Abtak Media Google News

Table of Contents

નળ જોડાણ ન હોય તો પણ સામાન્ય કરના ૧૦ ટકા લેખે વોટર ચાર્જ ચુકવવો પડશે: વાહનવેરાનો દર ૧ ટકાથી વધારી ૧.૭૫ થી ૪ ટકા સુધી કરાયો: કન્ઝર્વન્સી અને ડ્રેનેજ ટેકસ પેટે કરના ૧ ટકા લેખે વસુલાત કરવા દરખાસ્ત

બજેટમાં સ્માર્ટ સિટી, ટ્રાફિક મેનેજમેન્ટ, સેન્સેટીવ ટુ ચિલ્ડ્રન એન્ડ ડિફરન્ટલી એબલ્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ બ્યુટીફીકેશન, વોટર સપ્લાય મેનેજમેન્ટ અને ડ્રેનેજ સેપ્ટેજ મેનેજમેન્ટ સહિત કુલ ૬ મુદાઓને અગ્રીમતા: બંછાનિધી પાની

વર્ષ ૨૦૧૮-૧૯નું રૂ.૧૩૨૪.૩૦ કરોડનું રિવાઈઝડ અને વર્ષ ૨૦૧૯-૨૦નું ૨૦૫૭.૪૨ કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની

રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ ૨૦૧૮-૧૯નું રૂ.૧૩૨૪.૩૦ કરોડનું રીવાઈઝડ બજેટ અને વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ.૨૦૫૭.૪૨ કરોડનું સામાન્ય અંદાજપત્ર આજે સવારે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત સ્વરૂપે રજુ કરવામાં આવ્યું હતું. કદાવર બજેટમાં રાજકોટવાસીઓ પર રૂ.૧૬.૫૦ કરોડનો કરબોજ લાદવાની ભલામણ કરવામાં આવી છે. વાહનવેરાનો હયાત ૧ ટકાનો દર વધારી ૧.૭૫ ટકાથી લઈ ૪ ટકા સુધી કરવાની ભલામણ કરાઈ છે. નળજોડાણ ન હોય તેવા મિલકત ધારક પાસેથી પણ સામાન્ય કરના ૧૦ ટકા લેખે વોટર ચાર્જ વસુલવા, ડ્રેનેજ ટેકસ પેટે સામાન્ય કરના ૧ ટકા વસુલવા, કન્ઝર્વન્શી ટેકસ પેટે સામાન્ય કરના ૧ ટકો વસુલવા માટે સુચન કરવામાં આવ્યું છે.

Dsc 6177

સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ બજેટ રજુ કર્યા બાદ પત્રકાર પરીષદને સંબોધતા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું કે, બજેટમાં સ્માર્ટ સિટી, ટ્રાફિક મેનેજમેન્ટ, સેન્સેટીવ ટુ ચિલ્ડ્રન એન્ડ ડિફરન્ટલી એબર્ટ, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ એન્ડ બ્યુટીફીકેશન, વોટર સપ્લાય તથા ડ્રેનેજ સેપ્ટેઝ મેનેજમેન્ટ એમ કુલ ૬ ક્ષેત્રને અગ્રિમતા આપવામાં આવી છે.

આ ઉપરાંત સ્માર્ટ સિટી મિશનના વિવિધ પ્રોજેકટ, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ, પાર્કિંગ, સ્વચ્છ ભારત મિશન, પ્રાથમિક એન્ડ માધ્યમિક શિક્ષણ, શહેરમાં નવા ભળેલા કોઠારીયા અને વાવડીની વિકાસ પ્રક્રિયા, રેસકોર્સ પાર્ટ-૨, અટલ સરોવર, પાયાની મુળભુત સુવિધાઓનું મજબુત માળખુ, મોર્ડન ઈન્ફ્રાસ્ટ્રકચર, જાહેર પરીવહન સેવા અને આરોગ્યલક્ષી સેવાઓને આવરી લઈ તેના પર વિશેષ ભાર મુકવામાં આવ્યો છે.

આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વર્ષ ૨૦૧૮-૧૯નું રૂ.૧૩૨૪.૩૦ કરોડનું રીવાઈઝ બજેટ અને વર્ષ ૨૦૧૯-૨૦નું રૂ.૨૦૫૭.૪૩ કરોડનું સામાન્ય અંદાજપત્ર રજુ કરવામાં આવ્યું છે જેમાં ૬૯૮.૨૪ કરોડનું રેવન્યુ બજેટ, ૧૨૭૩.૭૩ કરોડનું કેપીટલ બજેટ અને ૮૫.૪૪ કરોડનું અનામત બજેટ રજુ કરવામાં આવ્યું છે. ચાલુ નાણાકીય વર્ષથી મિલકત વેરામાં કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી કરવામાં આવી હોય નવા નાણાકીય વર્ષમાં કાર્પેટ એરિયાના દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવાનું સુચવવામાં આવ્યું નથી. મિલકત વેરા માટેનો લક્ષ્યાંક ૨૬૦ કરોડ અંદાજવામાં આવ્યો છે.

Dsc 6179

હાલ રહેણાંક હેતુ માટેનો કાર્પેટ એરિયાનો દર પ્રતિ ચોરસ મીટર રૂ.૧૧ અને બિનરહેણાંક હેતુ માટેનો દર પ્રતિ ચોરસ મીટર રૂ.૨૨ છે જે યથાવત રાખવામાં આવ્યો છે. ચાલુ નાણાકીય વર્ષમાં આજીવન વાહનવેરા પેટે વાહનની કિંમતના ૧ ટકા મુજબ વેરો વસુલવામાં આવતો હતો. નવા નાણાકીય વર્ષમાં વાહનવેરાના સ્લેબમાં વધારો કરવામાં આવ્યો છે. બિનયાંત્રિક વાહનો, દિવ્યાંગ લોકો માટેના વાહનો અને ઈલેકટ્રીક વાહનોને વેરામાંથી ૧૦૦ ટકા મુકિત આપવામાં આવી છે.

જયારે યાંત્રિક વાહનોમાં ૧ લાખ સુધીની કિંમતના વાહન પર ૧.૭૫ ટકા, ૧ લાખથી લઈ ૩ લાખ સુધીના વાહનો પર ૨.૭૫ ટકા, ૩ લાખથી ૫ લાખની કિંમતના વાહનો પર ૩ ટકા, ૫ લાખથી લઈ ૧૦ લાખ સુધીની કિંમતના વાહનો પર ૩.૨૫ ટકા, ૧૦ લાખથી લઈ ૨૫ લાખ સુધીની કિંમતના વાહન પર ૩.૫૦ ટકા અને ૨૫ લાખથી વધુની કિંમતના વાહનો પર વેરા પેટે ૪ ટકા વસુલવાની દરખાસ્ત કરવામાં આવી છે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, હાલ મહાપાલિકા દ્વારા વોટર ચાર્જ પેટે વસુલવામાં આવતા દરમાં કોઈપણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો નથી. ચાલુ નાણાકીય વર્ષમાં પાણી માટે રૂ.૨૨૨ કરોડનો ખર્ચ થવાનો અંદાજ છે જેની સામે પાણી વેરા પેટે થતી આવક માત્ર ૨૭ ટકા છે. મહાપાલિકાની ફરજીયાત સેવા માટે પ્રામાણિક કરદાતાઓ પર બોજ ન આવે તે માટે એક નિર્ણય લેવામાં આવ્યો છે.

શહેરમાં ઘણા મિલકત ધારકોએ નળ કનેકશન લેતા નથી અને ગ્રાઉન્ડ વોટર અથવા અન્ય નેચરલ સોર્સમાંથી પાણી મેળવે છે જેની માલિકી સરકારની છે. આથી બીપીએમસી એકટની કલમ ૧૪૧ કક અંતર્ગત વર્ષ ૨૦૧૯-૨૦થી વોટર ટેકસ પેટે સામાન્ય કરના ૧૦ ટકા લેખે વસુલાત કરવાનું સુચવવામાં આવ્યું છે જોકે વોટર ચાર્જ કે ટેકસ બેમાંથી ગમે તે એકની જ વસુલાત કરવામાં આવશે. જેના થકી મહાપાલિકાને ૫ કરોડ રૂપિયાની આવક થવાનો અંદાજ છે.

ગત વર્ષે કાર્પેટ એરિયા આધારીત પઘ્ધતિની અમલવારી થતા કન્ઝર્વન્સી ટેકસ, ફાયર ટેકસ, ડ્રેનેજ ટેકસ અને દિવાબતી ટેકસ રદ કરવામાં આવ્યો હતો. સ્વચ્છતા માટે લોકો વધુ જાગૃત થયા છે માટે હવે સામાન્ય કરના ૧ ટકા લેખે ક્ધઝર્વન્સી ટેકસ દાખલ કરવાનું સુચવવામાં આવ્યું છે. ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનના ચાર્જીસમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.Dsc 6161

ભુગર્ભ ગટર વ્યવસ્થા માટે વાર્ષિક રૂ૨૯.૧૪ કરોડનો ખર્ચ થાય છે જેને પહોંચી વળવા માટે નવા નાણાકીય વર્ષથી સામાન્ય કરના ૧ ટકા લેખે ડ્રેનેજ ટેકસ દાખલ કરવાનું સુચવવામાં આવ્યું છે. ડિજિટલ પેમેન્ટ કરનાર કરદાતાને મહાપાલિકા દ્વારા વળતર આપવામાં આવે છે. બીજા ટ્રાન્ઝેકશનથી વેરો ભરવા માટે પ્રોત્સાહન આપવા માટે ૧૦ હજાર સુધીની રકમ પર ૧ ટકા, ૧૦ હજારથી ૧ લાખ સુધીની રકમ પર અડધો ટકો અને ૧ લાખથી વધુની રકમ પર ૦.૨૫ ટકા વળતર અથવા ઓછામાં ઓછું ૫૦ રૂ વળતર આપવાની દરખાસ્ત કરવામાં આવી છે.

મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ વધુમાં ઉમેર્યું હતું કે, વહિવટી સુધારણા માટે શહેરના ત્રણ વોર્ડમાં નવા સિવિક સેન્ટર શરૂ કરવામાં આવશે. તમામ વોર્ડ ઓફિસોનું આઈવે પ્રોજેકટ સાથે જોડાણ કરી દેવામાં આવશે. સ્માર્ટ સિટી માટે વર્ષ ૨૦૧૯-૨૦૨૦માં રૂ.૩૧૬ કરોડનું બજેટ મંજુર કરવામાં આવ્યું છે. બજેટમાં અનેક નવી યોજનાઓનો પણ સમાવેશ કરાયો છે. એકસપોર્ટ ઈકોનોમીકના અહેવાલ અનુસાર આગામી દોઢ થી બે દાયકા દરમિયાન રાજકોટ શહેરનો વાર્ષિક સરેરાશ જીડીપી વિકાસ દર ૮.૧૩ ટકા રહેવાની ધારણા વ્યકત કરવામાં આવી છે.

જે ખરેખર ઉત્સાહવર્ધક છે. શહેરના આર્થિક વિકાસના પાયામાં મહાપાલિકા દ્વારા થતા માળખાકિય વિકાસ કાર્યો અને વર્તમાન મોર્ડન સમયને અનુરૂપ અન્ય આધુનિક વિકાસલક્ષી પ્રોજેકટનું ખુબ જ મહત્વ રહે છે જેને અનુ‚પ અંદાજપત્ર રજુ કરાયું છે. અંદાજપત્ર ફકત એક કાયદાકીય વહિવટી પ્રક્રિયા નથી પરંતુ મહાપાલિકાની કામગીરીની વિગત નાગરિક સુધી પહોંચાડવાનું અને લોકોની અપેક્ષાઓનો પડઘો પાડવાનું ઉતમ માધ્યમ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.