Abtak Media Google News

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી, પ્રમુખ, વિધાનસભાના વિપક્ષીનેતા રાત્રે રાજકોટમાં: બે દિવસ ભરચક કાર્યક્રમો

કાલે હેમુગઢવી હોલ ખાતે વિધાનસભાની મોકડ્રીલ: નાગર બોર્ડીંગ ખાતે કાલે અમરેલી, જામનગર, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર અને રાજકોટ જિલ્લાની જ્યારે બુધવારે રાજકોટ શહેર, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ અને બોટાદ જિલ્લાની ચિંતન શિબિર યોજાશે

દેશની સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસનો આવતીકાલે 137મો જન્મદિવસ છે. રાજકોટ ખાતે શહેર કોંગ્રેસ કાર્યાલય પ્રદેશના દિગ્ગજોની હાજરીમાં ધ્વજવંદન સહિતના કાર્યક્રમો યોજાશે. આજે મોડી સાંજે અથવા રાત્રે કોંગ્રેસ પ્રદેશ સંગઠન પ્રભારી ડો.રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, વિધાનસભાના વિપક્ષીનેતા સુખરામ રાઠવા, સંગઠન સહપ્રભારી જીતેન્દ્ર બધેલનું રાજકોટ ખાતે આગમન થશે. આવતીકાલેથી બે દિવસ સુધી પક્ષના વિવિધ કાર્યક્રમો યોજાશે.

આ અંગે વધુ માહિતી આપતા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક ડાંગર અને કાર્યકારી પ્રમુખ પ્રદિપભાઇ ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનો આવતીકાલે 137મો સ્થાપના દિન અને સેવાદળના 99ના સ્થાપના દિન નિમિતે પક્ષ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાશે. આજે સાંજ અથવા મોડી રાત સુધીમાં પ્રદેશ કોંગ્રેસના સંગઠન પ્રભારી રઘુ શર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોર, ગુજરાત વિધાનસભાના વિપક્ષીનેતા સુખરામ રાઠવા અને સંગઠન સહપ્રભારી જીતેન્દ્ર બધેલનું રાજકોટમાં આગમન થશે.

આવતીકાલે સવારે 9:00 કલાકે ઢેબર રોડ સ્થિત શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદન યોજાશે. ત્યારબાદ 10:45 કલાકે હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે વિધાનસભાની મોકડ્રીલનો કાર્યક્રમ યોજાશે. નાગર બોર્ડીંગ ખાતે સવારે 11:00 કલાકે અમરેલી જિલ્લા કોંગ્રેસ, 12:00 જામનગર કોંગ્રેસ, બપોરે 1:00 કલાકે ભાવનગર કોંગ્રેસ, બપોરે 3:00 દેવભૂમિ દ્વારકા કોંગ્રેસ, બપોરે 4:00 કલાકે પોરબંદર શહેર અને જિલ્લા કોંગ્રેસ જ્યારે સાંજે 5:00 કલાકે રાજકોટ જિલ્લા કોંગ્રેસ સમિતિ બેઠક યોજાશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે 29મી અને બુધવારે સવારે 11:00 કલાકે નાગર બોર્ડીંગ ખાતે શહેર કોંગ્રેસની ચિંતન બેઠક, બપોરે 12:00 કલાકે મોરબી કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક, બપોરે 1:00 કલાકે સુરેન્દ્રનગર કોંગ્રેસ સમિતિની બેઠક, બપોરે 3:00 કલાકે કચ્છ કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક અને સાંજે 4:00 કલાકે બોટાદ કોંગ્રેસ સમિતિની ચિંતન બેઠક યોજાશે.

ગુજરાત વિધાનસભાની ચુંટણી નજીક આવી રહી છે ત્યારે રાજ્યમાં છેલ્લાં અઢી દાયકાથી સત્તા વિહોણી રહેલી કોંગ્રેસ હવે રાજ્યમાં સત્તારૂઢ થવા માટે ગંભીરતાથી ચૂંટણી લક્ષી કામગીરી લાગી ગઇ છે. ચૂંટણી કેમ જીતવી તે માટે આવતીકાલથી બે દિવસ રાજકોટ ખાતે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓના હોદ્ેદારો સાથે મનોમંથન કરશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.