Abtak Media Google News

ખેડુતોના હિત માટેના પ્રાણપ્રશ્ર્નો અને મુદા રાજય-કેન્દ્ર સરકાર ગંભીરતાથી લે તેવી કોંગ્રેસની માંગ

ભારત દેશ ખેતીપ્રધાન દેશ છે. ખેતી આધારીત દેશનું ૬૦ થી ૭૦% આર્થિક વહિવટ ચાલે છે ત્યારે દેશની જીવાદોરી સમાન ખેતી બચાવવા અને જગતના તાતને બચાવવા આજરોજ રાજકોટ શહેર કોંગ્રેસ દ્વારા ત્રિકોણબાગ ખાતે ખેડુતોના પ્રશ્ર્નોને લઈ ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને ખેડુત તેમજ ખેતી બચાવવાના મુદે કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. ખેડુતોના પ્રાણ પ્રશ્ર્નો અને મુદાઓને રાજય સરકાર અને કેન્દ્ર સરકાર ગંભીરતાથી લ્યે તેવી માંગણી કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહી છે. આ ધરણા કાર્યક્રમમાં ખેડુતોના અનેક પ્રશ્ર્નો જેમાં ખેડુતો વિવિધ જણસોનું ઉત્પાદન કરે છે તેનો પોષણક્ષમ ભાવ મળે, રાજય સરકાર ખેડુતોને પાક વિમો ન આપીને ખેડુતો સાથે વિશ્ર્વાસઘાત કરે છે. ખાતર બિયારણ પર સંપૂર્ણ ટેકસ માફી તેમજ ખેતીની જમીનનો ઉભો પાક મોલ રોઝ-ભુંડના ત્રાસથી બચાવવા માટે ફેન્સીંગ જાળીના ગ્રુપના બદલે ખેડુત દીઠ ૯૦% સબસીડી મળે, ખેડુતોના તમામ ખેત ઓજારો અને ટ્રેકટરમાંથી જી.એસ.ટી. નાબુદ કરવા, ખેડુતોને ખેતીકામમાં વપરાતા ડિઝલમાંથી ટેકસ માફી, ખેડુતોને હોર્સ પાવર આધારીત કરી વીજ બીલમાં રાહત, ટેકાના ભાવે ખરીદાયેલ મગફળીમાં કરેલ ગેરરીતિ અને અગ્નિકાંડની તપાસ સીટીંગ જજ દ્વારા તપાસ કરાવીને આરોપીની સામે કાર્યવાહી કરવા ઉપરાંત રાત-દિવસ પશુપાલકોની જાળવણી અને સારસંભાળ કરતા પશુપાલકોને દુધનું પુરુ વળતર આપવા જેવા અનેક પ્રશ્ર્નો હલ કરવા કોંગ્રેસે માંગ કરી છે.

ઉપરોકત ખેડુતોના પ્રાણ પ્રશ્ર્નો અને મુદાઓને રાજય તેમજ કેન્દ્ર સરકાર ગંભીરતાપૂર્વક ધ્યાન આપે તેવી માંગણી સાથે ધરણા કાર્યક્રમ યોજી કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આ ધરણા કાર્યક્રમમાં રાજકોટ કોંગ્રેસ શહેર-જીલ્લા કાર્યકારી પ્રમુખ મહેશભાઈ રાજપુત સહિતના કાર્યકરો જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.