ફ્રેન્ડશીપ મેમ્બર કાર્ડના ચક્કરમાં ના પડશો, નહીતર પડશે મોટો ધુંબો… ભાઈ-બહેન ઝડપાયા..!!

અબતક, રાજકોટ

રાજકોટમાં રહેતા એન્જીનીયર યુવાનને ઓનલાઇન ફ્રેન્ડશીપ ઝાળમાં ફસાવી રૂ.૩.૪૪ લાખ પડાવી લેવાના ગુનાહમાં અમદાવાદ રૂરલ પોલીસે સાણંદથી ભાઈ-બહેનને દબોચી લીધા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરના ગુંદાવાડીમાં આવેલા રૂવાલા કોમ્પલેક્ષમાં રહેતા અને મેટોડા જીઆડીસીમાં આવેલી એક કંપનીમાં એન્જીનીયર તરીકે નોકરી કરતા સંજય ભગવાનભાઈ વાણીયા (ઉ.વ.ર૮) એ ફ્રેન્ડશીપ કલબમાં જોડાવવાની લ્હાયમાં રૂા.૩.૪૪ લાખ ગુમાવ્યા હતા. તેની સાથે ઓનલાઈન છેતરપીંડી કરનાર સન્ની પંકજ પારેખ (ઉ.વ.ર૦) અને તેની બહેન નેહા (ઉ.વ.રર, રહે. બંને ૭૦૪, કલ્પવૃક્ષ સોસાયટી, ઘોડદોડ રોડ, સુરત) ને અમદાવાદ રૂરલની સાણંદ પોલીસે ઝડપી લીધા બાદ આજે બંને સામે સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાઈ હતી.

પોલીસને સંજયે જણાવ્યું હતું કે ગઈ તા.૧૭-૬-ર૦ર૧ ના રોજ તેના મોબાઈલમાં ટેકસ્ટ મેસેજ આવ્યો હતો. જેમાં ફ્રેન્ડશીપ કરવા માટે અંક મોબાઈલ નંબર પર કોલ કરવા જણાવાયું હતું. જેથી તેણે તે નંબર ઉપર કોલ કરતા સામે છેડે રહેલી યુવતીએ પોતાનું નામ ધારા જણાવ્યું હતું. ત્યારબાદ રજિસ્ટ્રેશનના બહાને અને ફ્રેન્ડશીપ મેમ્બર કાર્ડ બનાવવાના બહાને યુવાન પાસેથી રૂ.૨૩,૯૦૦ની રકમ પડાવી સિલસિલો શરૂ કર્યો હતો.

આ રકમ જમા થયા બાદ મયુરે કહ્યું કે તમારૂ આઈકાર્ડ બની ગયું છે તમે ફ્રેન્ડશીપ માટે ભુમી જૈન સાથે વાત કરી લો. જેથી તેણે જે નંબર આપ્યા હતા તેની ઉપર કોલ કરી પોતાને ભુમી જૈન તરીકે ઓળખાવનાર યુવતી સાથે વાત કરતા તેણે ફ્રેન્ડશીપની ડીપોઝીટ માટે વધુ રૂા.૫૦,૦૦૦ ભરવાનું કહ્યું હતું. એટલુ જ નહી આ રકમ રીફંડ મળી જશે તેવી પણ ખાત્રી આપી મયુર સાથે વાત કરવાનું કહેતા તેણે ફરીથી તેની સાથે વાત કરી તેના કહ્યા મુજબ રૂા.પ૦,૦૦૦ પણ ઓનલાઈન તેના ખાતામાં જમા કરાવી દીધા હતા.

ત્યારબાદ તેણે ભુમી જૈન સાથે બે-ત્રણ દિવસ મોબાઈલ પર વાતચીત કરી હતી. તેણે રૂબરૂ મળવાનું કહેતા તે માટે ફરીથી મયુર સાથે વાત કરવાનું કહેતા આ માટે રૂા.૪૫,૩૦૦ ની માંગણી કરાતા આ રકમ પણ તેણે ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી હતી. આ પછી બે-ત્રણ દિવસ તેણે ભુમી જૈન સાથે વાત કરી બહારગામ ફરવા જવાનું કહેતા આ માટે અલગથી રકમની માંગણી કરી હતી. જે માંગણી મુજબ તેણે ફરીથી રૂા.૭૭,૩૯૯ પોતાના મિત્ર પંકજ મકવાણા કે જે હુડકો ચોકડી પાસે રહે છે, તેની પાસેથી લઈ ઓનલાઈન ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ પછી તેને શંકા જતા મયુર અને ભુમી સાથે પૈસા રીફંડ માટે વાત કરતા બંનેએ તેને કહ્યું કે અમે તમને રીફંડ આપી દેશું પરંતુ આ માટે તમારે એક એગ્રીમેન્ટ કરવું પડશે. જેની માટે વધુ રૂા.૧.૪૮ લાખ ભરવા પડશે તેવી માંગણી કરતા તેણે સસરા પાસેથી આંગળીયા મારફત રકમ મંગાવી તે રકમ પણ ઓનલાઈન ટ્રાન્સફર કરી દીધી હતી. આમ છતાં મયુરે જીએસટીના નામે વધુ રૂપીયા ભરવાનું કહેતા તેને શંકા ગઈ હતી.

આખરે ગઈ તા.રપ ઓગષ્ટના રોજ સાણંદ પોલીસે તેની સાથે છેતરપીંડી કરનાર સન્ની અને નેહાને ઝડપી લીધાનું કહેતા આજે ફરીયાદ નોંધાવી હતી. આ બંને આરોપીઓનો હવે સાયબર ક્રાઈમ પોલીસ ટ્રાન્સફર વોરંટથી કબ્જો લેશે. આરોપી ઝડપાયા બાદ પોલીસે ભોગબનાનાર યુવાનને જાણ કરી હતી કે તેઓ ઓનલાઈન છેતરાઈ રહ્યા છે.