Abtak Media Google News

ગોંડલ ખાતે રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી તથા મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી આર. સુભાષ રેડ્ડીએ રૂ. ૪૦ કરોડના ખર્ચે નિર્મિત અદ્યતન કોર્ટ બિલ્ડીંગનું લોકાર્પણ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે લોકોને ઝડપી ન્યાય મળી રહે એ માટે કોર્ટને આધુનિક બનાવવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને રાજ્યના તમામ તાલુકાની કોર્ટની ઇમારત નવી બને એવું આયોજન રાજ્ય સરકારનું છે. જેના ભાગરૂપે રાજકોટ શહેરના મધ્યમાં રહેલી જિલ્લા કોર્ટને ઘંટેશ્વર ખાતે રૂ.૧૦૦ કરોડના ખર્ચે નવું કોર્ટ બિલ્ડિંગ બનાવાશે. તેમજ ગાંધીનગરમાં પણ નવા કોર્ટ બિલ્ડિંગનું આયોજન હાથ ધરવામાં આવશે.

Advertisement

ગોંડલમાં રૂ. ૪૦ કરોડના ખર્ચથી નિર્માણ પામેલા નવા કોર્ટ બિલ્ડિંગનું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવ્યું કે, લોકો જે શ્રદ્ધાથી મંદિરમાં ઇશ્વર પાસે જાય છે, એટલી જ શ્રદ્ધાથી લોકો ન્યાય મંદિરમાં આવે છે. આથી તેમને ઝડપી સરળતાથી અને યોગ્ય ન્યાય મળે એ જરૂરી છે. કારણ કે, વિલંબથી મળતો ન્યાય, ન્યાય ન મળવા સમાન છે, એમ અંગ્રેજી કહેવતને ટાંકતા તેમણે કહ્યું હતું.

કાયદાના રાજ અને સુશાસન માટે કોર્ટની મહત્તા આલેખતા શ્રી રૂપાણીએ જણાવ્યું કે, લોકોને જો ઝડપથી ન્યાય મળે તો તેને સારી વ્યવસ્થા અને સુશાસનનો અહેસાસ થશે અને ત્યારે જ ન્યાયનું રાજ્ય સ્થાપિત થયું હોય એવું લોકોને લાગશે. રૂલ ઓફ લો માટે લોકોને ન્યાય સાથે કાયદા મુજબ કડક સજા થાય એ જરૂરી છે. આ માટે ન્યાયતંત્ર, વહીવટી તંત્ર અને વકીલોના સંકલિત પ્રયાસોની જરૂર છે.મુખ્યમંત્રીશ્રીએ મુખ્ય ન્યાયમૂર્તિ શ્રી રેડ્ડીની પડતર કેસોના નિકાલ માટેની ઝૂંબેશની પ્રશંસા કરી હતી તેમજ કોર્ટને જરૂરી સહકાર આપવાની ખાતરી પણ આપી હતી.

હાઇકોર્ટના મુખ્યન્યાય મૂર્તિ શ્રી આર. સુભાષ રેડ્ડીએ કહ્યું કે, ગુજરાતમાં અન્ય રાજ્યો કરતા કોર્ટમાં ભૌતિક સુવિધાઓ ઘણી સારી છે. કેટલીક તાલુકા કોર્ટની ઇમારતો તો હાઇકોર્ટ જેવી છે. કોર્ટમાં ભૌતિક સુવિધા આપવા માટે રાજ્ય સરકાર હંમેશા તત્પર રહે છે.પડતર કેસોના નિકાલ માટે કોર્ટ દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોની વિગતો આપતા શ્રી રેડ્ડીએ કહ્યું કે, રાજકોટ જિલ્લામાં પાંચ વર્ષથી પડતર હોય એવા ૬૦૦૦ હજાર જેટલા કેસો છે.

જેમાંથી મોટા ભાગના નશાબંધીના, જમીન સંપાદનના, વાહન અકસ્માત બાકીના ફોજદારી કેસો છે. હવે જ્યારે, કોર્ટમાં પૂરતી ભૌતિક સુવિધાઓ વધતા લોકોને વધુ ઝડપથી ન્યાય મળશે. ઝડપી ન્યાય પ્રક્રિયા પર ભાર મૂકતા શ્રી રેડ્ડીએ એમ પણ જણાવ્યું કે ન્યાયિક અધિકારીઓ, કાયદા અધિકારીઓ, વકીલોના સંકલિત પ્રયાસોથી જ લોકોને ઝડપી ન્યાય મળી શકે છે, ખાસ કરીએ નશાબંધીના કેસોના નિકાલ માટે વહીવટી તંત્ર સાથે સંકલનની જરૂર છે.મુખ્ય ન્યાયમૂર્તિશ્રીએ ગોંડલમાં સારા કોર્ટ બિલ્ડિંગના નિર્માણ બદલ પ્રસન્નતા વ્યક્ત કરી હતી અને ગોંડલમાં રાજવીકાળની ન્યાય વ્યવસ્થા, કન્યા કેળવણી, વહીવટી સુશાસનની પ્રશંસા કરી હતી.

રાજ્યના કાયદામંત્રી શ્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમના પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે, કાયદા વિભાગ માટે રાજય સરકારે ચાલુ વર્ષે રૂ. ૧૮૦૦ કરોડની બજેટમાં ફાળવણી કરી છે. આજે ગુજરાતના મોટાભાગના તાલુકામાં ન્યાયતંત્રનો પોતાનો સુવિધા સભર કોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે.

લોકોને સમય મર્યાદામાં ન્યાય મળી રહે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતુ કે, અગાઉ ગુજરાતની કોર્ટમાં કુલ ૨૨ લાખ જેટલા કેસ પેન્ડીંગ હતાં તેને ખુબ જ ટૂંકા ગાળામાં સચોટ કામગીરી કરી ૧૫ લાખ સુધી પહોચાડ્યા હોવાનું ગૌરવ સાથે મંત્રીશ્રીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત પેન્ડીંગ કેસનો ઝડપી ઉકેલ લાવવા માટે દરેક કોર્ટમાં એ.પી.પી. ની નિમણુંક કરવા માટે રાજ્ય સરકારે નક્કર આયોજન કરેલું છે. જેને સમય મર્યાદામાં પૂર્ણ કરવામાં આવશે. કાયદામંત્રીશ્રીએ નવનિર્મિત કોર્ટ બિલ્ડિંગના વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી.

આ પ્રસંગે તેમની સાથે ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ આર. સુભાષ રેડ્ડી, ગુજરત હાઈકોર્ટના જજ પરેશભાઈ ઉપાધ્યાય તેમજ રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ સુશ્રી ગીતા ગોપી, અધિક જિલ્લા ન્યાયાધીશ શ્રી જે. એન. વ્યાસ  તેમજ ગોંડલ બાર એસોસિએશનના પ્રમુખ શ્રી જે. બી. કાલરીયા પણ સાથે ઉપસ્થિત રહ્યા હતાં.

આ તકે ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ પરેશભાઈ ઉપાધ્યાયે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યુ હતું. તેમજ મહાનુભાવોના હસ્તે જમીન વળતરના કેસો તથા અકસ્માતના કેસોમાં વળતરના ચેકોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોને ગોંડલના પરંપરાગત આંટીયાળા સાફા બાંધી સ્વાગત કરવામાં આવ્યું હતું.

કાર્યકમની શરૂઆતમાં સ્વાગત પ્રવચન રાજકોટ જિલ્લા મુખ્ય ન્યાયાધીશ ગીતા ગોપીએ  તેમજ આભારવિધિ ગોંડલ બાર એસોસિએશનના પ્રમુખ જે. બી. કાલરીયાએ કરી હતી.

આ પ્રસંગે સર્વશ્રી ધારાસભ્ય શ્રીમતી ગીતાબા જાડેજા, ધારાસભ્યશ્રી લાખાભાઈ સાગઠીયા,  કલેકટર ડો. રાહુલ ગુપ્તા, પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ, રેંજ આઈ.જી. સંદીપસીંગ, યાર્ડના પ્રમુખ જેન્તીભાઈ ઢોલ, અગ્રણી સર્વેશ્રી ભરતભાઈ બોઘરા, શ્રી ડી. કે. સખીયા, ભાનુભાઈ મેતા, શ્રી મગનભાઈ ઘોણીયા, શ્રી રમેશભાઈ ધડુક, શ્રી બાવનજીભાઈ મેતલિયા, શ્રી ચેતન રામાણી, ગોંડલ સ્ટેટના કુમાર શ્રી ઉપેન્દ્રસિંહજી,  રાજકોટ બાર એસોસિએશનના પ્રમુખશ્રી અનિલ દેસાઈ, શ્રી  એ.પી. ઠાકર રજીસ્ટ્રાર તેમજ વિવિધ બાર એસોસિએશનના હોદેદારો, એડવોકેટસશ્રીઓ, જિલ્લા પદાધિકારીઓ, અધિકારીઓ તેમજ વિશાળ સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.