Abtak Media Google News

ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયાનો કાલથી આરંભ: જૂના માર્કેટ યાર્ડ ખાતે રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાની મગફળીની ખરીદી કરાશે

મગફળીના બે સેમ્પલ લઈને યોગ્ય રીતે ચકાસણી કરાશે, નકકી કરાયેલ ધારા ધોરણને અનુ‚પ ગુણવત્તાવાળી મગફળી જ ખરીદાશે

રાજકોટ જિલ્લા સહિત રાજયભરમાં આવતીકાલથી ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયાનો પ્રારંભ થનાર છે. હાલ તંત્ર દ્વારા મગફળીની ખરીદી માટેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. ઉપરાંત જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ ખરીદીની પ્રક્રિયા તટસ્થ રીતે થાય તે માટે જિલ્લાના તમામ ખરીદી કેન્દ્રો પર વર્ગ-૧ના અધિકારીઓને હાજર રહેવાનો આદેશ આપ્યો છે.

રાજયભરમાં હાલ ટેકાના ભાવે મગફળી ખરીદીની નોંધણી પ્રક્રિયા ચાલી રહી છે. આ પ્રક્રિયા આગામી ૩૦મી સુધી ચાલનાર છે ત્યારે આ દરમિયાન આવતીકાલથી રાજયભરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયા શ‚ થવા જઈ રહી છે. જેમાં રાજકોટ જિલ્લાના આઠ સેન્ટરો ઉપર ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવનાર છે.

રાજકોટ ખાતે આવેલા જૂના માર્કેટ યાર્ડમાં રાજકોટ, લોધીકા અને પડધરી તાલુકાના ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવશે ઉપરાંત ગોંડલ એપીએમસી સેન્ટર ખાતે ગોંડલ તેમજ કોટડા સાંગાણી તાલુકાના ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદાશે. આ સાથે બાકીના તાલુકાઓ જેતપુર, ધોરાજી, જસદણ, વિંછીયા, ઉપલેટા અને જામકંડોરણા ખાતે સ્થિત એપીએમસી સેન્ટરોમાં પણ સ્થાનિક ખેડૂતોની મગફળી ટેકાના ભાવે ખરીદવામાં આવનાર છે.

રાજકોટ તાલુકામાંથી ૧૩ હજાર મેટ્રીક ટન, ગોંડલ તાલુકામાંથી ૨૦ હજાર મેટ્રીક ટન, જેતપુર તાલુકામાંથી ૧૦ હજાર મેટ્રીક ટન, ઉપલેટા તાલુકામાંથી ૮ હજાર મેટ્રીક ટન, ધોરાજી તાલુકામાંથી ૯ હજાર મેટ્રીક ટન, પડધરી તાલુકામાંથી ૧૩૫૦૦ મેટ્રીક ટન, લોધીકા તાલુકામાંથી ૬ હજાર મેટ્રીક ટન, કોટડા સાંગાણી તાલુકામાંથી ૮ હજાર મેટ્રીક ટન, જામકંડોરણા તાલુકામાંથી ૮ હજાર મેટ્રીક ટન અને વિંછીયા તાલુકામાંથી ૬ હજાર મેટ્રીક ટન મગફળીની ખરીદી કરવામાં આવશે. ખેડૂતો પાસેથી રૂ.૧ હજાર પ્રતિ મણ લેખે મગફળીની ખરીદી કરાશે.

ટેકાના ભાવે મગફળી ખરીદીની પ્રક્રિયામાં કોઈપણ જાતની ગેરરીતિ ન થાય તે માટે પુરતી તકેદારી રાખવામાં આવી છે. માલની ખરીદી વેળાએ તંત્ર દ્વારા ૨ સેમ્પલ લેવામાં આવશે. નિયત ગુણવત્તાવાળી એટલે કે જાડી મગફળીમાં ૬૫નો ઉતારો, જીણી મગફળી માટે ૭૦નો ઉતારો, મહત્તમ ૮ ટકા ભેજ, માટી-કાંકરા અને અન્ય કચરા વગરની મગફળીની જ ખરીદી કરવામાં આવશે. પ્રતિ ખેડૂત પાસેથી મગફળીના વાવેતર વિસ્તારને આધારે પ્રતિદિન મહત્તમ ૨૫૦૦ કિલો ગ્રામ મગફળી ખરીદવામાં આવશે.

ટેકાના ભાવે મગફળીની ખરીદીની પ્રક્રિયામાં તટસ્થતા જળવાઈ રહે તેમજ કોઈપણ જાતની ગેરરીતિ ન થાય તે માટે તમામ ખરીદી કેન્દ્રોમાં વર્ગ-૧ના અધિકારીને હાજર રહેવાનું જિલ્લા કલેકટર ડો.રાહુલ ગુપ્તાએ આદેશ કર્યો છે. આવતીકાલથી શરૂ થનાર ખરીદી પ્રક્રિયામાં રાજકોટ જિલ્લામાંથી કુલ ૧ લાખ મેટ્રીક ટન મગફળી ખરીદાય તેવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.