Abtak Media Google News

આગામી ૧૫ દિવસમાં પાલિકા ૫ કર્મચારીઓની ટીમ બનાવી એસએમએસના આધારે વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરશે : ૨૫ હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક

મોરબી પાલિકાએ વૃક્ષોનું પ્રમાણ વધારવા નવતર પ્રયોગ હાથ ધર્યો છે. જેમાં નગરજનો એક એસએમએસ કરશે એટલે પાલિકા ત્યાં જઈને વૃક્ષારોપણ કરી આવશે. આ અભિયાનમાં પાલિકાને ૨૮૩ મેસેજ મળ્યા છે. જોકે ૧૩૩ મેસેજ જ શહેરના હોવાથી મેસેજમાં કરવામાં આવેલી ૨ હજાર વૃક્ષોની માંગણીને ધ્યાને લઈને પાલિકા ત્યાં વૃક્ષો વાવવા જશે.

મોરબી પાલિકા તંત્રે શહેરમાં વૃક્ષોનું પ્રમાણ વધારવા નુતન અભિગમ અપનાવ્યો છે. પાલિકાએ થોડા દિવસ પહેલા એક પ્રોજેકટ અમલી બનાવ્યો છે. જેમાં લોકોએ પોતાના આસપાસના વિસ્તારમાં વૃક્ષો વાવવા માટે માત્ર પાલિકાને એસએમએસ જ કરવાનો રહેશે. આ એસએમએસના આધારે પાલિકાની ટીમ નિયત સ્થળે જઈને જાતે વૃક્ષ વાવી જશે.

માત્ર થોડા જ દિવસોમા પાલિકાને ૨૮૩ એસએમએસ મળ્યા હતા. જેમાં ૧૫૦ એસએમએસ પાલિકા વિસ્તારની બહારના હોવાથી તેને રદ કરવામાં આવ્યા હતા. બાકીના ૧૩૩ મેસેજને વેલીડ ગણીને પાલિકાએ ત્યાં વૃક્ષો વાવવાની તૈયારી હાથ ધરી છે. આ ૧૩૩ એસએમએસમાં ૨ હજાર વૃક્ષો વાવવાની ડિમાન્ડ થઈ છે. પાલિકાના બગીચા વિભાગના કર્મચારિના જણાવ્યા મુજબ ૧૫ દિવસમાં પાલિકા દ્વારા પાંચ કર્મચારીઓની ટીમ બનાવીને વૃક્ષો વાવવાની કામગીરી હાથ ધરાશે.

પાલિકા તંત્ર દ્વારા શહેરને હડિયાળુ બનાવવા માટે આ નવતર અભિગમ અમલમાં મુકવામાં આવ્યો છે. પાલિકા દ્વારા આ નવતર અભિગમના સહારે શહેરમાં ૨૫ હજાર વૃક્ષો વાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.