Abtak Media Google News

ગુજરાતી ફિલ્મો માટે આ ફેબ્રુઆરી મહિનો ફેન્ટાસ્ટિક રહેવાનો છે. દર અઠવાડિયે રિલિઝ થઈ રહી છે આ ગુજરાતી ફિલ્મ. વર્ષ 2024 ગુજરાતી સીને જગત માટે ખુબ જ મહત્વનું સાબિત થવાનું છે, આ વર્ષ મનોરંજનભર્યુ રહેશે તેવું લાગી રહ્યું છે, એક પછી એક ફિલ્મ રિલિઝની લાઇનમાં જ છે. નવા વર્ષની શરૂઆતથી જ વિવિધ વિષયો આધારિત ઘણી ગુજરાતી ફિલ્મોની જાહેરાત થઈ છે.

લોગો

(2 ફેબ્રુઆરી ) ‘કમઠાણ’

કમઠાણ

‘કમઠાણ’ એક એવી પારિવારિક ફિલ્મ છે જેમાં સતત હાસ્ય રેલાવતી રમૂજી પળો તો છે જ, પણ સાથે-સાથે ચોર-પોલીસની સંતાકૂકડીનો રોમાંચ પણ છે. ફિલ્મમાં હિતુ કનોડિયા, સંજય ગોરડિયા, દર્શન જરીવાલા, અરવિદ વૈદ્ય, દીપ વૈદ્ય, કૃણાલ પંડિત, તેજલ પંચાસરા અને શિલ્પા ઠાકર જેવાં કલાકારો છે, જેમણે ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં પોતાનું આગવું સ્થાન ઊભું કર્યું છે.

આજથી ત્રેવીસ વર્ષ પહેલાંના ચરોતરના એક નાના નગરમાં આકાર લેતી આ ફિલ્મમાં ચરોતરી બોલી અને ત્યાનાં  લોકોની જીવનશૈલીને ઝીલવામાં આવી છે. ગુજરાતના એક નગરમાં જીવાતા ગુજરાતી લોકોના જીવનને દર્શાવતી આ ફિલ્મ એક નખશીખ ગુજરાતી ફિલ્મ છે, જે વિશ્વના કોઈ પણ ખૂણે બેઠેલા પ્રેક્ષકને પોતાના હોવાની લાગણી આપે છે.

ગુજરાતી ફિલ્મ જોતાં દર્શકો હોય કે ‘હેલ્લારો’ના ચાહકો, રોમાંચ અને રમૂજથી ભરપૂર ચોર-પોલીસની સંતાકૂકડી ‘કમઠાણ’ કોઈને નિરાશ નહીં કરે, એ વાત નક્કી છે. માત્ર ગુજરાતમાં રહેતા જ નહીં, પણ દેશ-વિદેશમાં વસતા બધા જ ગુજરાતીઓ સુધી આ ફિલ્મ પહોંચે એવો પ્રયાસ આ ફિલ્મના સર્જકોનો રહેશે.

(9 ફેબ્રુઆરી ) ‘લગન સ્પેશિયલ’

લગ્ન

“લગન સ્પેશ્યલ” એક પારિવારિક ફિલ્મ કૉમેડી ફિલ્મ છે. ફિલ્મમાં મલ્હાર ઠાકર અને પૂજા જોષીની સાથે મિત્ર ગઢવી પણ મહત્વની ભૂમિકામાં છે. આ ઉપરાંત આ ફિલ્મમમાં નિજલ મોદી, રાગી જાની, કલ્પના ગાગડેકર છારા, અર્ચન ત્રિવેદી, પૌરવ શાહ અને ફિરોઝ ઈરાની પણ જોવા મળશે.

ફિલ્મ ‘લગન સ્પેશ્યલ’ના ટ્રેલરની વાત કરીએ શરૂઆતમાં જ તમને પ્રસિદ્ધ સાહિત્યકાર અને પ્રખર વક્તા સાંઈરામ દવેના બુલંદઅવાજમાં વાર્તાની શરૂઆત અને ફિલ્મના પાત્રોનો પરિચય થતો જોવા મળે છે. એકવાર ફરી મલ્હાર ઠાકર ગુજરાતી અમદાવાદી યુવક શેખરના પાત્રમાં જોવા મળેશે. જ્યારે પૂજા પરીખ પરિવારની લાડલી દીકરી સુમનના પાત્રમાં ચાહકોને ઘેલાં કરશે. ટ્રેલર જોઈને લાગે છે આખી ફિલ્મ લગનના વિષય પર ફરશે. લગનની અંતિમ ઘડી સુધી પહોંચવામાં નિતનવાં વળાંકો આવે છે. ત્યાં વળી મિત્ર ગઢવીની એન્ટ્રી થાય છે. મિત્ર ગઢવીનું પાત્ર ફિલ્મમાં એક નવો જ વળાંક લાવશે તેવું લાગી રહ્યું છે, તો આખરે શેખર અને સુમન લગ્નના બંધનમાં બંધાશે કે નહીં એ તો ફિલ્મ રિલીઝ થયા બાદ જ જાણી શકાશે.

 (16 ફેબ્રુઆરી)  ‘કસુંબો’

કસુંબો

‘કસુંબો’ ફિલ્મ આગામી તા.16મી ફેબ્રુઆરીના થિયેટરોમાં રિલીઝ કરવામાં આવશે. આ ફિલ્મ જાણીતા લેખક તથા વરિષ્ઠ પત્રકાર વિમલકુમાર મોહનલાલ ધામીની નવલકથા ‘અમર બલિદાન’ પર આધારિત છે.

‘સનાતન અમર હતો, સનાતન અમર છે અને સનાતન અમર રહેશે’ વિજયગિરિ ફિલ્મોઝ દ્વારા નિર્માણ પામેલી ગુજરાતી ફિલ્મ કસુંબોનું ટીઝર રીલીઝ થતાં સોશ્યલ મીડિયા પર ખાસ્સી ચર્ચા થઇ રહી છે. ‘કસુંબો’ ફિલ્મ આગામી તા.16મી ફેબ્રુઆરીના રીલીઝ થનાર છે. દર્શકોને ટીઝરમાં બોલાયેલા સંવાદો, તેના પાત્રો, સિનેમેટોગ્રાફી અને બેકગ્રાઉન્ડ મ્યુઝિક ખુબ પસંદ પડી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય ગણાશે કે ગુજરાતી ફિલ્મ ‘કસુંબો’ની કથા ગુજરાતના જાણીતા નવલકથાકાર વૈદ્ય મોહનલાલ ચુનીલાલ ધામીના પુત્ર વરિષ્ઠ પત્રકાર વિમલ ધામીએ આજથી 40 વર્ષ પૂર્વે ‘અમર બલિદાન’ના નામથી પુસ્તક રૂપે પ્રગટ થઇ છે. જેમાં દાદુ બારોટ અને તેમના સાથીઓને વીરતા વાત કહેવામાં આવી છે. ઇતિહાસમાં ભૂલાઇ ગયેલા બારોટોના બલિદાનની આ કથા સત્યા ઘટના પ્રેરિત છે.

અલ્લાઉદ્દીન ખિલજીના આક્રમકતા બાદ ગુજરાતમાં અંધાધૂંધી ફેલાઇ ગઇ હતી. ત્યારે પાલીતાણાના મહાતીર્થ શત્રુંજ્યના રક્ષણની જવાબદારી બારોટોના શિરે આવી પડી હતી. ત્યારબાદ તેમણે કઇ રીતે વિરતાપૂર્વક આક્રાંતાઓનો સામનો કર્યો હતો, તેની આ કથા છે. ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરીબાવાનું કહેવું છે કે તેમણે શૂરવીરોને આ ફિલ્મ દ્વારા શોર્યાજંલી આપી છે.

દર્શકોને ટીઝરમાં બોલાયેલા સંવાદો, તેના પાત્રો, સિનેમેટોગ્રાફી અને બેક ગ્રાઉન્ડ મ્યુઝીક ખુબ પસંદ પડી રહ્યા છે. સોશ્યલ મીડીયા પર પણ ખાસ્સી ચર્ચા ચાલી રહી છે. ફિલ્મમાં રોનક કામદાર, જય ભટ્ટ, શ્રધ્ધા ડાંગર, ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, મોનલ ગજ્જર, વિશાલ વૈશ્ય, શૌનક વ્યાસ, તત્સત મુનશી સહિતના કલાકારો જોવા મળે છે. ‘કસુંબો’ ગુજરાતી ફિલ્મના ડાયરેક્ટર વિજયગીરી બાવા છે. જેઓ અગાઉ ‘21મું ટિફિન’ અને ‘મોન્ટુની બિટ્ટુ’ જેવી ફિલ્મો બનાવી ચૂક્યા છે.

(23 ફેબ્રુઆરી ) ‘નાસૂર’

નાસૂર

સાયકોલોજિકલ થ્રીલર ફિલ્મ ‘નાસૂર ‘નું ટીઝર રિલીઝ થતાંની સાથે જ ચાહકોએ વધાવી લીધું છે. હિતુ કનોડિયા  અને  નીલમ પંચાલ ની સાથે ફિલ્મ ‘નાસૂર’માં ડેનિશા ઘુરમા  હેમિન ત્રિવેદી હીના જયકિશન, વૈશાખ રતનબેન, વિશાલ ઠક્કર અને જિગ્નેશ મોદી પણ મહત્વની ભૂમિકામાં છે.

ફિલ્મની અભિનેત્રી નીલમ પંચાલે ટીઝર સોશ્યલ મીડિયા પર શૅર કરતા કૅપ્શનમાં લખ્યું છે કે, ‘પૈસો, પાવર અને બધાથી આગળ રહેવાની ભૂખ છેલ્લે ક્યાં અટકશે? શું પૈસા થી તમારા અમૂલ્ય સબંધો અને તમારી શાંતિ ખરીદી શકશો? સતત દોડતો રહેતો માણસ ક્યાં અને ક્યારે અટકશે? આ દરેક સવાલનો જવાબ લઇને આવી રહી છે, ‘નાસૂર’ – ૨૩ ફેબ્રુઆરી ૨૦૨૪ના રોજ.

ફિલ્મ ‘નાસૂર’ના ટીઝર પરથી સમજાય છે કે, ફિલ્મ સંબંધો અને જીવન મરણના સંઘર્ષની આસપાસ ફરે છે. ટીઝરમાં ડાયલોગ્સ મન જીતી લે તેવા છે. હિતુ કનોડિયા હોય કે નીલમ પંચાલ કે પછી ડેનિશા ઘુમરા દરેક પાત્રના ડાયલોગ્સ જબરજસ્ત છે. પાત્રોના અભિનયમાં વિવિધતા ટીઝરમાં જ જોવા મળે છે.

 

 

 

 

 

 

 

 

 

Singer Professional Anchor Voice over artist Content creator

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.