Abtak Media Google News

હલકી ગુણવત્તાની એલઇડી લાઈટ બે દિવસમાં બંધ થઈ જાય છે:તો ક્યાંક ૨૪ કલાક ચાલુ

મોરબી શહેરમાં ઉર્જા બચત માટે હાલમાં જૂની સ્ટ્રીટલાઈટોને બદલે એલઇડી લાઈટો નાખવામાં આવી રહી છે પરંતુ કોન્ટ્રાકટર દ્વારા આ એલઇડી હલકી ગુણવત્તાની નાખવા ઉપરાંત વિચિત્રરીતે ફિટિંગ કરવામાં આવતી હોવાથી ૨૪ કલાક ચાલુ ને ચાલુ રહેતી હોય ખુદ સતાધીશો દ્વારા આ કોન્ટ્રાક્ટ રદ કરવા માંગણી ઉઠાવતા ચકચાર જાગી છે.

Advertisement

જાણવા મળતી વિગતો મુજબ મોરબી શહેરમાં કેન્દ્ર સરકાર દ્વારા વિજબચત માટે જૂની સ્ટ્રીટ લાઇટોને બદલી નાખી તેના સ્થાને નવી એલઇડી લાઈટો ફિટ કરવા કોન્ટ્રાકટ અપાયો છે,પરંતુ કોન્ટ્રાક્ટરની લાપરવાહી અને હલકી ગુણવત્તાની એલઇડી લાઈટો નાખવામાં આવી રહી હોવાથી મોટા ભાગે આવી એલઇડી લાઈટ બે દિવસમાં જ ભસ્મી ભૂત થઈ જાય છે.

ચોંકાવનારી બાબતતો એ છે કે  વિજબચત માટે નાખવામાં આવેલી આ એલઇડી લાઈટો બેફામ વીજ વપરાશ કરે છે કારણ કે મોરબી શહેરમાં જ્યાં જ્યાં એલઇડી લાઈટો ફિટ થઈ છે તે બધી લાઈટો ૨૪ કલાક ચાલુને ચાલુ જ રહે છે પરિણામે નગરપાલિકા ઉપર વિજબીલનો વધારાનો બોજ આવી રહ્યો છે.

બીજી તરફ એલઇડી કોન્ટ્રાક્ટરની લાપરવાહ નીતિ અને બેદરકારી મામલે ખુદ નગરપાલિકાના પ્રમુખ અને રોશની કમિટીના ચેરપર્સન અરુણાબેન બીપીનભાઈ વડસોલાએ જિલ્લા કલેકટરને ફરિયાદ કરી વોર્ડ નંબર ૧ થી ૧૩ એલઇડી લાઈટો નાંખવામાં આવી રહી છે પરંતુ એક પણ વોર્ડમાં કામગીરી પૂર્ણ કરવાને બદલે કામ અધૂરા મૂકી કોન્ટ્રકટરના માણસો અન્યત્ર ચાલ્યા જાય છે,તેમજ મોટા ભાગની એલઇડી લાઈટો ફિટ કર્યા બાદ બે ત્રણ દિવસ માંજ બંધ થઈ જતી હોવાથી સરકારનો પ્રોજેકટ સાકાર થવા સામે સવાલ ઉભા થયા છે.

આ મામલે ચીફ ઓફિસર સાગર રાડીયાએ જણાવ્યું હતું કે હાલમાં શહેરમાં ૧૨૫૦૦ એલઇડી લાઈટો નાખવામાં આવી છે અને હજુ ૨૫૦૦ લાઈટો નાખવાની બાકી છે.કોન્ટ્રાક્ટરની બેદરકારી મામલે રોશની કમિટી ચેરપર્સન અને પાલિકા પ્રમુખે જિલ્લા કલેકટર અને મુખ્યમંત્રીને કોન્ટ્રાકટ રદ કરી પગલાં ભરવા રજુઆત કરી હોવાની વાતનું પણ તેમને સમર્થન આપ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.