Abtak Media Google News

અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશવાસીઓને સાંજે દિપોત્સવ મનાવવા કરેલી ભક્તિસભર હાંકલને દેશવાસીઓને હોંશભેર વધાવી લીધી હતી. દિવાળી કરતા પણ વધુ ફટાકડા ગઇકાલે રાત્રે ફૂટ્યા હતા. મોડી રાત સુધી રામભક્તોએ રામોત્સવની ઉજવણી કરી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પીએમ આવાસ ખાતે મંગલ દિપ પ્રગટાવ્યા હતા. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ દિપ પ્રજ્જવલીત કરી રામલલ્લાને આવકાર્યા હતા.

અયોધ્યામાં શ્રીરામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થયા બાદ દેશભરમાં દિપોત્સવ મનાવ્યો

સુર્યાસ્ત બાદ ઘેર-ઘેર મંગલ દિવડા પ્રગટાવ્યા: દિવાળીની માફક મોડી રાત સુધી ફટાકડા ફૂટતા રહયા, ભવ્ય આતશબાજી: દેશવાસીઓ મોડી રાત સુધી મનાવ્યો રામોત્સવ

140 કરોડ ભારતવાસીઓએ ગઇકાલે 22મી જાન્યુઆરીએ અઢી મહિના બાદ ફરી એકવાર દિવાળીની ઉજવણી કરી હતી. હિન્દુ પંચાગનો સૌથી મોટો તહેવાર દિવાળી છે. ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂર્ણ કર્યા બાદ અયોધ્યામાં પરત ફર્યા હતા તે દિવસને દિવાળી તરીકે ઉજવણી કરવામાં આવતી હોવાનું મનાય રહ્યું છે. 500 વર્ષની પ્રતિજ્ઞા બાદ અયોધ્યામાં ટેન્ટમાં બિરાજમાન ભગવાન શ્રી રામનું ભવ્ય મંદિર બનાવવામાં આવ્યું છે. ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના હસ્તે નીજ મંદિરમાં ભગવાન શ્રી રામની બાળરૂપ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. અયોધ્યામાં નીજ મંદિરમાં ભગવાન રામનું પૂન:આગમન થયા બાદ દેશવાસીઓએ ગઇકાલે સોમવારે દિવાળીની ઉજવણી કરી હતી.

જનતાએ હોંશે-હોંશે પોતાના ઘરના આંગણે રંગોળી બનાવી હતી. આસોપાલવના તોરણો બાંધ્યા હતા. ઘરમાં રોશની કરવામાં આવી હતી. સુર્યાસ્ત સમયે દેશભરમાં લોકોએ પોતાના આંગણે મંગલ દિપ પ્રગટાવ્યા હતા ત્યારબાદ ફટાકડા ફોડવામાં આવ્યા હતા. દિવાળીના તહેવારમાં જેટલા ફટાકડા નથી ફૂટતા તેનાથી વધુ ફટાકડા ગઇકાલે રામોત્સવના પાવન દિવસે ફૂટ્યા હતા. આકાશમાં મનમોહક ફટાકડાની જાણે રંગોળી બની રહી હોય તેવા આહલાદ્ક દ્રશ્યો ખડા થયા હતા. દેશવાસીઓએ મોડી રાત સુધી હોંશભેર “રામોત્સવ” ઉજવણી કરવામાં આવી હતી.

રામ મંદિરોમાં રાત્રે ભવ્ય લોકડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું. રાત્રે 12ના ટકોર રામ જન્મોત્સવની પણ ઉજવણી કરવામાં આવી હતી. માહોલ સંપૂર્ણપણે રામમય બની ગયો હતો. ખૂદ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પીએમ નિવાસ સ્થાને દિપ પ્રગટાવ્યા હતા. આજથી અયોધ્યામાં રામ મંદિરના દ્વાર રામભક્તો માટે ખૂલ્લી ગયા છે.

અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામમંદિરમાં રાઘવ સ્વરૂપ શ્રીરામની પ્રતિષ્ઠાના ઐતિહાસિક પ્રસંગે રાજભવન પ્રાંગણમાં ભવ્ય રંગોળી કરીને દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રામજ્યોતિ પ્રગટાવી હતી. સમગ્ર પરિસર ભવ્ય રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ આજના શુભ દિવસની શરૂઆત રાજભવન પરિસરમાં યજ્ઞ-હવનથી કરી હતી. રામ મંદિરમાં શ્રીરામની સ્થાપનાની ઐતિહાસિક, અલૌકિક, પવિત્રતમ તથા ઊર્જાવાન ક્ષણો તેમણે રાજભવનમાં ટેલિવિઝન પર નિહાળી હતી. કરોડો ભારતવાસીઓ સાથે ભાવવિભોર થયેલા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ સાક્ષાત ભારતીય મૂલ્યો અને સર્વોચ્ચ આદર્શોની, ભારતીય સંસ્કૃતિ પ્રતિ લોકોના અતૂટ વિશ્ર્વાસની પ્રતિષ્ઠા કરવા બદલ  નરેન્દ્રભાઈ મોદીનો આભાર માન્યો હતો અને અભિનંદન પણ આપ્યા હતા.

સાંજે રાજભવનના પ્રાંગણમાં આકર્ષક રંગોળી પૂરવામાં આવી હતી. ચોમેર દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા અને રાજ્યપાલએ રામજ્યોતિ પ્રગટાવીને આનંદ ઉલ્લાસ વ્યક્ત કર્યો હતો. તેમણે ઉપસ્થિત સૌને મીઠું મોઢું કરાવીને પ્રસંગની વધામણી વહેંચી હતી.

ભગવાન શ્રી રામચંદ્રજીના અયોધ્યા મંદિરમાં પ્રાણપ્રતિષ્ઠાના ઐતિહાસિક અવસરને દિવાળી જેવા ઉમંગ ઉત્સવ તરીકે મનાવવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ દેશવાસીઓને અપીલ કરી હતી. ગુજરાતે વડાપ્રધાનની આ અપીલનો ઉમંગ ઉલ્લાસ સાથે પ્રતિસાદ આપતાં નગરો, મહાનગરો, ગામોમાં ઠેરઠેર દિપોત્સવનું આયોજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સંધ્યા સમયે તેમના ગાંધીનગર સ્થિત સત્તાવાર નિવાસસ્થાને દીપમાળા અને ફુલ શણગાર સજાવટથી આ અવસરના વધામણાં કર્યા હતા. મંત્રીમંડળના મંત્રીઓના નિવાસ સંકુલમાં પણ દિવડા પ્રગટાવીને અયોધ્યા મંદિરમાં રામલલ્લાના બિરાજમાન થવાના ઉમંગ અવસરની રામ જ્યોત પ્રજ્વલિત કરીને ઉજવણી કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.