Abtak Media Google News

ચંદ્ર પર ચંદ્રયાન-3 ના સફળ લેન્ડીંગથી ઘર-ઘરમાં દિવાળી જેવો માહોલ: ફટાકડા ફુંકયા, મીઠાઇઓ વહેંચાય

બુધવારે સુર્યોદય વેળાએ ચંદ્ર પર ભારતનો સુર્યોદય થયો હતો. ચાંદની જમીન પર ચંદ્રયાન-3 નું સફળ ઉતરાયણ થતા દેશભરમાં દિવાળી જેવો ખુશાલીનો અદભુત માહોલ છવાયો હતો. ફટાકડા ફુટયા હતા. લોકોએ મીઠાઇઓ વહેંચી ઇસરોની આ ઐતિહાસિક સિઘ્ધીના ગુજરાતના રાજયપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ, પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ સહિતના મહાનુભાવોએ ઉજવણી કરી હતી.

ચંદ્રયાન-3 મહામિશનની ઐતિહાસિક સફળતા બદલ પ્રસન્નતા અને ગૌરવની લાગણી અનુભવતા રાજ્યપાલ આચાર્ય દેવ્રતએ કહ્યું કે, બુધવારે  ના સૂર્યાસ્તના સમયે ભારતમાં સોનાનો સૂરજ ઉગ્યો છે.  પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ભારતના વૈજ્ઞાનિકોએ ભારતને વિશ્વ સ્તર પર અભૂતપૂર્વ સન્માન અને ગૌરવ અપાવ્યું છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અને લેડી ગવર્નર  દર્શના દેવીએ આ ઐતિહાસિક ક્ષણે મીઠું મોઢું કરાવીને પરસ્પર વધામણી આપી હતી.

ભારતીય ક્ષિતિજ પર સૂર્ય આથમી રહ્યો હતો ત્યારે ચંદ્રયાન-3 મહામિશનની ઐતિહાસિક સફળતા સાથે લેન્ડરે ચંદ્રમાના દક્ષિણ ધ્રુવ પર ઉતરાયણ કરીને ભારતે ઇતિહાસ રચ્યો છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ રાજભવનમાં આ રોમાંચક પળોનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચંદ્રયાન-3ના સફળ અને ઐતિહાસિક લેન્ડિંગ ઇસરો, અમદાવાદ ખાતેથી નિહાળ્યું હતું

મુખ્યમંત્રીએ ચંદ્રયાન-3ના લેન્ડરના ચંદ્રની સપાટી પર સફળ સોફ્ટલેન્ડિંગ પછી સૌને અભિનંદન પાઠવતાં જણાવ્યું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ વધુ દૃઢ અને મક્કમ થયો છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે, વિક્રમ સારાભાઈએ શરૂ કરાવેલો ભારતનો સ્પેસ પ્રોગ્રામ આજે અવકાશની અનંત સીમાઓને આંબી રહ્યો છે. અવકાશ ક્ષેત્રે ભારત એક પછી એક સિદ્ધિ મેળવી હરણફાળ ભરી રહ્યું છે. દેશમાં તમામ ક્ષેત્રે થઈ રહેલો વિકાસથી દેશના નાગરિકોમાં સરકાર પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.હવે ઉદ્યોગકારો, ટેકનોક્રેટસ, સ્ટાર્ટ-અપ સ્થાપનારા યુવાનો પણ અવકાશ વિજ્ઞાનના ક્ષેત્રે શોધ-સંશોધન કરવાનું સપનું સાકાર કરી શકશે તેમ મુખ્યમંત્રીએ દ્રઢતાપૂર્વક કહ્યું હતું.

ભૂપેન્દ્ર પટેલે વધુમાં જણાવ્યું હતું કે, ઈસરો માનવ જાતના ભલા માટે, દેશવાસીઓના લાભ માટે અંતરિક્ષ ક્ષેત્રે કાર્ય કરતું આવ્યું છે અને આ અમૃતકાળમાં ઇસરો પણ વિશ્વમાં પોતાની સિદ્ધિઓની ધજા-પતાકા લહેરાવશે એવો પૂર્ણ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.ચંદ્રયાન-3નું સફળ સોફ્ટ લેન્ડિંગ પ્રસારણ નિહાળ્યાં પછી મુખ્યમંત્રીએ ઈસરો કેમ્પસ ખાતે પ્લાસિવ લેબ અને અન્ય ઉપક્રમોની મુલાકાત લીધી હતી.

ન માત્ર ભારત પરંતુ સમગ્ર વિશ્વના દેશો જે ઐતિહાસિક ક્ષણની આશા રાખી રહ્યુ હતું તે આજે આવી ગઇ છે. ભારતે 14 જૂલાઇના રોજ ત્રીજુ ચંદ્રયાન મોકલ્યુ હતું 41 દિવસની સફરમાં સમગ્ર દેશવાસીઓ ચંદ્રયાનના સફળ લેન્ડિંગ માટે પ્રાર્થના કરતા હતા ત્યારે આજે ભારતના વૈજ્ઞાનિકોએ સફળતા પ્રાપ્ત કરી   બદલ પ્રદેશ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલએ અભિનંદન પાઠવ્યા. ચંદ્રના દક્ષિણધૃવ પર પહોંચનારો ભારત પ્રથમ દેશ છે  જે દેશ માટે ઐતિહાસિક ક્ષણ છે. ચંદ્રયાન -3 માટે ગુજરાતે પણ મહત્વની ભૂમિકા નિભાવી છે, આ ઐતિહાસિક ક્ષણનાં સાક્ષી બનવાનું સૌભાગ્ય મળ્યું ત્યારે આંખો ભીની થઇ અને એક નવી જ ઉર્જાનો અનુભવ થયો, આજે આખો દેશ આ ઉર્જા અનુભવી રહ્યો છે. ચંદ્રયાન-3ની સફળતાએ સૌર મંડળની અનેક નવી સીમાઓને ખોલી આપી છે. બ્રમ્હાંડની અનેક સંભાવનાઓને સાકાર કરવા તરફ ભારતે આ પહેલું સફળ કદમ માંડ્યું છે.રાજકોટ શહેર ભાજપ દ્વારા પણ તમામ વોર્ડમાં ચંદ્રયાનના સફળ લેન્ડીંગના વધામણા કરવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.