Abtak Media Google News

એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાનો આક્ષેપ: અકસ્માત સર્જી બસના ચાલકે નદીમાં ઝંપલાવ્યું

ગોંડલમાં મોવૈયા સર્કલ પાસે એસટી બસના ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા સાઈડમાં છબીલમાં બેઠેલા વૃદ્ધને ઉડાડતા તેમને ગંભીર હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બસનો ચાલક નશાની હાલતમાં હોવાનું રાહદારીઓએ આક્ષેપ કર્યા હતા. અકસ્માત સર્જી બસના ચાલકે નદીમાં ઝંપલાવતા તંત્ર ધંધે લાગ્યું હતું.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલમાં બરકતિપરામાં જોગાવદર રોડ પર રહેતા અસલમભાઈ અબ્દુલભાઈ શેખ નામના 60 વર્ષીય વૃદ્ધ આજરોજ વહેલી સવારે મોવૈયા સર્કલ પાસે મહોરમની છબીલ પર બેઠા હતા ત્યારે એકાએક ઘસી આવેલી જીજે 18 ઝેડ 3685 નંબરની એસટી બસના ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા એસટી બસની ડ્રાઈવર ડરી જતા તેને નદીમાં ઝંપલાવી દીધું હતું.જે બાબતે જાણ થતા પોલીસ અને નગરપાલિકા તંત્રના ફાયર વિભાગના સ્ટાફે ડ્રાયવરને નદીમાંથી કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

જ્યારે અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા વૃદ્ધને ગોંડલ બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. રાહદારીઓને જણાવ્યા મુજબ અકસ્માત સર્જનાર એસટી બસ કમરકોટડા ગામેથી ગોંડલ તરફ જતી હતી. ત્યારે રસ્તામાં ડ્રાયવરને ઉતારી અકસ્માત સર્જનાર ચાલકે ધરાર બસનો કબ્જો લીધો હતો. જેને આગળ જઈને અકસ્માત સર્જ્યો હતો.

તે ઉપરાંત રાહદારીના જણાવ્યા મુજબ એસટી બસનો ડ્રાઈવર નશાની હાલતમાં હોવાના આક્ષેપ કર્યા છે. જેથી પોલીસે ડ્રાઇવરના મેડિકલ ટેસ્ટ કરવા માટે તજવીજ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.