Abtak Media Google News

ગુજરાતના મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તાર સિવાય રાજયના તમામ ગ્રામ્ય વિસ્તારોમાં આગામી ગાંધી જયંતિ અથાંત બીજી ઓકટોબરથી અચોકકસ મુદત સુધી પાણી વિતરણ બંધ કરી દેવાની ચીમકી ‘જેમ’ કોન્ફેડરેશન ઓફ કોન્ટ્રાકટર દ્વારા આપવામાં આવી છે. રાજય સરકારને વૈકલ્પીક વ્યવસ્થા કરવા તાકીદ કરી દેવામાં આવી છે. સરકાર દ્વારા ઓ એન્ડ એમ ની રકમ ઉપર છેલ્લા ર0 માસથી જીએસટીની રકમની ચુકવણી કરવામાં આવતી ન હોવાના કારણે હડતાલનું હથિયાર ઉગામવામાં આવ્યું છે.

સરકારને વૈકલ્પીક વ્યવસ્થા ગોઠવી લેવા જાણ કરી દેવાય

ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકચર લિમિટેડ દ્વારા અલગથી 18 ટકા જી.એસ.ટી.ની ચુકવણી કરવામાં ન આવતી હોય ‘જેમ’ કોન્ફેડરેશન ઓફ કોન્ટ્રાકટર હડતાલનું હથિયાર ઉગામશે

આ અંગે ‘અબતક’ સાથેની ખાસ વાતચીત દરમિયાન ‘જેમ ’ કોન્ફેડરેશન ઓફ કોન્ટ્રાકટરના સક્રિય સભ્ય અલ્પેશભાઇ લાખાણીએ  (મો. નં. 93750 48276) જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા ર0 થી રર માસ પૂર્વ લોકલ ઓથોરીટી જેવી કે મહાનગરપાલિકા અને નગરપાલિકા સિવાયના ગુજરાત પાણી પુરવઠા બોર્ડ, વાસ્મો અને ગુજરાત વોટર ઇન્ફ્રાસ્ટ્રકર લીમીટેડના પમ્પીંગ સ્ટેશનનો કોન્ટ્રાકટ ધરાવતા કોન્ટ્રાકટરો પર 18 ટકા જીએસટી લાદવામાં આવ્યો છે. રાજય અને કેન્દ્ર સરકારના અન્ય વિભાગો દ્વારા કોન્ટ્રાકટરોને જીએસટીની ચુકવણી અલગથી કરવામાં આવે છે. પરંતુ પાણી વિતરણની જવાબદારી નિભાવતા કોન્ટ્રાકટરોને જીએસટીની ચુકવણી કરવામાં આવતી નથી. આ અંગે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા ઉપરાંત પાણી પુરવઠા વિભાગના તમામ ઉચ્ચ અધિકારીઓને અનેકવાર લેખીત તથા મૌખિક રજુઆત કરવામાં આવી છે. જીએસટીની રકમ અલગથી ચુકવવાની બાહેધરી ચોકકસ આપવામાં આવે છે. પરંતુ ચુકવણી કરવામાં આવતી નથી.

18 ટકા તોતીંગ જીએસટીના ભારણના કારણે રાજયના 3500 થી વધુ કોન્ટ્રાકટરો હાલ ભારે આર્થિક સંકડામણ ભોગવી રહ્યા છે. કેટલાક કોન્ટ્રાકટરોએ નવા ટેન્ડર ઉપાડવાનું પણ બંધ કરી દીધું છે. વારંવાર રજુઆત કરવા છતાં સમસ્યાનો કોઇ નિવેડો ન આવતા હવે આગામી બીજી ઓકટોબર અર્થાત ગાંધી જયંતિથી પાણી વિતરણ બંધ કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રજાને હાલાકી વેઠવી ન પડે અને રાજય સરકારને પણ વૈકલ્પીક વ્યવસ્થા ઉભી કરવા માટે પુરતો સમય મળી રહે તે માટે એક સપ્તાહ અગાઉ હડતાલની ઘોષણા કરી દેવામાં આવી છે.

કોન્ટ્રાકટરોની હડતાલથી મહાપાલિકા અને નગરપાલિકા વિસ્તારોમાં પાણી વિતરણ પર કોઇ અસર નહી પડે પરંતુ ગામડામાં વિતરણ વ્યવસ્થા ખોરવાય જશે.

લોકો ચિંતા ન કરે પાણી વિતરણ નહીં ખોરવાય: મંત્રી કુંવરજીભાઇ બાવળીયા

મુખ્યમંત્રી  અને નાણામંત્રીનું ઘ્યાન દોરી સમસ્યાનું નિરાકરણ લવાશે

‘જેમ’ કોન્ફેડરેશન ઓફ કોન્ટ્રાકટર દ્વારા આગામી ગાંધી જયંતિથી રાજયના ગ્રામ્ય વિસ્તારોમાં પાણી વિતરણ બંધ કરી દેવાની ચીમકી આપવામાં આવી છે. જેનાથી જનતામાં થોડી ચિંતા ઉભી થવા પામી છે. ‘અબતક’ સાથેની વાતચીત દરમિયાન રાજય સરકારના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ગ્રામ્ય વિસ્તારની જનતા રતિભાર પણ ચિંતા ન કરે પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાશે નહી. કોન્ટ્રાકટરોને જીએસટીની અલગથી ચુકવણી કરવા માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ અને નાણામંત્રી કનુભાઇ દેસાઇનું આજે જ ઘ્યાન દોરવામાં આવશે. હજી એક સપ્તાહનો સમય બાકી છે. આગામી દિવસોમાં સમસ્યાનું નિરાકરણ લાવી દેવાશે પાણી વિતરણ કોઇ કાળે ડિસ્ટર્બ ન થાય તેવા પ્રવાસો કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.