Abtak Media Google News

મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડીંગ ચેરમેનની નિયુક્તિ કરતા પહેલા જે-તે મહાનગરનાં પ્રદેશ પ્રભારીની નિમણુંક કરશે ભાજપ: પાર્લામેન્ટરી બોર્ડ મોડીરાત સુધી ચાલ્યું

રાજકોટ, અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર અને ભાવનગર મહાનગરપાલીકામાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન સહિત પાંચ પદાધિકારીઓનાં નામો નકકી કરવા માટે ગઈકાલે મોડીરાત સુધી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને પ્રદેશ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ચાલી હતી જેમાં તમામ છ મહાનગરોનાં સ્થાનિક હોદેદારો સાથે નવા હોદેદારોની નિમણુંક અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ચાર ચાર નામોની પેનલ પણ બનાવવામાં આવી છે. આગામી ગૂરૂવારથી શનિવાર સુધી અલગ અલગ મહાપાલિકાઓમાં બોર્ડ બેઠક મળનાર છે. દિલ્હી હાઈકમાન્ડની લીલીઝંડી મળ્યા બાદ જ કોર્પોરેશનના પદાધિકારીઓના નામો ફાઈનલ કરવામાં આવશે આ પૂર્વે તમામ જિલ્લા અને મહાનગરો માટે ભાજપ દ્વારા પ્રદેશ પ્રભારીઓનાં નામો પણ જાહેર કરી દેવામાં આવશે. જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સમિતિનાં ચેરમેનોના નામ નકકી કરવા આગામી 13મીના રોજ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.

રાજયની છ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપની ઐતિંહાસિક જીત થઈ છે. નવા પદાધિકારીઓની નિમણુંક માટે આવતીકાલથી સતત ત્રણ દિવસ સુધી અલગ અલગ મહાનગરોમાં જનરલબોર્ડની બેઠક મળનાર છે. ત્યારે મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન, શાસકપક્ષના નેતા અને પક્ષના દંડક નકકી કરવા માટે ગઈકાલે બપોરથી મોડીરાત સુધી મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળી હતી. જેમાં અલગ અલગ મહાનગરોમાં સ્થાનીક હોદેદારો સાથે વિચાર-વિમર્શ કરવામાં આવ્યો હતો. અને ત્રણ મુખ્ય હોદાઓ માટે પેનલો પણ લેવામાં આવી હતી. ભાજપની પ્રક્રિયા મુજબ બોર્ડ બેઠક પૂર્વ જયારે ભાજપના નગરસેવકોની સંકલન બેઠક મળે છે.ત્યારે પ્રદેશમાંથી બંધ કવરમાં મેયર સહિતના પદાધિકારીઓનાં નામો મોકલવામાં આવતા હોય છે. ત્યાં સુધી બધુ સસ્પેન્સ રાખવામાં આવતું હોય છે. ખૂદ પદાધિકારીઓને પણ છેલ્લી ઘડીએ જાણ કરવામાં આવતી હોય છે.

આવતા વર્ષે ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ત્યારે જ્ઞાતિજાતીનાં સમીકરણોને ધ્યાનમાં રાખી પદાધિકારીઓની નિમણુંક કરવામા આવશે તે વાત ફાઈનલ માનવામાં આવી રહી છે. અઢી વર્ષની પ્રથમ ટર્મમાં વિધાનસભાની ચૂંટણી પણ પદાધિકારીઓની સામે હોય સક્ષમ વ્યકિતને ખૂરશી પર બેસાડવામાં આવશે. આવામાં દિલ્હી હાઈકમાન્ડ સાથે પરામર્શ કર્યા બાદ ત્યાંથી લીલીઝંડી મળ્યાબાદ મેયર, ડેપ્યુટીમેયર અને સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેનના નામો નકકી કરવામાં આવશે અને તેનીજાહેરાત બોર્ડ બેઠકના દિવસે જ કરવામાં આવશે. હાલ તમામ મહાનગરોનાં સ્થાનિક હોદેદારો પાસેથી ભાજપના ચૂંટાયેલા તમા નગરસેવકોનાં નામો અને બાયોડેટા લઈ લેવામાં આવ્યા છે. જયાં મેયર પદ માટે અનામત છે ત્યાં અનામત કેટેગરીમાં આવતા નામો અલગ તારવી લેવામાં આવ્યા છે. દાવેદારોના જમા-ઉધાર પાસાની હાલ તપાસણી ચાલી રહી છે. હાઈકમાન્ડની લીલીઝંડી મળ્યા બાદ નકકી કરવામાં આવશે. દરમિયાન જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખ અને કારોબારી સમિતિનાં ચેરમેનના નામ નકકી કરવા માટે આગામી 13મી માર્ચનાં રોજ ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.