Abtak Media Google News

પાણીની આવક-જાવકનો ટાંગામેળ કરવા શહેરભરમાં ૨૦ને બદલે સરેરાશ ૧૮ મિનિટ પાણી વિતરણ: નિયમિત સમયે પાણી ન આવતુ હોવાની પણ ફરિયાદો

રાજકોટને દૈનિક જ‚રીયાત મુજબ ૨૭૦ એમએલડી નર્મદાના નીર મળતા ન હોવાના કારણે શહેરની વિતરણ વ્યવસ્થા ચિથરેહાલ થઈ જવા પામી છે. દૈનિક ૨૦ મીનીટના બદલે શહેરના મોટાભાગના વિસ્તારમાં ૧૮ મિનિટ જ પાણી વિતરણ કરવામાં આવતુ હોવાની ફરિયાદોનો ધોધ વરસી રહ્યો છે. આટલું જ નહીં નિયમિત સમયે પણ પાણી અપાતુ ન હોવાની બુમરેગ શહેરમાં ઉઠી રહી છે.

માળિયા અને ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી પાણી ચોરીનું દુષણ વધતા રાજકોટને છેલ્લા દસેક દિવસથી જરૂરીયાત મુજબ નર્મદાના નીર મળતા નથી. સરકાર દ્વારા ૨૭૦ એમએલડીની આવશ્યકતા સામે સરેરાશ ૨૫૦ એમએલડી પાણી આપવામાં આવી રહ્યું છે. ઘટ પુરી કરવા ભાદર અને ન્યારીમાંથી પાણી ઉપાડવામાં આવે છે. ચાર દિવસથી ભાદર ડુકી ગયો અને ન્યારીના છેલ્લા સીન દેખાઈ રહ્યા છે. ત્યારે મહાપાલિકા તંત્ર દ્વારા વિતરણમાં આડકતરો કાપ મુકી દેવામાં આવ્યો છે. શહેરના એક પણ વિસ્તારમાં ૨૦ મિનિટ પુરા ફોર્સથી પાણી આપવામાં આવતું નથી. સરેરાશ ૧૮ મિનિટ પાણી આપવામાં આવે છે અને તેમાં પણ ફોર્સ ખુબ જ ઓછો હોવાની ફરિયાદો ગૃહિણીમાંથી ઉઠી રહી છે.

આટલુ જ નહીં પાણી વિતરણનો સમયપત્રક પણ વેરવિખેર થઈ ગયું છે. કેટલાક વિસ્તારોમાં ૪-૪ કલાક મોડી પાણી વિતરણ કરવામાં આવે છે. અગાઉથી કોઈ જાહેરાત કર્યા વિના વિતરણ મોડુ કરવામાં આવતું હોવાના કારણે ગૃહિણીઓએ કલાકો સુધી નળ સામે બેઠુ રહેવુ પડે છે. આગામી ૨૯મી જુનના રોજ વડાપ્રધાનના હસ્તે એકસપ્રેસ ફીડર લાઈનનું લોકાર્પણ કરવામાં આવનાર છે. જેનું ટેસ્ટીંગ હાલ ચાલી રહ્યું હોય. આજે રૈયાધાર ઝોન હેઠળ આવતા મોટાભાગના વિસ્તારોમાં ૨ કલાક મોડુ પાણી વિતરણ કરવાની ફરજ પડી હતી. એક તરફ સરકાર આજી ડેમને ભરવા માટે નર્મદાનું પાણી પુરા ફોર્સથી આપી રહી છે તો બીજી તરફ પાઈપ લાઈન દ્વારા અપાતા પાણીમાં કાપ મુકી દેવાયો હોય. મહાપાલિકા તંત્ર માટે વિતરણ વ્યવસ્થા ટકાવી રાખવી મોટો પડકાર બની ગયો છે.

નર્મદાના નીરથી આજીડેમનું તળીયુ ઢંકાયું

સૌની યોજના અંતર્ગત રાજકોટવાસીઓને અતિપ્રિય એવા આજી ડેમને નર્મદાના નીરથી ભરી દેવા યોજનાનું આગામી ૨૯મી જુનના રોજ મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવનાર છે. મચ્છુ-૧ ડેમમાંથી છોડાયેલા નર્મદા નીર ગઈકાલે બપોરે આજીડેમના સ્ત્રાવ વિસ્તારમાં પહોંચ્યા હતા. બે પમ્પ દ્વારા સતત પમ્પીંગ ચાલુ હોય આજે આજી ડેમનું તળિયુ નર્મદાના નીરથી ઢંકાઈ ગયુ હતું. વિશાળ જળરાશીને જોવા માટે લોકો ડેમ સાઈટ પર ઉમટી પડયા હતા. ૨૯ ફુટની ઉંડાઈ અને ૯૪૪ એમસીએકટની જળસંગ્રહ શકિત ધરાવતો આજીડેમ વડાપ્રધાનના આગમન સમયે ૯ ફુટ જેટલો ભરાયેલો હશે અને ડેમમાં ૨૦૦ એમસીએકટ પાણી સંગ્રહિત હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.