Abtak Media Google News

હાર્દિક પટેલ કોંગ્રેસ નજીક સરકતો હોવાથી ફરી જેલમાં પુરી દેવાવો ગોઠવાતો તખ્તો રાજકીય મામલો ફરી ગરમી પકડશે

પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલ સામે ત્રણ દિવસ પહેલાં પાટણ પોલીસમાં રાયોટીંગ અને લૂંટનો ગુનો નોંધાયા બાદ પોલીસે હાર્દિક પટેલ અને દિનેશ બાંભણીયાની ધરપકડ કરી ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસ તરફ સરકી રહ્યો હોવાની શંકા સાથે ફરી જેલમાં ધકેલી દેવાનો તખ્તો તૈયાર થતો હોવાથી રાજકીય ગતીવિધી તેજ બની છે.

હાર્દિક પટેલ અને તેના ટેકેદારો સામે પાટણ પોલીસમાં નરેન્દ્ર પટેલે ત્રણ દિવસ પહેલાં હુમલો કરી લૂંટ ચલાવ્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે રાયોટીંગ અને લૂંટનો ગુનો નોંધ્યો હતો. આણંદ પોલીસે હાર્દિક પટેલની અને રાજકોટ પોલીસે દિનેશ બાંભણીયાની ધરપકડ કરી પાટણ પોલીસ હવાલે કર્યા હતા.

પાટણ પોલીસે લૂંટના ગુનામાં અન્ય કોણ સંડોવાયા છે તે અંગેની તપાસ માટે દસ દિવસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતા અદાલતે બંનેને ત્રણ દિવસના રિમાન્ડ પર સોપવા હુકમ કર્યો છે.

અનામત આંદોલન બાદ લાંબો સમય સુધી જેલવાસ ભોગવ્યા બાદ હાર્દિક પટેલ સામે લૂંટ અને રાયોટીંગ જેવા ગંભીર ગુના નોંધી ફરી જેલમાં ધકેલવાના પ્રયાસ થઇ રહ્યા છે.

આગામી વિધાનસભાની ચૂંટણી પૂર્વે હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે ગોઠવાઇ જશે તેવી દહેશત સાથે તેને ફરી જેલમાં ધકેલવાનો તખ્તો ગોઠવાતો હોવાનું રાજકીય નિરિક્ષકો જણાવી રહ્યા છે. ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ હાર્દિક પટેલ કોંગ્રેસની નજીક જઇ રહ્યો હોવાનું અને કોંગ્રેસ સાથે હાથ મિલાવે તો પાટીદારો એક તરફ જતા રહેવાની દહેશત સાથે હાર્દિક પટેલને ફરી જેલમાં ધકેલાયો હોવાની ચર્ચા વચ્ચે રાજકીય ગરમાવો આવ્યો છે. આગામી દિવસોમાં પાટીદારો ફરી સક્રીય બની લડતને વધુ ઉગ્ર બનાવશે તેવી પણ જાણકારો કહી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.