Abtak Media Google News

વેસ્ટન ડિસ્ટર્બન્સ ૪૮ કલાકમાં પાસ થઈ જશે: અંબાજી સહિત અનેક સ્થળોએ સવારે વરસાદના છાંટા પડયા: રવિવારથી કડકડતી ઠંડીનો દોર

ચાલુ સાલ શિયાળાની સીઝનમાં સતત ત્રીજી વખત વેસ્ટન ડિસ્ટર્બન્સના કારણે અવરોધ ઉભો થતા ઠંડીમાં જોરદાર ઘટાડો નોંધાયો છે. આજે સતત ત્રીજા દિવસે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. જેના કારણે આજે અમુક છુટા-છવાયા સ્થળોએ માવઠું પડે તેવી ભીતિ પણ વર્તાય રહી છે. અંબાજી સહિત રાજયમાં અનેક સ્થળોએ આજે સવારે વરસાદના છાંટા પડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. ૪૮ કલાકમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ કલિયર થઈ જતા રવિવારથી રાજયમાં કડકડતી ઠંડીનો દોર શરૂ થશે.

Advertisement

હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર વેસ્ટન ડિસ્ટર્બન્સની અસરના કારણે આજે બીજા દિવસે રાજયભરમાં વાદળછાયુ વાતાવરણ રહેવા પામ્યું છે. ૪૮ કલાકમાં વેસ્ટન ડિસ્ટર્બન્સ પસાર થઈ ગયા બાદ વાતાવરણ કલિયર થઈ જશે અને વાતાવરણમાં વાદળોનું આવરણ હટતાની સાથે રાજયભરમાં કડકડતી ઠંડીનો દોર શરૂ થશે. આજે સવારે રાજકોટનું લઘુતમ તાપમાન ૧૬.૭ ડિગ્રી નોંધાયું હતું.

વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૫૪ ટકા અને પવનની ગતિ શાંત રહેવા પામી હતી. સવારે ૮:૩૦ કલાકે શહેરનું તાપમાન ૧૮.૬ ડિગ્રી રહેવા પામ્યું હતું. ગઈકાલનું મહતમ તાપમાન ૨૯.૫ ડિગ્રી નોંધાયું છે. આજે સતત બીજા દિવસે શહેરમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું હતું. આવતીકાલે પણ આવું જ વાતાવરણ રહે તેવી શકયતા જણાઈ રહી છે. કચ્છના નલીયામાં પણ આજે તાપમાનનો પારો ઉંચકાયો હતો. નલીયાનું લઘુતમ તાપમાન આજે ૧૩.૨ ડિગ્રી નોંધાયું છે. ગઈકાલનું મહતમ તાપમાન ૨૮.૪ ડિગ્રી અને પવનની ઝડપ પ્રતિ કલાક ૪ કિલોમીટર નોર્થ ઈસ્ટમાં રહેવા પામી હતી. જયારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૬૩ ટકા રહેવા પામ્યું હતું.

રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજયમાં આજે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. રાજયના જાણીતા તીર્થધામ એવા અંબાજીમાં આજે સવારે વરસાદના સામાન્ય છાંટા પડયા હોવાનું જાણવા મળી રહ્યું છે. હવામાન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર આગામી બે દિવસ રાજયમાં છુટા-છવાયા વિસ્તારોમાં કમોસમી વરસાદ કે માવઠાની સંભાવના રહેલી છે. બે દિવસ વાદળછાયુ વાતાવરણ રહેશે ત્યારબાદ ૨૪મીથી ફરી આકરી ઠંડીનો દોર શરૂ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે ચાલુ સાલ શિયાળાની સીઝનમાં ત્રણ વાર વેસ્ટન ડિસ્ટર્બન્સનો અવરોધ ઉભો થતા શિયાળામાં જોય તેવી ઠંડી પડતી નથી. શિયાળો માંડ જામે છે ત્યાં વેસ્ટન ડિસ્ટર્બન્સનો અવરોધ ઉભો થાય છે અને ઠંડીમાં તોતીંગ ઘટાડો નોંધાય જાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.