Abtak Media Google News

હવે દવાના પેકેજીંગ પર ક્યુઆર કોડ લગાવાશે : પ્રથમ તબક્કામાં 300 દવાના પેકીંગ પર અમલવારી

હવે તમે જે દવા લઇ રહ્યા છો તે અસલી છે કે નકલી? તેની ખરાઈ હવે ઘરે બેઠા જ કરી શકાશે. 1 ઓગસ્ટ એટલે કે આજથી ઉત્પાદિત સૌથી વધુ વેચાતી દવાઓના  પેકેજિંગ પર ક્યુઆર કોડ હશે. કોડ સ્કેન કરવા પર મેન્યુફેક્ચરિંગ લાયસન્સ અને બેચ નંબર જેવી મહત્વપૂર્ણ માહિતી દવાના પ્રમાણીકરણને સરળ બનાવશે.

આ પગલું નકલી અને સબ-સ્ટાન્ડર્ડ દવાઓના વેચાણને રોકવા અને ગુણવત્તા સુનિશ્ચિત કરવા સરકારની ‘ટ્રેક એન્ડ ટ્રેસ’ પદ્ધતિનો એક ભાગ છે, તેવું સૂત્રોએ જણાવ્યું હતું.

1 ઓગસ્ટથી પ્રથમ તબક્કામાં સૌથી વધુ વેચાતી 300 દવાઓ પર ક્યુઆર કોડ લગાવવામાં આવશે, જે ફાર્મા રિટેલ માર્કેટમાં આશરે રૂ. 50,000 કરોડનો હિસ્સો ધરાવે છે. આ યાદીમાં વ્યાપકપણે વેચાતી એન્ટિબાયોટિક્સ, કાર્ડિયાક પિલ્સ, પેઇન-રિલીફ ટેબ્લેટ્સ, એન્ટિ-ડાયાબિટીસ અને એન્ટિ-એલર્જિક દવાઓનો સમાવેશ થાય છે.

એન્ટિ-ડાયાબિટીક્સ મિક્સટાર્ડ અને ગ્લાયકોમેટ-જીપી, એન્ટિબાયોટિક્સ ઓગમેન્ટિન અને મોનોસેફ અને ગેસ્ટ્રો મેડિસિન રૂ. 2 લાખ કરોડથી વધુ મૂલ્યના સ્થાનિક રિટેલ માર્કેટમાં ટોચના ક્રમમાં છે.

વર્ષોથી નકલી અને સબ-સ્ટાન્ડર્ડ દવાઓ બજારમાં આવી હોવાના ઘણા કિસ્સાઓ બન્યા છે. જેમાંથી કેટલીક નિયમનકારો દ્વારા જપ્ત કરવામાં આવી હતી.

આ પગલું એક દાયકા પહેલા જ કલ્પના કરવામાં આવી હતી પરંતુ સ્થાનિક ફાર્મા ઉદ્યોગની અયોગ્ય તૈયારી અને જરૂરી સોફ્ટવેર અને ટેક્નોલોજી સિસ્ટમના અભાવને કારણે સ્થગિત કરવામાં આવી છે. સંગ્રહિત ડેટા અથવા માહિતીમાં વિશિષ્ટ ઉત્પાદન ઓળખ કોડ, દવાનું યોગ્ય અને સામાન્ય નામ, બ્રાન્ડ નામ, ઉત્પાદકની વિગતો, બેચ નંબર, ઉત્પાદન અને સમાપ્તિની તારીખ અને ઉત્પાદન લાઇસન્સ નંબર જેવી વિગતો શામેલ હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.