ્લા પંચાયત ગુજરાતની પ્રથમ કચેરી બનવાનું ગર્વ લઈ રહી છે. આ સાથે જ આગામી 26 ડિસેમ્બરથી સરકારના ગુડ ગવર્નન્સ દિવસથી તાલુકા પંચાયતની કચેરીઓ પણ ‘પેપરલેસ’ થઈ જશે તેમ જાણવા મળી રહ્યું છે.

અબતક સાથેની વાતચીતમાં જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું કે, હવેથી જિલ્લા પંચાયતમાં કોઈ પ્રકારની ફિઝિકલ મતલબ કે હાર્ડકોપી ફાઈલ ચાલશે નહીં અને તમામ વહીવટ પેપરલેસ મતલબ કે ઓનલાઈન બની જશે. રાજકોટ જિલ્લા પંચાયત અંતર્ગત આવતી અઢારેય બ્રાન્ચમાં આ પ્રક્રિયા અમલી બનાવી દેવામાં આવી છે. આ માટે તમામ કર્મચારીઓ-અધિકારીઓને તાલીમબદ્ધ કરવામાં આવ્યા છે તેમ તેમણે જણાવ્યું હતું.

હવે જિલ્લા પંચાયતનો સંપૂર્ણ વહીવટ ‘પેપરલેસ’ થઈ જવાને કારણે સૌથી મોટો ફાયદો એ થશે કે કોઈ અરજદાર દ્વારા પહેલાં આરોગ્ય, આર એન્ડ બી સહિતના વિભાગોને લગતી ફાઈલ સબમીટ કરાવવામાં આવતી તો ઘણીવાર એવું બનતું કે ફાઈલો ગુમ થઈ જવી, ફાઈલો ન મળવી સહિતની સમસ્યા ઉપસ્થિત થતી હતી. જો કે હવે આ વાત ભૂતકાળ બની જશે કેમ કે ફાઈલ સબમીટ થયા બાદ તેનો રેકોર્ડ કોમ્પ્યુટરમાં સચવાયેલો રહેશે.

આ નિર્ણયનો બીજો ફાયદો એ મળશે કે જિલ્લા પંચાયતના અધિકારી ફિલ્ડમાં હશે તો પણ ફાઈલને વેરિફાય અથવા તાો મંજૂરી આપી શકશે. આ માટે તમામ અધિકારીઓને લોગઈન આઈડી આપવામાં આવ્યું છે જેન થકી તેઓ ફિલ્ડમાં હોવા છતાં પણ લેપટોપ અને મોબાઈલ થકી ફાઈલને મંજૂર-નામંજૂર કરી શકશે. આવી જ રીતે કોઈ ફાઈલ સાથે છેડછાડ નહીં થાય કે તેના ગુમ થઈ જવાની સમસ્યા માંથી છૂટકારો મળશે અને કાર્યોને વેગ મળશે.

પેપરલેસ ઓનલાઇન કાર્યવાહી થવાના કારણે કાગળની તો મોટી બચત થવાની જ છે સાથે સાથે સમયની પણ મોટી બચત થશે. આ ઉપરાંત અધિકારીઓ ફાઈલનું સ્ટેટસ શું છે તેને કોમ્પ્યુટરના માધ્યમથી ટ્રેક કરીને સ્થિતિ જાણી શકશે.આ ઉપરાંત અધિકારીના હસ્તાક્ષર પણ ઓનલાઈન થઈ જશે. એકંદરે આ નિર્ણયથી અધિકારીઓ એકબીજાના સંપર્કમાં આવ્યા વગર જ ફાઈલનું કામકાજ કરી શકશે.

આ પ્રક્રિયાનો જિલ્લા પંચાયતમાં આ નિયમનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે આવું કરનારી રાજકોટની જિલ્લા પંચાયત ગુજરાતની પહેલી સરકારી કચેરી છે. આ ઉપરાંત 26 ડિસેમ્બરે ગુડ ગવર્નન્સ ડે નિમિત્તે તાલુકા પંચાયતની પણ સઘળી કામગીરી ઓનલાઈન કરવામાં આવશે. મહત્ત્વની વાત એ છે કે જિલ્લા પંચાયતને મોકલવામાં આવતી ટપાલ મારફતે આવતી લેખિત અરજીઓ પણ સ્કેન કરીને અધિકારીઓને મોકલવામાં આવશે તેમ વધુમાં જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ જણાવ્યું હતું.

ગુજરાતમાં પ્રથમ પેપરલેસ જિ.પંચા.બન્યાનું ગૌરવ: ભુપતભાઈ બોદર

અધિકારીઓના પ્રયત્નો અને સરકારના અભિગમના કારણે રાજકોટ જિલ્લા પંચાયત પેપરલેસ ઓનલાઇન બની છે તે ગુજરાતમાં પ્રથમ ઘટના છે આમ થવાથી એનો ગર્વ છે. હવે જિલ્લા પંચાયતના વિકાસકામો વણથંભ્યો બનશે. મારા પ્રમુખ પદે જિલ્લા પંચાયત વિકાસના જે કામો કરી રહી છે તેમાં ગતિ આવશે કારણ કે હવે લોકોને કચેરીમાં ધક્કા ખાવા નહિ પડે અને તેમના કામો સમયસર પુરા થશે.

સમયની બચત થશે અને ફાઈલોના થપ્પા લાગતાં અટકશે : જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરી

પેપરલેસ પ્રક્રિયાની અમલવારી કરાવનાર ગુજરાતમાં પહેલી જિલ્લા પંચાયત બન્યાનું ગૌરવ લેતા  જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ “અબતક’ને વધુમાં જણાવ્યું હતું કે,અધિકારી ફિલ્ડમાં હશે તો તેઓ પોતાના લોગઈન આઈડી મારફતે મોબાઈલ લેપટોપ મારફતે ફાઈલને મંજૂરી નામંજૂરી આપી શકશે.સમયની બચત થશે અને ફાઈલોના થપ્પા લાગતાં અટકશે.કોઈ ફાઈલ સાથે છેડછાડ કે ખોવાશે નહીં તેમ જિલ્લા વિકાસ અધિકારી દેવ ચૌધરીએ વધુમાં જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.