Abtak Media Google News

સ્વાદુપિંડમાંના ઇન્સ્યુલિન અંત:સ્ત્રાવની ઉણપને લીધે શરીરમાં ધીરે ધીરે ખાંડનું પ્રમાણ વધી જાય છે, જે છેવટે ડાયાબિટીસમાં પરિણમે છે

દર વર્ષે 14મી નવેમ્બરે ઉજવાતાં આ દિવસ પર કોઈ ચીલાચાલુ જ્ઞાન પીરસીને હાથ ઉંચા કરી દેવાની આજે કોઈ દાનત નથી

ભાષાના જાણકાર વ્યક્તિને એક શબ્દ વિશે જ્ઞાન હશે ,મધુરાંતિકા ! પરંતુ મધુરાંતિકા સાથે મધુપ્રમેહને શું લેવાદેવા? ડાયાબિટીસનો શિકાર બનેલા દર્દીઓ કોઈ પ્રકારની કરૂણાંતિકાનો ભોગ બને એ તો અમને ક્યાંથી ગમે? આથી જ એવા બધા દુ:ખી શબ્દોને બાજુ પર મૂકીને મધુપ્રમેહથી પ્રેમથી, હળવેકથી, કાળજીપૂર્વક હસતાં મોંએ અલવિદા કહેવાના પ્રતિક સ્વરૂપ શબ્દ છે, મધુરાંતિકા! દર વર્ષે 14મી નવેમ્બરે ઉજવાતાં આ દિવસ પર કોઈ ચીલાચાલુ જ્ઞાન પીરસીને હાથ ઉંચા કરી દેવાની આજે કોઈ દાનત નથી. ડાયાબિટીસના લક્ષણો, કારણો અને ટ્રીટમેન્ટ જેવી વિગતો પર ચર્ચા કરીને સમય બગાડવો આજે પાલવે એમ નથી, કારણકે વિશ્ર્વ ડાયાબિટીસ મામલે હરણફાળ ભરી રહ્યું છે. આધુનિક મેડિકલ જગત સતત અવનવા સંશોધનો કરીને ડાયાબિટીસ નામના આ કાળિયા નાગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યું છે.

કદાચ રોજ ઢગલાબંધ એવી એપ્લિકેશન બનતી હશે જે તમને તમારા સ્વાસ્થ્યનું મોનિટ્રિંગ કરાવતી હોય. ‘એડ્ડી’ નામની મોબાઇલ એપ્લિકેશનનું નામ સાંભળ્યું છે?થોડા સામે પહેલા ભારતમાં લોન્ચ થયેલી એક એવી એપ, જે દર્દીના સ્વાસ્થ્ય અને રોજબરોજના નિત્યક્રમ પર ધ્યાન આપીને એમને યોગ્ય સૂચનો પૂરા પાડશે. આ એપ ડાયાબિટીસ ડે ના રોજ જ લોંચ થઈ હતી. ડાયાબિટીસના દર્દીઓ માટે આ એપ્લિકેશન વરદાનરૂપ પૂરવાર થશે. વૈજ્ઞાનિકો, કલાકારો અને ધુરંધરોથી ભરેલી એક ટીમ દ્વારા ‘એડ્ડી’ એપનો ઉદભવ થયો છે. જેમાં આર્ટિફિશિયલ ઇન્ટલિજન્સ સંચાલિત એડ્ડી નામના આભાસી પાત્રને દર્શાવવામાં આવશે, જે દર્દીને એમની જીવનશૈલી સુધારવા માટેના જરૂરી સૂચનો કરવાનું કામ કરશે. એપ્લિકેશનની આખી ટીમ દ્વારા મનોચિકિત્સકનો પણ સંપર્ક સાધવામાં આવ્યો હતો, જેથી એડ્ડીને પોતાના દર્દીનો સ્વભાવ અને તેની મનોસ્થિતિ ઓળખવામાં સરળતા રહે.

ઉદાહરણ તરીકે, અમુક પ્રકારનો તામસી ખોરાક આરોગ્યા બાદ દર્દીના સ્વભાવમાં આવતો નકારાત્મક બદલાવ એડ્ડી તરત જ પારખી લેશે. જેના કારણે કોઇ પણ વ્યક્તિને પોતાના ખોરાક પર કેવા પ્રકારના નિયંત્રણો લાદવા જરૂરી છે, એ અંગે ખ્યાલ આવશે. ફક્ત એડ્ડી એપ્લિકેશન જ નહીં, પરંતુ એ સિવાયના પણ ઘણા ફેરફારો મોડર્ન વર્લ્ડ દ્વારા કરવામાં આવી રહ્યા છે.

સ્વાદુપિંડમાંના ઇન્સ્યુલિન અંત:સ્ત્રાવની ઉણપને લીધે શરીરમાં ધીરે ધીરે ખાંડનું પ્રમાણ વધી જાય છે, જે છેવટે ડાયાબિટીસમાં પરિણમે છે. સ્વાદુપિંડમાં મુખ્યત્વે ત્રણ પ્રકારના કોષો જોવા મળે છે : આલ્ફા, બીટા અને ડેલ્ટા! જે રૂધિરમાંની શર્કરાને નિયંત્રણમાં રાખવા માટે તબક્કાવાર જરૂરી છે. ત્રણેય કોષો દ્વારા ત્રણ જુદા જુદા પ્રકારના અંત:સ્ત્રાવો ઝરે છે. આલ્ફા કોષો ગ્લુકાગોન પેદા કરવાનું કાર કરે છે, જે શરીરમાં બ્લડ-સુગરનું સ્તર વધારે છે. બીટા કોષ ગ્લુકાગોનના સ્તરને ઘટાડવાનું કામ કરે છે. જ્યારે ડેલ્ટા કોષો દ્વારા સોમાટોસ્ટેટિનનો સ્ત્રાવ થાય છે, જે આલ્ફા અને બીટા કોષોને નિયંત્રણમાં રાખે છે. ડાયાબિટીસ ધરાવતાં દર્દીને બીટા કોષોની રચનામાં અમુક પ્રકારની ખામી જોવા મળે છે, જેના લીધે શરીરમાં શર્કરાનું સંતુલન ખોરવાઈ જાય છે. યુનિવર્સિટી ઓફ બર્ગનના સંશોધકોએ અન્ય કેટલાક આંતરરાષ્ટ્રીય સંસ્થાનો તથા તેમના વૈજ્ઞાનિકો સાથે મળીને એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આજસુધી એવું જ માનવામાં આવી રહ્યું છે કે ડાયાબિટીસનો ઇલાજ શક્ય નથી. દવા, ઇન્જેક્શન અને કસરત દ્વારા તેને નિયંત્રણમાં લાવી શકાય છે પરંતુ હવે આ વૈજ્ઞાનિકો દ્વારા થયેલા રીસર્ચમાં એ વાત સામે આવી છે કે ભવિષ્યમાં માનવ શરીર જ ડાયાબિટીસના રોગ સામે લડત આપીને એને હંમેશા માટે નેસ્તનાબૂદ કરવાની ક્ષમતા ધરાવતું થઈ જશે.

પોતાના પ્રયોગોમાં એમણે ઇન્સ્યુલિનનો સ્ત્રાવ વધારી શકે એવા કોષોની સંખ્યામાં પાંચ ટકાનો વધારો કરી બતાવ્યો છે! જેના કારણે હવે સારવાર બાદ ઉણપયુક્ત કોષોની ફેરબદલી શક્ય બનશે અને ડાયાબિટીસ સામે ક્રમશ: જીત મેળવવી સંભવ બની જશે! હજુ આ પ્રયોગ અને સારવાર પોતાના શરૂઆતી તબક્કામાં છે, પરંતુ તેની સફળતાના ચાન્સ સૌથી વધારે છે. પ્રાણીઓ પર થઈ રહેલા પ્રયોગોમાં તેનો સક્સેસ-રેટ ઘણો ઊંચો જોવા મળ્યો છે, જેના કારણે વૈજ્ઞાનિકોને આશા બંધાઈ છે.

અગર તેમને સફળતા પ્રાપ્ત થઈ તો, આ સારવાર ફક્ત ડાયાબિટીસના દર્દીઓ માટે જ નહીં, પરંતુ અલ્ઝાઇમર અને હૃદ્યરોગના દર્દીઓ માટે પણ આશીર્વાદ સમાન પૂરવાર થશે એ નક્કી છે.

ડાયાબિટીસ દર્દીઓ મોટેભાગે પોતાની આંખોની જાળવણી પ્રત્યે આંખ આડા કાન ધરે છે. આવા કિસ્સામાં જરાસરખી બેદરકારીને લીધે દર્દીને કાયમી અંધાપો આવી જવામાં સમય નથી લાગતો હોતો! જેની તકેદારી લેવી ખાસ જરૂરી છે. આ માટે બ્લડ ગ્લુકોઝ, બ્લડ પ્રેશર અને કોલેસ્ટેરોલના સ્તર પર નિયમન રાખવું અત્યંત આવશ્યક બની જાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા થયેલા સર્વે મુજબ, ભારતભરમાં કુલ 7 કરોડથી પણ વધારે લોકો મધુપ્રમેહથી પીડાઈ રહ્યા છે. જેમાં 18 વર્ષથી શરૂ કરીને 45 વર્ષની ઉંમર સુધીના યુવા દર્દીની સંખ્યામાં પણ છેલ્લા અમુક દાયકાઓમાં નોંધનીય વધારો જોવા મળ્યો છે, જે આ દેશ માટે ચિંતાજનક બાબત છે. મેદસ્વીપણું, વ્યક્તિ દ્વારા દિવસમાં થનારી શારીરિક પ્રવૃત્તિઓ અથવા કસરતો અને તેની રોજબરોજની જીવનશૈલી આ મામલે નિર્ણાયક પૂરવાર થાય છે. તો, આખી વાતનો નિષ્કર્ષ એ છે કે, ડાયાબિટીસને દૂર રાખવા માટે સ્વનિયંત્રણ ખૂબ જરૂરી છે. એ ચાહે, ખોરાકની વાત હોય કે પછી તાણયુક્ત જીવનશૈલીની! પૈસા કમાવવાની લ્હાય અને દરિયો પી લેવાની મહેચ્છામાં ક્યાંક ઉલમાંથી ચૂલમાં ન આવી પડોએ દર્શાવવા માટે જ આ દિવસની ઉજવણી થઈ રહી છે, એ સ્મરણમાં રાખવાનું ચૂકતાં નહીં.

(1) સરકારી આંકડાઓ મુજબ, ભારતમાં 11.8 ટકા દર્દીઓ ડાયાબિટીસનો શિકાર છે.

(2) કાયમી અંધાપાનો ભોગ બનેલા ડાયાબિટીક દર્દીની ટકાવારી 2.1 છે.

(3) આંશિક અંધાપાના દર્દીઓ: 13.7 ટકા

છેલ્લા 25 વર્ષોમાં ભારતમાં ડાયાબિટીસે 64 ટકાનો ધરખમ ઉછાળો નોંધાવ્યો છે! જેમ જેમ અમીરી વધી છે, એમ ડાયાબિટીસે પણ વધુ દેખા દેવાનું શરૂ કર્યુ છે. ઇકોનોમિક ડેવલપમેન્ટનો સીધો સંબંધ ડાયાબિટીસ સાથે છે, એવા તારણો ‘નેશનલ ફેમિલી હેલ્થ સરવે’માં મળ્યા છે. મૂડી વધે એમ આરામદાયક જીવનશૈલીનું વરદાન મળે અને શારીરિક પ્રવૃત્તિઓ ઘટતી જાય, જેની સીધી અસર શરીર પર પડે છે, જે અંતે ડાયાબિટીસને આમંત્રણ આપે છે!

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.