Abtak Media Google News

કાલે વર્લ્ડ હાર્ટ ડે….

તમાકુ આધારીત વ્યસનોનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં સવિશેષ ચિંતાજનક: આ વર્ષનો વિશેષ વિષય ‘માય હાર્ટ યોર હાર્ટ’

આવતીકાલે તા.૨૯ સપ્ટેમ્બરના દિવસને પૂરા વિશ્ર્વમાં વર્લ્ડ હાર્ટ ડે તરીકે ઉજવવામાં આવે છે. વિશ્ર્વમાં અને ખાસ કરીને ભારતમાં વધતા જતા હૃદયરોગને નિયંત્રીત કરવા અને તે અંગેની જરૂરી સાવચેતી રાખવાના ઉદેશથી અને તે દ્વારા જરૂરી જનજાગૃતિકેળવાય તે મુખ્ય ઉદેશ લોકોને જાગૃત કરવા અને હૃદયરોગને અટકાવવાનો સંદેશો આપવા વૈશ્ર્વિક સ્તરે વર્લ્ડ હાર્ટ ફેડરેશને વર્ષ ૨૦૧૨થી ૨૯ સપ્ટેમ્બરે વર્લ્ડ હાટ ડે ઉજવવાનું ચાલુ કર્યું છે. અને હૃદય સંબંધી અને અન્ય બિનચેપી રોગોથી થતા મૃત્યુ આંકને ૨૦૨૫ સુધીમાં ૨૫% જેટલુ ઘટાડવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ દિવસ દર વર્ષે અલગ અલગ થીભ આધારી ઉજવવામાં આવે છે જેમાં આ વર્ષની થીમ ‘માય હાર્ટ, યોર હાર્ટ’ છે.

વોક્હાર્ટ હોસ્પિટલના ક્ધસલ્ટન્ટ ઈન્ટરવેન્સનલ કાર્ડિયોલોજીસ્ટ ડો. અભિષેક રાવલે આ દિવસના સંદર્ભમાં જણાવ્યું હતુ કે વર્લ્ડ હાર્ટ ડે. નિમિતે આપણે પ્રણ લઈને હૃદયને વચન આપીએ કે આપણે આપણા પોતાના, બીજાના અને સમાજના સર્વે લોકોનાં હૃદયનું ધ્યાન રાખીશુ, જળવણી કરીશુ વિશ્ર્વમાં અત્યારે હૃદયરોગથી થનારા મૃત્યુ એ મૃત્યુના અગ્રેસર કારણોમાંનું એક છે.એક અંદાજ પ્રમાણે વિશ્ર્વમાં વાર્ષિક ૧કરોડ ૭૫ લાખ લોકોનું હૃદયરોગથી મૃત્યુ થાય છે. આ આંકડો ૨૦૩૦ સુધીમાં ૨ કરોડ ૩૦ લાખની ભયજનક સપાટીને પાર કરી જાય તેવું જોખમ સેવાઈ રહ્યું છે. ભારતમાં હૃદયરોગથી થનાર વાર્ષિક મૃત્યુઆંક વર્ષ ૨૦૦૦માં લગભગ ૧૩ લાખ હતો જે તાજેતરનાં વર્ષોમાં બમણાથી પણ વધીને અંદાજે ૩૦ લાખ એ પહોચ્યો છે. તેમાં લગભગ ત્રીજા ભાગના દર્દીઓ ૪૦ વર્ષથી ઓછી વયના હોય છે. હૃદય સંબંધી રોગોના પ્રમાણમાં નાની ઉંમરે થતા મૃત્યુ માટે ૮૦% જેટલા કિસ્સાઓમાં તમાકુ તથા ધુમ્રપાન, અસમતોલ આહાર, બેઠાડુ જીવન દારૂનું સેવન વિગેરે પરિબળો કારરભૂત હોય છે.

ડો. અભિષેક રાવલે વધુમાં જણાવ્યું હતુ કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના અંદાજ પ્રમાણે વાર્ષિક ૬ લાખ લોકોનાં મૃત્યુ પરોક્ષ ધ્રુમપાનના કારણે થાય છે. જેમાથી ૨૮% જેટલા બાળકો હોય છે. આપણા સૌરાષ્ટ્રની વાત કરીએ તો હૃદયરોગના મુખ્ય કારણોમાં ધુમ્રપાન તથા તમાકુ વધતુ બ્લડ પ્રેસર અને ડાયાબીટીસ જેવા પરિબળો મુખ્ય છે. તમાકુ આધારીત વ્યસનોનું પ્રમાણ સૌરાષ્ટ્રમાં સવિશેષ ચિંતાજનક છે.

ડો. અભિષેક રાવલે હાર્ટ એટેકના લક્ષણો વિશે માહિતી આપતા જણાવેલ હતુ કે હાર્ટ એટેકના લક્ષણોમાં છાતીમાં દુખાવો થવો, છાતીમાં ખૂબ વજન હોય તેવો ભાસ થાય, અંદરથી કંઈ ભીસાતું હોય કે કચડાતું હોય તેવો ભાસ થાય, ઘણાને પેટની ઉપરના ભાગમાં દુખાવો થઈ શકે છે. ગભરામણ થવી, પરસેવો વળવો, ડાબા હાથ અને ખંભામાં દુખાવો થવો, શ્ર્વાસ લેવામાં તકલીફ થવી, ઉલટી કે ઉબકા થવા, ચકકર આવવા કે હૃદયના ધબકારા એકદમ વધી જવા વિગેરેનો સમાવેશ થાય છે. હૃદયરોગને અટકાવવાના ઉપાયો જણાવતા ડો. અભિષેક રાવલે જણાવેલ હતુ કે હૃદયરોગને અટકાવવા માટે આપણે વ્યસનો જેમાં ખાસ કરીને તમાકુ, ધુમ્રપાન અને દારૂથી દર રહેવું જોઈએ.

ધુમ્રપાન બંધ કરવાથી હૃદયરોગનું જોખમ બે વર્ષમાં ઘણુ ઘટી જાય છે. અને ૧૫-૨૦ વર્ષમાં ધ્રુમપાન ન કરનાર વ્યકિત જેટલુ નોર્મલ થઈ જાય છે. સમતોલ અને નિયમિત ખોરાક કે જેમાં નમક, મીઠી વસ્તુ, ચરબીયુકત પદાર્થો શર્કરા વિગેરેનું પ્રમાણ ઘટાડીને તાજા ફળો, શાકભાજી, કઠોળ વિગેરેનું સેવન વધારવું. આ ઉપરાંત બ્લડ પ્રેસર અને ડાયાબીટીસને કાબુમાં રાખીને અને જો ડોકટર દવાઓ કે અન્ય કોઈ સલાહ આપી હોય તો તેનું નિયમિત પાલન કરીએ બેઠાડુ જીવનનો ત્યાગ કરીને નિયમિત કસરત કરવી અથવા આપણી પસંદગીની શારીરીક પ્રવૃત્તિઓ કરવાથી હૃદયને પણ લાભ થશે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.