Abtak Media Google News

ઘેર-ઘેર માંદગીના ખાટલા: ડેન્ગ્યુના વધુ ૬ અને ચિકનગુનિયાના ૫ કેસો નોંધાયા

ડેન્ગ્યુ અને ચિકનગુનિયા સહિતના રોગચાળાએ જાણે રાજકોટમાં અજગરી ભરડો લીધો હોય તેમ ચાલુ સપ્તાહે શહેરના અલગ-અલગ વિસ્તારોમાંથી વિવિધ રોગચાળાના ૪૩૧ કેસો મળી આવતા હાહાકાર મચી જવા પામ્યો છે. ઘેર-ઘેર માંદગીના ખાટલા ખડકાયા છે. દવાખાનાઓ દર્દીઓથી ઉભરાઈ રહ્યા છે છતાં તંત્ર સલામત હોવાનું બ્યુગલ વગાડી રહ્યું છે.આરોગ્ય શાખાના સુત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા એક સપ્તાહ દરમિયાન શહેરની અલગ-અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય અને તાવના ૨૧૬ કેસો, ઝાડા-ઉલ્ટીના ૧૬૮ કેસ, ટાઈફોઈડ તાવના ૪ કેસ, ડેન્ગ્યુના ૬ કેસ, ચિકનગુનિયાના ૫ કેસ, મરડાના ૭ કેસ, મેલેરિયા તાવના ૪ કેસ, કમરાના ૩ કેસ અને અન્ય તાવના ૧૮ કેસો નોંધાયા છે. ખોરાકજન્ય રોગચાળાની અટકાયત માટે રેકડી, દુકાન, ડેરીફાર્મ, હોટલ, રેસ્ટોરેન્ટ, બેકરી અને અન્ય સ્થળ સહિત કુલ ૧૦૪ જગ્યાએ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૦૫ કિલો અખાદ્ય ખોરાકનો નાશ કરી ૪ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે. મચ્છરજન્ય રોગચાળાની અટકાયત માટે ૩૯,૯૫૦ ઘરોમાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી હતી અને મચ્છરની ઉત્પતિ સબબ ૫૪ આસામીઓને નોટિસ ફટકારવામાં આવી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.