Abtak Media Google News

નાયબ કમિશનર મનોહરસિંહ જાડેજાએ ફરજને આપ્યું પ્રાધાન્ય

સમગ્ર વિશ્ર્વ માટે કોરોના પડકાર બન્યો છે ત્યારે સમાજ માટે આવેલી સંકટની ઘડીએ શહેરના ડીસીપી ઝોન-૨નાં મનોહરસિંહ જાડેજાએ પોતાના કર્તવ્ય અને નિષ્ઠાનું ઉતમ ઉદાહરણ પુરુ પાડયું છે. દસ વર્ષના પુત્રની સારવારની જવાબદારી સાથે સમાજ માટે આપેલી કપરી પરિસ્થિતિને ધ્યાને રાખી પોતાની ફરજને વધુ પ્રાધાન્ય આપ્યું છે.

રાજકોટના ડેપ્યુટી પોલીસ કમિશ્નર મનોહરસિંહ જાડેજા મહામારીને નાથવાના મહાઅભિયાનમાં દિવસ રાત જોયા વગર દોડી રહ્યા છે.  બીજાના પરિવારને બચાવવા માટે દોડાદોડી કરતા આ આઇપીએસ અધિકારીનો ૧૦ વર્ષનો દીકરો અત્યારે હોસ્પિટલમાં છે. દીકરાના બંને આંતરડા ચોંટી ગયા છે અને કદાચ આજે એની સર્જરી પણ થશે. દીકરાની આવી સ્થિતિમાં પિતાની પુરા સમયની હાજરી હોસ્પિટલમાં હોવી જરૂરી છે પણ આ પોલીસ અધિકારી બીજાના દીકરાઓ અને પરિવારોની ચિંતા કરીને પોતાની ફરજ બજાવે છે. સમય મળે ત્યારે હોસ્પિટલ પૂછપરછ કરી લે કે દીકરા અને પરિવારને મળી લે અને ફરી પાછા કામે લાગી જતા નાયબ પોલીસ કમિશનર મનોહરસિંહ જાડેજાની જેમ કેટલાય અધિકારીઓ, કર્મચારીઓ, ડોકટરો, નર્સો, ફાર્માસિસ્ટ પોતાના પરિવારને એક બાજુ રાખીને માનવજાતની સેવા કરવામાં લાગી ગયા છે. જરા વિચારો તો ખરા કે આ કપરો સમય પાર પાડવા માટે આખું વહીવટીતંત્ર ઊંધે માથે થયું છે ત્યારે આપણો નાગરિક તરીકેનો સહકાર ખૂબ જરૂરી છે. તે રાજકોટનાં તમામ લોકોએ વિચાર કરવાની જરૂર છે અને તંત્રને સહયોગ આપવો જરૂરી બન્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.