Abtak Media Google News

ઝોન વાઈઝ દૈનિક ૫ એમએલડી વધુ પાણી આપવાની વિચારણા: રેન્કીંગમાં ૯મો ક્રમાંક આવ્યા બાદ શહેરમાં સફાઈ કામગીરી કથળતા અધિકારીઓને કડક ભાષામાં તાકીદ કરતા શાસકો

ઉનાળાના આરંભે જ સુર્યનારાયણ લાલચોળ બની ગયા છે. આકાશમાંથી જાણે અગનવર્ષા થઈ રહી હોય તેવા આકરા તડકા પડી રહ્યા છે ત્યારે શહેરમાં પાણીની જરૂરીયાત વધતા મહાપાલિકા દ્વારા રાજકોટવાસીઓને વધુ પાણી આપવામાં આવે તેવી વિચારણા શરૂ કરવામાં આવી છે. ઝોન વાઈઝ દૈનિક ૫ એમએલડી જેટલું વધુ પાણી આપવામાં આવશે. બીજી તરફ રાજકોટનો સ્વચ્છતા રેન્કીંગમાં દેશમાં ૯મો ક્રમાંક આવ્યા બાદ શહેરમાં છેલ્લા એકાદ માસથી સફાઈની કામગીરી કથળી ગઈ હોય આવામાં સફાઈને ફરી અભિયાન સ્વરૂપે શરૂ કરવા પદાધિકારીઓ દ્વારા અધિકારીઓને કડક ભાષામાં તાકીદ કરવામાં આવી છે.

હાલ લોકસભાની ચુંટણીની આચારસંહિતા અમલમાં હોવાના કારણે મહાપાલિકા દ્વારા કોઈ સતાવાર જાહેરાત કરવામાં આવતી નથી. દરમિયાન સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ છેલ્લા ઘણા સમયથી શાસકો સમક્ષ એવા મતલબની રજુઆત આવી રહી છે કે, મહાપાલિકા દ્વારા નળ માટે આપવામાં આવતું પાણી પુરતુ મળતું નથી. કયાંક કયાંક ફોર્સની ફરિયાદ છે તો કયાંક લાઈન લીકેજના કારણે પુરતુ પાણી મળતું નથી. ગઈકાલે શાસકોએ પદાધિકારીઓ સામે એક બેઠક બોલાવી હતી જેમાં એવી તાકીદ કરવામાં આવી હતી કે, લાઈન લીકેજ સહિતની સમસ્યાઓ તાત્કાલિક અસરથી હલ કરી દેવી જેથી શહેરીજનોને પુરતા પ્રમાણમાં પીવાનું પાણી મળી રહે.

મહાપાલિકા દ્વારા બીજી એવી પણ વિચારણા શરૂ કરવામાં આવી છે કે હાલ શહેરીજનોને અપાતા દૈનિક ૨૦ મિનિટ પાણી વિતરણમાં સમયમાં વધારો કર્યા વિના કઈ રીતે વધુ પાણી આપી શકાય. ઝોન વાઈઝ એટલે કે ન્યુ રાજકોટ, જુનુ રાજકોટ અને સામાકાંઠા વિસ્તારમાં હાલ દૈનિક ૨૭૦ એમએલડી પાણી આપવામાં આવે છે. ઉનાળાના દિવસોમાં પાણીની માંગ વધી છે ત્યારે ઝોન વાઈઝ પાંચ-પાંચ એમએલડી વધુ પાણી આપવામાં આવશે એટલે હવે ૨૭૦ના બદલે દૈિનક ૨૮૫ એમએલડી પાણી આપવામાં આવશે. આ માટે રાજય સરકાર પાસે વધુ નર્મદાના પાણીની પણ માંગણી કરવામાં આવી છે.

હાલ અપાતા ૨૦ મિનિટ પાણીના સમયમાં વધારો કરવામાં નહીં આવે પરંતુ લોકોને પુરતા ફોર્સથી પાણી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ માટે ભુતીયા નળજોડાણ અને ડાયરેક પમ્પીંગ કરતા લોકો પર તુટી પડવા પણ તાકીદ કરવામાં આવી છે. સ્વચ્છતા સર્વેક્ષણ-૨૦૧૮માં દેશમાં રાજકોટનો નવમો ક્રમાંક આવ્યા બાદ મહાપાલિકાએ જાણે સંતોષ માની લીધો હોય તેવું લાગી રહ્યું છે. હાલ પાનખર ઋતુ ચાલી રહી છે ત્યારે વૃક્ષો પરથી પાંદડાઓ ખરવાના કારણે શહેરમાં ગંદકી વધી છે. બીજી તરફ સફાઈમાં પણ પુરતું ધ્યાન અપાતું ન હોવાની વાત ધ્યાને આવતા શાસકોએ સોલીડ વેસ્ટ શાખાના અધિકારીઓ અને કર્મચારીઓને સફાઈમાં પુરતુ ધ્યાન આપવાની તાકીદ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.