Abtak Media Google News

11મી જુલાઇ સુધી પ્રવેશ પ્રકિયા ચાલશે: અંદાજે 30 હજાર બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવશે

ધો.12 સાયન્સ પછીના નીટ સિવાયના કોર્સ જેવા કે ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ સહિતના 10 કોર્સમાં પ્રવેશ માટે આવતીકાલથી ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે જે આગામી 11મી જુલાઇ સુધી ચાલશે. પ્રવેશનો વિસ્તૃત કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવશે. જોકે, ચાલુ વર્ષે અંદાજે 30 હજાર બેઠકો માટે કાર્યવાહી કરવામાં આવશે.ધો.12 પછી નીટના આધારે મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી, આયુર્વેદ જેવા કોર્સમાં પ્રવેશ ફાળવવામાં આવે છે.

Advertisement

પરંતુ આ સિવાયના ફિઝિયોથેરાપી, બીએસસી નર્સિંગ, જીએનએમ, એએનએમ, નેચરોપથી, ઓર્થોટીક્સ અને પ્રોસ્થેટીક્સ, ઓપ્ટોમેટ્રી, બીએએસએલપી અને ઓક્યુપેશનલ થેરાપી જેવા પેરા મેડિકલ કોર્સમાં પ્રવેશ ધો.12 સાયન્સના આધારે આપવામાં આવે છે. પ્રવેશ સમિતિ દ્વારા આજે આ તમામ કોર્સની મળીને અંદાજે 30 હજાર બેઠકો માટે ઓનલાઇન રજિસ્ટ્રેશનની પ્રક્રિયા જાહેર કરી દેવામાં આવી છે.

જેમાં આવતીકાલ 28મીથી લઇને આગામી 11મી જુલાઇ સુધી વિદ્યાર્થીઓ પીન ખરીદીને ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવી શકશે. આજ દિવસો દરમિયાન પ્રમાણપત્ર પણ અપલોડ કરવાના રહેશે. આગામી 30મી જૂનથી લઇને 12મી જુલાઇએ સાંજે 4 વાગ્યા સુધી હેલ્પ સેન્ટર પર જઇને ઓરિજનલ પ્રમાણપત્રઓની ચકાસણી કરાવવાની રહેશે. પ્રવેશ સમિતિ દ્વારા રાજયમાં 67 હેલ્પસેન્ટરની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તમામ કોર્સમાં ગુજરાત બોર્ડ, સેન્ટ્રલ બોર્ડ સહિતના આઠથી વધારે માન્ય બોર્ડમાંથી ધો.12 પાસ થનારા વિદ્યાર્થીઓ પ્રવેશ માટે અરજી કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.