Abtak Media Google News

જામનગરના જાહેર માર્ગાે પર રખડતા ઢોરના વધેલા ત્રાસના લાંબા સમયના ઉહાપોહ પછી તંત્રએ આળસ ખંખેરી ગઈકાલથી પોતાના ઢોર જાહેર સ્થળોએ રખડતા મૂકનાર ત્રણ આસામીઓ સામે ફોજદારી કાર્યવાહી કરી ઝુંબેશનો પ્રારંભ કરતા નગરના માર્ગાે હવે ઢોરમુક્ત બનશે તેવી લોકોમાં આશા ઉભી થઈ છે.

જામનગર શહેરમાં લાંબા સમયથી જાહેર માર્ગાે પર રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે જેના કારણે નાના-મોટા અકસ્માતો સર્જાવવાની સાથે ટ્રાફિક વ્યવહારને પણ ભારે અવરોધ થઈ રહ્યો છે. જામનગરના જાણે કે કેટલાક વિસ્તારો તો સવાર, બપોર અને સાંજ ઢોરના બેસવાના અડ્ડા બની રહ્યા છે. વચ્ચોવચ્ચ બેસેલા ઢોરથી બચીને પોતાનું વાહન તરાવવા જતાં નાગરિકો ત્રાહિમામ્ પોકારી ગયા છે.

આ બાબતની તસ્વીરો, વિગતો અવારનવાર અખબારોના પાને સ્થાન પામી રહી છે તેમ છતાં કોઈપણ કારણથી મહાનગરપાલિકાના તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી, પરંતુ ગઈકાલે અચાનક જ તંત્રએ આળસ ખંખેરી કાર્યવાહીનો પ્રારંભ કર્યાે છે.

2018 7Large Rakhadta Dhor1ગઈકાલે બપોરથી મહાનગરપાલિકાના તંત્રએ નગરના ટાઉનહોલથી ગૌરવ પથ પર કાર્યવાહીનો પ્રારંભ કરી ત્યાં રખડતા ઢોરના માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૃ કરી હતી તે રોડ પર ટેગ નં.ર૮ લગાવવામાં આવેલા એક ઢોરને પકડી પાડી તેના માલિક લીમડા લેનમાં આવેલી સોઢા સ્કૂલ પાસે રહેતા સંન્યાસી મહંત ગુલાબગીરી સામે પોતાનું ઢોર જાહેર રોડ પર છૂટું મૂકી ગુન્હો કરવા અંગે સીઆરપીસી ૧૫૪ હેઠળ ગુન્હો નોંધી સીઆરપીસી ૧૫૭ હેઠળ તેની એફઆરઆઈ અદાલતમાં મોકલવા તજવીજ કરી છે.

આ કાર્યવાહી પછી સુમેર કલબ રોડથી દિ. પ્લોટ તરફ જવાના માર્ગ પર રખડતી ગાયને મહાનગરપાલિકાના સ્ટાફે પાંજરે પૂરી તેના માલિક નગરના પંચેશ્વર ટાવર રોડ પર આવેલા ભરવાડપાડામાં રહેતા પોલાભાઈ દેવાભાઈ રાઠોડ સામે ફરિયાદ નોંધાવી છે. સિટી-એ ડિવિઝન પોલીસે જીપી એક્ટની કલમ ૯૯ (ખ), ૧૧૭, ૧૧૮ હેઠળ તેની નોંધ કરી છે.

આગળ વધેલી કાર્યવાહી દરમ્યાન રાત્રે લાલબંગલા સર્કલ પાસે રખડતા ઢોરને મહાનગરપાલિકાના મિકેનિકલ સુપ્રિ. રાજેન્દ્રસિંહ એસ. જાડેજાએ પાંજરે પૂરી તેના માલિક નવાગામ ઘેડમાં રહેતા દેવલભાઈ હરદાસભાઈ ભારાઈ સામે ઉપરોક્ત કલમો હેઠળ સિટી-બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

ગઈકાલથી શરૃ કરવામાં આવેલી ઉપરોક્ત કાર્યવાહી યથાવત રાખવા લોકમાગણી ઉઠી છે ત્યારે જૂના રેલવે સ્ટેશન, પંડિત નહેરૃ માર્ગ પર નર્મદા સર્કલથી ડીકેવી સર્કલ સુધીના માર્ગ, રામેશ્વરનગર ચોક, પંચેશ્વર ટાવર તેમજ તીનબત્તીથી સુપર માર્કેટ ચોક સુધીના વિસ્તારોમાં અને બેડી ગેઈટથી ટાઉનહોલવાળા રોડ પર આખો દિવસ હાજરી પૂરાવતા ઢોરને પણ ડબ્બે પૂરી તેના માલિકો સામે ફોજદારી કાર્યવાહી કરવા લોકલાગણી જન્મી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.