Abtak Media Google News

એમટીપી એક્ટની જોગવાઇઓમાં સુધારાની જરૂરિયાત: સુપ્રીમે ચુકાદો અનામત રાખ્યો

સુપ્રીમ કોર્ટે મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી(એમટીપી) એક્ટની જોગવાઇઓ અંગે સુનાવણી કરતા મહત્વપૂર્ણ અવલોકન કર્યું છે. સુપ્રીમે કહ્યું છે કે, એમટીપી એકટની જોગવાઈઓમાં “સુધારો” કરવાની જરૂર છે.

સુપ્રીમ કોર્ટે મંગળવારે કહ્યું હતું કે, પરિણીત અને અપરિણીત મહિલાઓ વચ્ચેના ભેદભાવને દૂર કરવા માટે મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ અને સંબંધિત નિયમોનું અર્થઘટન કરવાની જરૂરિયાત છે અને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવી શકે છે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે એમટીપી એકટની જોગવાઈઓમાં  “સુધારો” કરવાની જરૂર છે અને મહિલાઓની અન્ય શ્રેણીને સામેલ કરવાની જરૂરિયાત ઉભી થઇ છે.

જસ્ટિસ ડી.વાય.  ચંદ્રચુડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ એ.એસ. બોપન્નાએ જણાવ્યું હતું કે એમટીપી એક્ટના અર્થઘટનના મુદ્દા પર પોતાનો નિર્ણય અનામત રાખે છે અને તેમાં ’અવિવાહિત મહિલાઓ’ અથવા “સિંગલ વુમન”નો સમાવેશ કરવામાં આવશે જેથી કરીને તેઓને 24 અઠવાડિયા સુધી ગર્ભપાત કરવાનો અધિકાર આપી શકાય.

કેન્દ્રએ કોર્ટને કહ્યું કે જો સંસદ દ્વારા પસાર કરાયેલા કાયદામાં કોઈ તફાવત નથી અને જો કોર્ટ હસ્તક્ષેપ કરવા માટે તૈયાર છે, તો તેણે એમટીપી નિયમો, 2003 માં સુધારો કરવાની જરૂરિયાત છે.

અધિક સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટી, કેન્દ્ર તરફથી હાજર રહ્યા હતા અને આ મુદ્દા પર કોર્ટને મદદ કરતા કહ્યું હતું કે એમટીપી (સુધારા) અધિનિયમ 2021 હેઠળ કોઈ તફાવત નથી અને કાયદા હેઠળ સંબંધિત નિયમોમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે આ મુદ્દાઓ પર નિષ્ણાતોના પોતાના મંતવ્યો છે અને તેમના અનુસાર વર્ગીકરણ ગર્ભની જાતિ નક્કી કરવા માટે પૂર્વ-ગર્ભાવસ્થા અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક એક્ટ સહિત વિવિધ કાયદાના દુરુપયોગને ટાળવા માટે કરવામાં આવ્યું છે.

કોર્ટે કહ્યું, આપણે એ સ્પષ્ટ કરવું જોઈએ કે અમે અમારા ચુકાદાનો મુસદ્દો એવી રીતે તૈયાર કરવા જઈ રહ્યા છીએ કે અમે પૂર્વ-ગર્ભાવસ્થા અને પ્રિ-નેટલ ડાયગ્નોસ્ટિક ટેક્નિક એક્ટની જોગવાઈઓને પાતળી કરવાના નથી.

અગાઉ 5 ઓગસ્ટના રોજ, કોર્ટે કહ્યું હતું કે તે એમટીપી એક્ટ અને સંબંધિત નિયમોનું અર્થઘટન કરશે તે નક્કી કરવા માટે કે શું અપરિણીત મહિલાઓને પણ તબીબી સલાહ પર 24 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરવાની મંજૂરી આપી શકાય છે.

કોર્ટે કહ્યું હતું કે, ’જો કાયદા હેઠળ અપવાદો અસ્તિત્વમાં છે, તો તબીબી સલાહ પર 24 અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત કરનાર મહિલાઓમાં અવિવાહિત મહિલાઓને શા માટે સામેલ ન કરવી જોઈએ? સંસદનો હેતુ ’પતિ’ની જગ્યાએ ’પાર્ટનર’ શબ્દથી જ સ્પષ્ટપણે સમજાય છે.  આ દર્શાવે છે કે તેણે અપરિણીત મહિલાઓને એવી જ કેટેગરીમાં મૂકી છે જેમને ગર્ભાવસ્થાના 24 અઠવાડિયામાં ગર્ભપાત કરવાની છૂટ છે.

અવિવાહિત મહિલાઓ સાથે ગર્ભપાતની બાબતમાં ભેદભાવ રાખી શકાય નહીં: સુપ્રીમ

એમટીપી એક્ટની જોગવાઈનો ઉલ્લેખ કરતા જસ્ટિસ ચંદ્રચુડે અવલોકન કર્યું છે કે, એક અપરિણીત છોકરી જે  અનિચ્છનીય ગર્ભાવસ્થાથી પીડાય છે ત્યારે તેને ગર્ભપાત કરવાની મંજૂરી અપાતી નથી ત્યારે બીજી બાજુ જો પરિણીત મહિલાને 24 અઠવાડિયા સુધીની ગર્ભાવસ્થાને ગર્ભપાત કરવાની મંજૂરી આપવામાં આવે છે, તો અવિવાહિત મહિલાને આ અધિકાર શા માટે નહીં ? શા માટે અવિવાહિત મહિલાઓને આ જોગવાઈ બહાર રાખો છે? તેવો સવાલ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને ટાંકી પૂછ્યો હતો. આવા ભેદભાવ માટે કોઈ તાર્કિક કારણ નથી તેવું સુપ્રીમે ઉમેર્યું છે.

ભારતમાં ગર્ભપાતના શું છે  નિયમો?

ભારતમાં ગર્ભપાતને ’કાનૂની માન્યતા’ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે મુક્તિ આપવામાં આવી છે.  ભારતમાં ગર્ભપાત સંબંધિત ’મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી એક્ટ’ છે, જે 1971 થી અમલમાં છે. તેમાં 2021 માં સુધારો કરવામાં આવ્યો હતો. ભારતમાં અગાઉ કેટલાક કિસ્સાઓમાં 20 અઠવાડિયા સુધીમાં ગર્ભપાતની મંજૂરી હતી, પરંતુ 2021 માં આ કાયદામાં સુધારા પછી આ સમય મર્યાદા વધારીને 24 અઠવાડિયા કરવામાં આવી હતી. આટલું જ નહીં કેટલાક ખાસ કેસમાં 24 અઠવાડિયા પછી પણ ગર્ભપાતની મંજૂરી લઈ શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.