Abtak Media Google News

ચાલુ સપ્તાહ સતત વરસાદ ચાલુ રહેશે: દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં સતત મેઘકૃપા ચાલુ છે. આજે સવારથી ૧૩ તાલુકાઓમાં મેઘાના મંડાણ થયા હતા. અમરેલી જિલ્લાનાં રાજુલામાં સૌથી વધુ સવા ઇંચ જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. આ ઉપરાંત આણંદ, ધનેરા, નડિયાદ, વાપી, મહુવા, માણાવદર, પોરબંદર, ગોરસર, પેટલાદ, જંબુસર, ભાવનગર અને પારડીમાં હળવા ઝાપટાથી લઈ એક ઈંચ સુધી વરસાદ વરસી ગયો હતો.

ગઈકાલે અષાઢી બીજના પાવન પર્વે સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં હેત વરસાવી મેઘરાજાએ શુકન સાચવી લીધું છે. રાજકોટના ગોંડલમાં ગઈકાલે સાંજે બે કલાકમાં સાંબેલાધારે અઢી ઈંચ વરસાદ વરસી ગયો હતો. સવારે પુરા થતા છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૩૧ તાલુકામાં વરસાદ પડ્યો હોવાનું નોંધાયું છે. આગામી સપ્તાહ રાજ્યમાં સતત વરસાદ ચાલુ જ રહેશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા આપવામાં આવી છે. મેઘ મહેરના કારણે જળાશયોમાં નવા નીરની આવક થવા પામી છે.

ગોંડલમાં અષાઢી બીજના પાવન દિવસે સવારથી જ ગરમીનો પારો ઉંચો રહ્યો હતો. મંગળવારે સાંજના સુમારે વાતાવરણ પલટાતા કાળા ડિબાંગ વાદળો સાથે મેઘરાજાએ દે ધનાધન બે કલાકમાં  અઢી ઇંચ પાણી વરસાવી દેતા નાના મોટા નદીનાળા છલકાયા હતા. ગોંડલી નદીમાં પાણી આવતા ગાડીવેલ તણાઈ હતી ખેડૂતોમાં હરખની હેલી પ્રસરી જવા પામી હતી. ગોંડલ શહેર પંથકમાં ખેડૂતો દ્વારા ૧૦-૧૨ દિવસ પહેલા જ મગફળી કપાસ તેમજ મરચાનું વાવેતર કરાયું હોય આજે સચરાચર વરસાદ વરસતા ખેડૂતો હરખાયા હતા. હળવદમાં ભારે બફારા બાદ મોડી સાંજે મેઘરાજાએ અષાઢી બીજનું શુભ મુહૂર્ત સાચવ્યું છે અને પવન સાથે વરસાદી ઝાપટું આવ્યું હતું. જેને કારણે વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી જવા પામી છે.  મોટાભાગે અષાઢી બીજના દિવસે મેઘરાજા મુરત સાચવતા હોય છે. તેવી જ રીતે આજે અષાઢી બીજના પવિત્ર દિવસે હળવદ શહેર અને મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદી ઝાપટું પડયું  હોવાનું જાણવા મળે છે.

રાહત કમિશનર અને અધિક સચિવ હર્ષદ આર. પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, રાજ્યમાં આગામી અઠવાડીયામાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તે ઉપરાંત ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર વિસ્તાર અને કચ્છનાં કેટલાક વિસ્તારમાં સામાન્યત: હળવાથી ભારે વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.  કૃષિ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ચાલુ વર્ષે અંદાજીત ૨૮.૪૪ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર તા.૨૨/૬/૨૦૨૦ સુધીમાં થયુ છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૧૪.૯૯ લાખ હેક્ટર વાવેતર થયુ હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૩૩.૫૦% વાવેતર થયુ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.