Abtak Media Google News

સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડની રજુઆતનો રાજય સરકારે સ્વીકાર કરતાં રાજયભરનાં વેપારીઓને લાભ: વ્યાજ વિના ઓનલાઈન વ્યવસાય વેરો ૩ દિવસ પછી ભરી શકાશે: શહેરનાં ૨૦ હજારથી વધુ વેપારીઓને ૧૨૨ કરોડનો સીધો ફાયદો

રાજય સરકાર દ્વારા વ્યવસાય વેરામાં દંડ અને વ્યાજમાફી યોજનાની જાહેરાત ગઈકાલે કરવામાં આવી છે જેની અમલવારી આજથી શરૂ કરી દેવામાં આવી છે. મહાપાલિકાની તમામ વોર્ડ ઓફિસ અને સિવીક સેન્ટરો ખાતે આજે વ્યાજ વિના વ્યવસાય વેરો સ્વિકારવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. દરમિયાન ઓનલાઈન વ્યાજ વિના વ્યવસાય વેરો સ્વિકારવાનું આગામી ૩ દિવસ બાદ સોફટવેર અપડેટ થયા પછી શરૂ કરવામાં આવશે. શહેરનાં અંદાજે ૨૦,૦૦૦થી વધુ વેપારીઓને આ યોજનાથી ૧૨૨ કરોડ રૂપિયાનો ચોખ્ખો ફાયદો થયો છે. મહાપાલિકાનું લેણુ પણ છુટુ થઈ જશે. વ્યવસાય વેરામાં વ્યાજમાફી યોજના મુકવા માટે સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે રાજય સરકાર સમક્ષ કરેલી વારંવાર રજુઆતને સફળતા મળી છે જેનો લાભ માત્ર રાજકોટ શહેરને નહીં પરંતુ રાજયભરનાં લાખો વેપારીઓને મળ્યો છે.

સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય  સરકાર દ્વારા ગુજરાત રાજ્ય, વ્યવસાય, વ્યાપાર, ધંધા અને રોજગાર નિયમો ૧૯૭૬ હેઠળ જુદા જુદા વ્યવસાયિકો પાસેથી વ્યવસાય વેરો વસુલ કરવામાં આવે છે. જે અન્વયે, વેરા વસુલાત એજન્ટ તરીકે મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ વિગેરેની નિમણુંક કરવામાં આવેલ છે.  જે અંતર્ગત રાજ્યની તમામ મહાનગરપાલિકા નગરપાલિકાઓ સહીતની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા વ્યવસાયિકો પાસેથી વ્યવસાય વેરો વસુલવામાં આવે છે.  વ્યવસાયિકોને પોતાનો વ્યવસાય વેરો સમયસર નહિ ભરી શકવાના કારણે, સરકારના નિયમાનુસાર વ્યાજની રકમ ભરપાઈ કરવાની રહેતી હોવાથી, તેમના બેંકના ખાતા ખોલવા, મિલકત નામફેર કરવા, નળ કનેક્શન લેવા, વધારાના બાંધકામની મંજૂરી લેવા સહિતના અનેક કામો અટકી પડતા હતા. જેના કારણે, વ્યવસાયિકો દ્વારા વ્યાજ માફી આપવા અનેક વખત રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી જે ધ્યાને લઇ તેમજ રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં નોંધાયેલ ૫૧,૦૦૦ જેટલા કરદાતાઓ પાસેથી વ્યવસાય વેરા પેટે વસુલવાપાત્ર વધુમાં વધુ રકમ અંદાજીત રૂ.૧૩૭ કરોડ તેમજ લેવા પાત્ર વ્યાજની રકમ અંદાજીત રૂ.૧૨૨ કરોડ સહ કુલ અંદાજીત રૂ.૨૬૦ કરોડ પૈકી, વ્યાજમાફીની યોજના જાહેર કરવા અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને લેખિત પત્ર દ્વારા તથા રૂબરૂ રજૂઆત કરવામાં આવી હતી જેનો સ્વીકાર કરતા રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં વ્યવસાયિકોને વ્યવસાય વેરો ભરપાઈ કર્યેથી, વ્યવસાય વેરાના વ્યાજ ભરપાઈ કરવામાંથી મુક્તિ આપવામાં આવેલ છે. જેને લીધે, રાજકોટ શહેરના હજારો વ્યવસાયિકોને ફાયદો થશે અને વ્યવસાય વેરાનું વ્યાજ ભરપાઈ કરવાની ઝંઝટમાંથી મુક્તિ મળશે.

રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ વ્યવસાય વેરા વ્યાજ માફીની યોજનાનો તા.૦૧/૦૬/૨૦૧૯ થી તા.૩૧/૦૮/૨૦૧૯ સુધી અમલી રહેશે. આ સમયગાળા દરમ્યાન વ્યવસાયિકોએ વ્યવસાય વેરાના વ્યાજની રકમ ભરપાઈ કરેલ હશે તે વ્યવસાયિકોને વ્યાજની આ રકમ જમા આપવામાં આવશે.  આ સમયગાળા દરમ્યાન વ્યાજ માફી યોજના હેઠળ વધુમાં વધુ વ્યવસાય વેરો ભરપાઈ કરવા શહેરના વ્યવસાયિકોને સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદય કાનગડની અપીલ કરી છે. શહેરભરના હજારો સહીતના રાજ્યભરના લાખો વ્યાવસાયિકોને લાભદાયી એવી વ્યવસાય વેરા વ્યાજ માફી યોજના જાહેર કરવા બદલ સ્ટેન્ડીંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો આભાર માન્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.