Abtak Media Google News

ટૂંક સમયમાં સીબીસી, હિમોગ્લોબીન અને ડિજિટલ એક્સ-રેની સુવિધાઓ પણ શરૂ કરાશે: ખાનગી લેબોરેટરીમાં રૂ.50 થી લઇ 900માં થતાં અલગ-અલગ રિપોર્ટ હવે શહેરીજનો નિ:શુલ્ક કરાવી શકશે

કોર્પોરેશનમાં આજે બપોરે ચેરમેન પુષ્કરભાઇ પટેલના અધ્યક્ષસ્થાને મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં તમામ 66 દરખાસ્તોને બહાલી આપવામાં આવી હતી. રૂ.61.83 કરોડના વિકાસકામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આવેલા કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં હવે શહેરીજનો બી.પી. અને ઇસીજી સહિતના 25 રિપોર્ટ નિ:શુલ્ક કરાવી શકાશે. આરોગ્ય કેન્દ્રોમાં પ્રાથમિક તપાસ અને નિદાન કરવા માટે સાધનો વસાવવા માટે રૂ.2 કરોડનો ખર્ચ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂર કરવામાં આવ્યો છે. ટૂંક સમયમાં સીબીસી, હિમોગ્લોબીન અને ડિજિટલ એક્સ-રે ની પણ સુવિધા શરૂ કરવામાં આવશે.

Advertisement

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પુષ્કરભાઇ પટેલે જણાવ્યું હતું કે મહાપાલિકા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારોમાં 21 આરોગ્ય કેન્દ્રોનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં આરોગ્યલક્ષી તમામ સેવાઓ વિનામૂલ્યે પૂરી પાડવામાં આવી રહી છે. અર્બન હેલ્થ સેન્ટરમાં આવતા દર્દીઓની પ્રાથમિક તપાસ અને નિદાન કરવા માટે આધુનિક સાધનોની ખરીદી કરવાની જરૂરીયાતને ધ્યાનમાં રાખી કોર્પોરેટરોની ગ્રાન્ટમાંથી રૂ.2 કરોડના ખર્ચે વિવિધ પ્રકારના સાધનો વસાવવામાં આવ્યા છે. ખાનગી લેબોરેટરીમાં રૂ.50 થી લઇ રૂ.900 સુધીમાં જે અલગ-અલગ ટેસ્ટ કરવામાં આવે છે. તે કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં મફ્ત કરાવી શકાશે. ટૂંક સમયમાં સીબીસી, હિમોગ્લોબીન અને ડિજિટલ એક્સ-રેની પણ સુવિધા શરૂ કરવામાં આવશે.

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે હાલ કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રોમાં બ્લડપ્રેશર ચેક કરી આપવામાં આવશે. જ્યારે હૃદ્યરોગના દર્દીઓને વિનામૂલ્યે ઇસીજી કરી આપવામાં આવે છે. આ ઉપરાંત ગ્લુકોઝ (ડાયાબીટીસ), કોલેસ્ટ્રોલ, ટ્રીગ્લીસ્ટ્રાઇડ, એસજીપીટી, એસજીઓટી, સીઆરપી, યુરીયા, યુરીક એસિડ, ઇલેક્ટ્રોલાઇટ, કેલ્શીયમ, એચબીએ-1 સી, બિલીરૂબીન ટોટલ, બિલીરૂબીન ડાયરેક્ટ, સીકેએમબી, ક્રિએટીનાઇન, લાઇસસ્પેસ, એમીલેઝ, એલબ્યુમીન, પ્રોટીન, કોલેસ્ટ્રોલના એચડીએલ અને એલડીએલ, ડી-ડાઇમર જેવા 25 ટેસ્ટ વિનામૂલ્યે કરાવી શકાશે. નજીકના ભવિષ્યમાં છ ઓટોમેટીક સેલ કાઉન્ટર મશીન વસાવવામાં આવશે. જેના કારણે દર્દીઓ સીબીસી અને હિમોગ્લોબીનના રિપોર્ટ પણ નિ:શુલ્ક કરાવી શકાશે. હૃદ્યરોગના દર્દીઓ માટે ઇસીજીની વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે.

કોર્પોરેશનના આરોગ્ય કેન્દ્રમાં અલગ-અલગ 25 પ્રકારના ટેસ્ટ વિનામૂલ્યે કરવામાં આવી રહ્યાં છે. જેનો લાભ લેવા માટે દર્દીઓએ ડોક્ટરનું પ્રિસ્ક્રીપ્શન લાવવું ફરજિયાત રહેશે. જો આરોગ્ય કેન્દ્રોના ડોક્ટરને દર્દીની પરિસ્થિતિ મુજબ રિપોર્ટ કરવાની છૂટ રહેશે. આગામી દિવસોમાં આરોગ્ય કેન્દ્રમાં દર્દીની સુખાકારી માટે કેટલીક નવી સગવડતાઓ પણ ઉભી કરવામાં આવશે.

6 પમ્પીંગ સ્ટેશનની મશીનરીના નવીનીકરણથી રૂ.2 કરોડ બચશે

કોર્પોરેશનના અલગ-અલગ 6 પમ્પીંગ સ્ટેશનની વર્ષો જૂની મશીનરીનું રૂ.95.78 લાખના ખર્ચે નવીનીકરણ કરવામાં આવ્યું છે. જેનાથી રૂ.2 કરોડની બચત થશે. મવડી પમ્પીંગ સ્ટેશનની મશીનરીના નવીનીકરણ માટે રૂ.13.45 લાખ, ચંદ્રેશનગર પમ્પીંગ સ્ટેશનની મશીનરીના નવીનીકરણ માટે રૂ.9.42 લાખ, ન્યારી ફિલ્ટર પ્લાન્ટની મશીનરીની નવીનીકરણ માટે રૂ.16.60 લાખ, રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટની મશીનરીના નવીનીકરણ માટે રૂ.27.25 લાખ, ઘંટેશ્ર્વર ફિલ્ટર પ્લાન્ટની મશીનરીની નવીનીકરણ માટે રૂ.7.04 લાખ અને ન્યારા ઓફટેક પમ્પીંગની મશીનરીની નવીનીકરણ માટે રૂ.22.02 લાખનો ખર્ચ કરવામાં આવ્યો છે. આ ખર્ચ ડબલ થાય તો કરાવશે. કારણ કે વિજબીલ સહિત રૂ.1.91 કરોડનો ફાયદો થવાનો અંદાજ છે.

સ્ટેન્ડિંગમાં રૂ.66.83 કરોડના કામોને બહાલી

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે તમામ 66 દરખાસ્તોને બહાલી આપવામાં આવી છે. રૂ.61.83 કરોડના વિકાસકામોને મંજૂરીની મહોર મારવામાં આવી છે. રેસકોર્ષ સંકુલ સ્થિત ટેનીસ કોર્ટ ભાડે આપવાથી વાર્ષિક રૂ.5.55 લાખ અને જુદા-જુદા રસ્તાઓ પર જનભાગીદારીથી ડિવાઇડર બનાવવાનો કોન્ટ્રાક્ટ આપવાથી રૂ.13.68 લાખની આવક થશે. સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વોટર વર્ક્સના કામો માટે રૂ.15.77 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. જ્યારે અલગ-અલગ વિસ્તારમાં ડામર કામ માટે રૂ.26.86 કરોડ, વોંકળાના કામ માટે રૂ.89 લાખ, ડ્રેનેજના કામ માટે રૂ.1.69 કરોડ, પેવિંગ બ્લોકના કામ માટે રૂ.1.92 કરોડ, આરોગ્ય કેન્દ્ર માટે રૂ.2.28 કરોડ, આરોગ્ય કેન્દ્રમાં સાધનો વસાવવા માટે રૂ.2.04 કરોડ અને સોલીડ વેસ્ટ શાખા માટે રૂ.7.94 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.