Abtak Media Google News

પ્રદેશ કોંગ્રેસે મનોજ બાલધાના નામનું વહીપ આપ્યું, કોંગી સભ્યોએ વિનુભાઈ ઘડુકને મત આપીને ચેરમેન બનાવ્યા

જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેનની વરણી મામલે કોંગ્રેસમા તડા પડ્યા હોવાનું સામે આવ્યું છે. પ્રદેશ કોંગ્રેસ દ્વારા ચેરમેન માટે મનોજ બાલધાનુ નામ વહીપમાં આપવામાં આવ્યું હતું. પરંતુ જિલ્લા પંચાયતના કોંગ્રેસી સદસ્યોએ વિનુભાઈ ધડુકને મત આપીને ચેરમેન પદે ચૂંટયા છે.

રાજકોટ જિલ્લા પંચાયતમાં સાશન ભોગવી રહેલા કોંગ્રેસ પક્ષના ગ્રહો જાણે નબળા હોય તેમ એક પછી એક વિઘ્ન આવી રહ્યા છે. છેલ્લા ઘણા સમયથી જિલ્લા પંચાયતમા નવા નવા વિવાદો જન્મી રહ્યા છે. ભાજપની શાસન કબજે કરવાની ઈચ્છા અને કોંગ્રેસની સાશન જાળવી રાખવાની દ્રઢતાને કારણે ભારે ખેંચતાણ થઈ રહી છે. અગાઉ અનેક  કોંગ્રેસી સભ્યો ભાજપમાં સતાવાર રીતે જોડાયા હતા. ત્યારબાદ અનેક નવા ફણગા ફૂટી રહ્યા છે. અગાઉ કારોબારી સમિતિના ચેરમેનના પદ માટે ભાજપમાં તડા પડયા હતા. ત્યારે હવે ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન પદ માટે કોંગ્રેસમાં તડા પડ્યા હોવાનું સામે આવ્યું છે.

જિલ્લા પંચાયતની ઉત્પાદન, સહકાર અને સિંચાઈ સમિતિના ચેરમેન નાનજીભાઈ ડોડીયાનું તાજેતરમાં નીધન થયું હતું. માટે ખાલી થયેલી જગ્યા ભરવા આજે જિલ્લા પંચાયતમાં ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિની બેઠક મળી હતી.  પ્રદેશ કોંગ્રેસ દ્વારા મનોજભાઈ બાલધાનું ચેરમેન માટે નામ સુચવતો વહીપ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. તેમ છતાં કોંગ્રેસી સદસ્યોએ વિનુભાઈ ઘડુકને મત આપીને તેઓને ચેરમેન તરીકે નીમ્યા હતા. આમ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસમા જ તડા પડ્યા હોવાનું જાહેર થયું છે.

ભાજપના ઈશારે ચાલતા કોંગ્રેસના સદસ્યો મને ચેરમન તરીકે ઇચ્છતા નથી : મનોજ બાલધા

જિલ્લા પંચાયતના સદસ્ય મનોજ બાલધાએ જણાવ્યું હતું કે તેઓ એક જામકંડોરણામાં ભાજપના જ એક દિગગજ આગેવાન સામે લડતા હોય જે ભાજપ તરફી રહેલા કોંગ્રેસના સદસ્યોને ગમતું નથી. તેઓ નિષ્પક્ષ રીતે લોકોના કામ કરે છે અને પક્ષના માર્ગદર્શન હેઠળ આગળ વધી રહ્યા છે જે સદસ્યોને ગમતું ન હોય માટે સદસ્યો ચેરમેન પદે તેઓને ઇચ્છતા નથી.

ચેરમેનની વરણી સંદર્ભેના વ્હીપ અમને મળ્યા જ નથી : નવનિયુકત ચેરમેન વિનુભાઈ ધડુક

ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે નિમાયેલા વિનુભાઈ ધડુકને જ્યારે પૂછવામાં આવ્યું કે કોંગ્રેસ પક્ષે મનોજભાઈ બાલધાનું વહીપમાં નામ આપ્યું હતું છતાં સદસ્યો દ્વારા તમારી વરણી કેમ કરવામાં આવી. આ પ્રશ્નનો તેઓએ જવાબ આપ્યો કે પક્ષ દ્વારા અમોને વહીપ આપવામાં આવ્યું જ ન હતું.

પક્ષની સૂચના વિરૂદ્ધ મતદાન કરનાર સદસ્યો સામે શિસ્તભંગના પગલા લેવાશે : હિતેશ વોરા

જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિતેશભાઈ વોરાએ સમગ્ર મામલે જણાવ્યું કે કોંગ્રેસ પક્ષ દ્વારા  ઉત્પાદન, સહકાર અને સિંચાઇ સમિતિના ચેરમેન તરીકે મનોજભાઈ બાલધાનું નામ આપવામાં આવ્યું હતું. તેમ છતાં પક્ષની સૂચના વિરુદ્ધ મતદાન કરનાર સદસ્યો સામે શિસ્તભંગના પગલાં લેવામાં આવશે. વધુમાં તેઓએ વિનુભાઈ ઘડુકના જવાબ સામે કહ્યું હતું કે મેં પોતે જ સદસ્યોને વહીપ આપ્યા હતા.જેનો પુરાવો સીસીટીવી ફૂટેજમા પણ મળી રહેશે.

મનોજ બાલધાનો દોરીસંચાર કરનાર હિતેશ વોરા ભાજપના માણસ : અર્જુન ખાટરીયા

જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી ચેરમેન અને સદસ્ય અર્જુનભાઇ ખાટરિયાએ જણાવ્યું કે મનોજ બાલધાનો દોરીસંચાર હિતેશ વોરા દ્વારા કરવામાં આવી રહ્યો છે. હિતેશ વોરા પોતે ભાજપના માણસ છે. તેઓએ ચેરમેન પદે મનોજ બાલધાને બેસાડીને પક્ષને નુકશાન પહોંચાડવા માગે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.