Abtak Media Google News

૧૨૬ કર્મચારીઓની વોર્ડ વાઈઝ ૧૮ ટીમ બનાવી હોવા છતાં પરીણામ શૂન્ય: ભુતીયાનું દુષણ ગાયબ!

ગત વર્ષે ચોમાસાની સીઝનમાં પડેલા અપુરતા વરસાદના કારણે હાલ જળાશયોની સ્થિતિ ચિંતાજનક છે. આવામાં ઉનાળાના દિવસોમાં રાજકોટવાસીઓને પાણીની હાડમારી વેઠવી ન પડે તે માટે મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા પાણીચોરીના દુષણને દુર કરવા માટે વોર્ડ વાઈઝ ૧૮ ટીમો બનાવવામાં આવી છે અને ૧૨૬ કર્મચારીઓને પાણી ચોરી પકડવા માટેની જવાબદારી સોંપવામાં આવે છે જોકે આ ઝુંબેશ માત્ર નાટક હોય તેવું લાગી રહ્યું છે કારણકે છેલ્લા ૩ દિવસ દરમિયાન ૧૮ વોર્ડમાં ટીમો દ્વારા રઝળપાટ બાદ ડાયરેક પમ્પીંગના માત્ર ૮ કેસ જ પકડાયા છે અને ૩ ઈલેકટ્રીક મોટર જપ્ત કરવામાં આવી છે અને પાણીનો બગાડ કરતા ૫ આસામીઓને દંડ ફટકારવામાં આવ્યો છે.

શહેરના દરેક વોર્ડમાંથી દરેક ટીમ દ્વારા માત્ર એક ડાયરેક પમ્પીંગ કે ભુતીયું નળજોડાણ પકડી પાડવામાં આવે તો વોર્ડ વાઈઝ દૈનિક બે પાણીચોરીના કેસ પકડાય અને શહેરના તમામ ૧૮ વોર્ડમાંથી રોજ પાણીચોરીના ૩૬ કેસો પકડાય. છેલ્લા ૩ દિવસ દરમિયાન પાણી ચેકિંગ દરમિયાન માત્ર ડાયરેક પમ્પીંગના ૮ કેસ જ પકડાયા છે.

શહેરમાં એક પણ ભુતીયું નળજોડાણ જાણે કે અસ્તિત્વમાં ન હોય તે રીતે સમ ખાવા પુરતું એક પણ ભુતીયુ નળજોડાણ કપાયું નથી. ૧૩ માર્ચના રોજ શહેરના સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં ૬ અને વેસ્ટ ઝોન વિસ્તારમાં ઈલેકટ્રીક મોટર મુકી ડાયરેક પમ્પીંગ કરતા ૮ આસામીઓ પકડાયા છે જયારે ઈસ્ટ ઝોનમાં પાણી ચોરીનો એક પણ કેસ પકડાયો નથી.

શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી ૩ ઈલેકટ્રીક મોટર જપ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત પાણી ચોરી કરતા પાંચ આસામીઓ પાસેથી રૂ.૧૨૫૦નો દંડ વસુલ કરવામાં આવ્યો છે. છેલ્લા ૩ દિવસ દરમિયાન ૧૩૭૯ મકાનો ચેક કરવામાં આવ્યા છે જેમાં આંગળીના વેઢે ગણી શકાય તેટલા ૮ મકાનોમાંથી જ પાણીચોરી પકડાય છે. આ વાત પરથી એવું લાગી રહ્યું છે કે પાણી ચોરી પકડવા માટેની કહેવાતી મહાઝુંબેશ નળીયા નાટક સિવાય બીજુ કશું નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.