Abtak Media Google News

સરકાર હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી તેને શિક્ષણનું સ્તર સુધારવા માટે તમામ છૂટો દોર આપશે

સરકાર હવે શિક્ષણનું સ્તર સુધારવા માટે સતત પ્રયત્નશીલ બની છે. જેના ભાગરૂપે હવે આગામી દિવસોમાં બીન-ગુણવત્તાવાળા શિક્ષણના “હાટડા” ચલાવનારાઓને જેલના સળિયા પણ ગણવા પડશે. કારણકે સરકાર ચોમાસુ સત્રમાં હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયાની સ્થાપના કરી શિક્ષણને ગુણવત્તાયુક્ત બનાવવામા બાધારૂપ તમામ બાબતો સામે આકરું વલણ દાખવવાની છે.

Advertisement

સરકાર જુલાઈમાં સંસદના ચોમાસુ સત્રમાં ઉચ્ચ શિક્ષણ માટે એક વ્યાપક નિયમનકારી સંસ્થા હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા સ્થાપવા માટે બિલ રજૂ કરી શકે છે.  સૂચિત કમિશન પાસે શૈક્ષણિક ગુણવત્તાના ધોરણો લાગુ કરવાની અને હલકી ગુણવત્તાવાળી સંસ્થાઓને બંધ કરવાનો આદેશ આપવાની સત્તા હશે.  આનુ પાલન કરવામાં નિષ્ફળતા દંડ અથવા કેદમાં પરિણમી શકે છે.

એચઇસીઆઈએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 માં પરિકલ્પના કરાયેલ એક મુખ્ય નિયમનકારી સુધારણા છે જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે “ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રને પુન: ઉત્સાહિત કરવા અને તેને ખીલવા માટે સક્ષમ કરવા માટે નિયમનકારી પ્રણાલીને સંપૂર્ણ રીતે સુધારવાની જરૂર છે”.

દેશમાં ઉચ્ચ શિક્ષણની સ્થિતિ સુધારવા માટે સરકાર સમગ્ર નિયંત્રણ સિસ્ટમને ઠીક કરવાની દિશામાં કામ કરી રહી છે.  આ દિશામાં પગલાં લઈને, સરકાર હવે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન અને ઓલ ઈન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશનને નાબૂદ કરવા માંગે છે અને તેમની જગ્યાએ નવા હાયર એજ્યુકેશન કમિશન ઑફ ઈન્ડિયાની સ્થાપના કરવા માંગે છે.

યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશનપાસે યુનિવર્સિટીઓને અનુદાનનું નિયમન અને અનુદાન કરવાની સત્તા છે.  જ્યારે એચઇસીઆઈને અનુદાન આપવાનો અધિકાર રહેશે નહીં કારણ કે નવું કમિશન આવ્યા બાદ યુનિવર્સિટીઓને અનુદાન સીધું માનવ સંસાધન વિકાસ મંત્રાલય તરફથી આપવામાં આવશે.  નોંધનીય છે કે હાલમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય આઈઆઈટી, એનઆઈટી, આઈઆઈએસઇઆર જેવી તમામ તકનીકી સંસ્થાઓને ભંડોળ પૂરું પાડે છે. આ સાથે જ એચઇસીઆઈ દ્વારા થતા શૈક્ષણિક સંસ્થાઓના મેનેજમેન્ટના મુદ્દાઓમાં સરકાર કોઈ દખલગીરી કરશે નહિ. જેથી શિક્ષણના સ્તરમાં સુધારા થવાના પરિણામો મળે.

મેડિકલમાં ખાલી પડેલી જગ્યાઓ પુરવા “ઠોઠડા” ભરતી સામે સુપ્રીમની રોક

નીટ પીજી 2021માં ખાલી પડેલી 1456 બેઠકોને ભરવા માટે કાઉન્સિલિંગનું સ્પેશિયલ સેશન આયોજિત ન કરવાનો સરકાર અને મેડિકલ કાઉન્સિલના નિર્ણયને મનસ્વી ન ગણાવી શકાય તેમ સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે. સુપ્રીમ કોર્ટે ખાલી પડેલી 1456 બેઠકો ભરવા માટે સ્પેશિયલ કાઉન્સિલિંગનું આયોજન કરવાની માગ કરતી અરજીઓ પણ ફગાવી દીધી હતી. ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝની બનેલી વેકેશન બેન્ચે જણાવ્યું છે કે મેડિકલ એજયુકેશનની ગુણવત્તા સાથે સમજૂતી ન કરી શકાય કારણકે આનાથી પબ્લિક હેલ્થ પર અસર પડે છે. સુપ્રીમ કોર્ટે વધુમાં જણાવ્યું છે કે સરકાર અને મેડિકલ કાઉન્સિલિંગ કમિટી (એમસીસી) એ કાઉન્સિલિંગનો વધુ એક રાઉન્ડ આયોજિત ન કરવા લીધેલો નિર્ણય મેડિકલ એજ્યુકેશન અને  જાહેર જનતાના હિતમાં છે. જ્યારે કેન્દ્ર સરકાર અને

મેડિકલ કાઉન્સિલે મળીને ખાલી પડેલી બેઠકો ભરવા માટે સ્પેશિયલ કાઉન્સિલિંગ સેશનનું આયોજન નહીં કરવાનો નિર્ણય લીધો છે તો આ નિર્ણયને મનસ્વી ગણાવી શકાય નહીં.

આ દરમિયાન સુપ્રીમ કોર્ટે અન્ય એક મહત્ત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે દિલ્હીમાં નર્સિંગના કોર્સમાં બેઠકો ભરવા વધારાના રાઉન્ડને પરવાનગી આપી શકાય નહીં. સુપ્રીમે જણાવ્યું હતું કે એડમિશન પ્રક્રિયાને અનંત બનાવી ન શકાય.

ન્યાયમૂર્તિ એમ આર શાહ અને ન્યાયમૂર્તિ અનિરુદ્ધ બોઝની બનેલી વેકેશન ખંડપીઠે શૈક્ષણિક વર્ષ 2021-22 માટે નર્સિંગની બેઠકો ભરવા માટે વધારાના કાઉન્સિલિંગ રાઉન્ડની માગ કરતી અરજીઓને ફગાવી દીધી છે.

ભારતની ગુણવત્તાયુક્ત શિક્ષણની ભુખ હવે ઉઘડી, સરકાર બદલાવ લાવવા હરકતમાં

ભારતની ગુણવત્તાયુક્ત શિક્ષણની ભૂખ હવે ઉઘડી છે. અગાઉ શિક્ષણ સાથે બાંધછોડ ચાલી રહી હતી. પણ હવે જાગૃતિ આવી છે. શિક્ષણ પ્રાથમિક જરૂરિયાત ગણાય છે. દેશમાં જ શ્રેષ્ઠ શિક્ષણ મળી રહે તેવું લોકો ઈચ્છી રહ્યા છે. બીજી તરફ શિક્ષણનો મુદ્દો પણ ચૂંટણીમાં અસરકારક રહેતો હોય, સરકાર હવે દેશની શિક્ષણ વ્યવસ્થા સુધારવા કમર કસી રહી છે.

આપે શિક્ષણનો મુદ્દો ચગાવતા ભાજપે શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું

આમ આદમી પાર્ટીએ શિક્ષણનો મુદ્દો ચગાવ્યો છે. તેના દાવા પ્રમાણે દિલ્હીની સરકારી શાળાઓ સમગ્ર દેશ માટે મોડેલ સમાન છે. પંજાબમાં સરકાર બનાવવામાં પણ આપને શિક્ષણનો મુદ્દો ખૂબ ફાયદાકારક રહ્યો છે. અગાઉ કેજરીવાલે ગુજરાતમાં પણ શિક્ષણનો મુદ્દો પ્રજા સમક્ષ મુક્યો છે. માટે  હવે ભાજપે પણ શિક્ષણ ઉપર ધ્યાન કેન્દ્રીત કર્યું છે.

ઓછા ખર્ચે વિદેશમાં અભ્યાસ કરવાની તક મળશે

જોઈન્ટ ડિગ્રી, ડુઅલ ડિગ્રી અને ટ્વાઈનિંગ પ્રોગ્રામ માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન સાથે હાથ મિલાવવામાં 63 વિદેશી યુનિવર્સિટી/ઈન્સ્ટિટ્યૂટએ રસ દાખવ્યો છે. યુજીસીનું કહેવું છે કે, તેમાં એમઆઇટી, સ્ટેનફોર્ડ યુનિવર્સિટી, ગ્લાસગો યુનિવર્સિટી સહિત ઘણી પ્રતિષ્ઠિત ઈન્સ્ટિટ્યૂટ સામેલ છે. યુજીસી ચેરપર્સન પ્રો. એમ જગદીશ કુમારનું કહેવું છે કે, ભારતની યુનિવર્સિટી વિદેશી યુનિવર્સિટીની સાથે મળીને આ પ્રોગ્રામ જાન્યુારી 2023 કે પછી જુલાઈ 2023 સુધી શરૂ કરી દેશે. આગામી થોડા દિવસોમાં ઈન્સ્ટિટ્યૂશન્સ વચ્ચે ઓનલાઈન મીટિંગ પણ થશે. સાથે જ કેટલીક યુનિવર્સિટીના ડેલિગેશન ભારત આવે તેવી આશા છે.

દેશના સ્ટૂડન્સને ઈન્ટરનેશનલ સ્ટાન્ડર્ડનું ક્વોલિટી એજ્યુકેશન આપવા માટે એપ્રિલમાં યુજીસી નેશનલ એજ્યુકેશન પોલિસી અંતર્ગત નવા રેગ્યુલેશન્સ લાવ્યું છે. યુજીસીના ચેરપર્સન પ્રો જગદીશ કુમાર કહે છે કે, ’તેને લઈને અમે લગભગ 560 વિદેશી યુનિવર્સિટી/ઈન્સ્ટિટ્યૂટને પત્ર મોકલ્યા હતા. સાથે જ, ભારતની 260 યુનિવર્સિટીનું લિસ્ટ પણ મોકલ્યું હતું, જે જોઈન્ટ ડિગ્રી, ડ્યુઅલ ડિગ્રી અને ટ્વાઈનિંગ પ્રોગ્રામ શરૂ કરી શકે છે. અમને અત્યાર સુધી 63 વિદેશી ઈન્સ્ટિટ્યૂટએ પોઝેટિવ રિસ્પોન્સ આપ્યો છે અને યુજીસી રેગ્યુલેશન્સ અને ગાઈડલાઈન્સ પર વિસ્તારથી ચર્ચા કરવા ઈચ્છે છે. તેમાંથી 6 વિદેશી યુનિવર્સિટીએ બને તેટલી જલદી ઓનલાઈન મીટિંગ રાખવા અનુરોધ કર્યો છે.

તે ઉપરાંત, મેક્સિકોમાં ભારતના એમ્બેસડરે અમને જણાવ્યું છે કે, ત્યાંની કેટલીક યુનિવર્સિટી પણ ભારતીય યુનિવર્સિટીની સાથે પાર્ટનરશિપની શક્યતાઓ શોધવા ઈચ્છે છે. ગત સપ્તાહે ઓસ્ટ્રેલિયાના ડેપ્યુટી હાઈ કમિશન સાથેની યુજીસીની ચર્ચામાં નક્કી થયું છે કે, ઓસ્ટ્રેલિયાની કેટલીક યુનિવર્સિટી અને ભારતની કેટલીક યુનિવર્સિટી વચ્ચે ઓનલાઈન મીટિંગ જલદી યોજવામાં આવશે. 2-3 યુનિવર્સિટીનું

ડેલિગેશન ભારત પણ આવવાનું છે, જે આ સંદર્ભમાં અમારી સાથે મુલાકાત પણ કરવા ઈચ્છે છે.’

યુજીસીનું કહેવું છે કે, યુરોપ, યુકે, એશિયા, આફ્રિકા, અમેરિકાથી તેને રિસ્પોન્સ મળ્યો છે. તેમાં કેમ્બ્રિજ યુનિવર્સિટી, એમઆઈટી, સ્ટેન્ડફર્ડ યુનિવર્સિટી, બ્રાઉન યુનિવર્સ્ટી, કોલરિડા યુનિવર્સિટી, ડરબન યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી, ક્વીન્સલેન્ડ યુનિવર્સિટી, કરટિન યુનિવર્સિટી સામેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.