Abtak Media Google News

બુટલેગરની પત્ની સાથે આડા સંબંધના કારણે પોલીસમેનને છરી, દાંતરડા અને કુહાડીથી રહેંસી નાખ્યો’તો

બુટલેગરની પત્નીએ ડીફેન્સ વિટનસ જુબાની આપતા શંકાનો લાભ અપાયો: સાંયોગિક પુરાવાની મજબુત કડીથી નિશંક રીતે કેસ પુરવાર થયો

પોલીસમેનની હત્યાને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ થયો’તો: બુટલેગરે પત્ની પાસે જ ફોન કરી પોલીસમેનને ઘરે બોલાવી મોતને ઘાટ ઉતારી દીધો’તો

શહેરના કુવાડવા પોલીસ મથકમાં ફરજ બજાવતા પોલીસમેન પ્રમોદ બુઝારથ અવધવાસીની હત્યાના ગુનામાં સંડોવાયેલા નામચીન બુટલેગર સહિત પાંચ શખ્સોને અદાલતે તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી છે. બુટલેગરની પત્ની સાથેના પોલીસમેનના આડા સંબંધના કારણે બુટલેગર સહિત પાંચ શખ્સોએ છરી, દાતરડા અને કુહાડી જેવા તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી હત્યાના બનાવને અકસ્માતમાં ખપાવવા પ્રયાસ થયા બાદ પોલીસે ડોગ સ્કવોડની મદદથી ભેદ ઉકેલી બુટલેગરની પત્ની સહિત છની ધરપકડ કરી હતી. બુટલેગરની પત્નીએ ડીફેન્સ વિટનેશ તરીકે જુબાની આપતા તેણીને શંકાનો લાભ આપવામાં આવ્યો છે.

Advertisement

શહેરના પ્ર.નગર પોલીસ લાઇનમાં રહેતા અને કુવાડવા પોલીસ મથકમાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા પ્રમોદ બુજારથ અવધવાસીની ગત તા.૨૮-૩-૨૦૧૩ના વહેલી સવારે કુવાડવા રોડ પર સાત હનુમાન મંદિર પાસેથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી અને ઘટના સ્થળેથી તેનું જી.જે.૩ઇક્યુ. ૨૩૪ નંબરનું બુલેટ મળી આવ્યું હતું. મૃતક પ્રમોદ અવધવાસી સાથી કર્મચારી ડાયાભાઇ બાવળીયાને દા‚રૂ અંગે બાતમી હોવાનું કહી તા.૨૭મીએ રાતે પોલીસ મથકેથી નીકળ્યા બાદ સવારે તેની લાશ મળી આવી હતી.

ઘટના સ્થળે પ્રથમ નજરે બનાવ અકસ્માતનો હોવાનું જણાતુ હતુ પરંતુ ઇજાના નિશાન તિક્ષ્ણ હથિયારના હોવાનું સામે આવતા કુવાડવા પોલીસ સ્ટાફે ડોગ સ્કવોડની મદદ લઇને તપાસ કરતા પોલીસનો ગુના શોધક શ્ર્વાન પ્રમોદ અવધવાસીના મૃતદેહ પાસેથી સીધો નવાગામ ઢોળા પાસે રહેતા દેશી દા‚રૂના ધંધાર્થી હકો ઉર્ફે હકલો સોમા ભાખોડીયાના ઘરે જઇ અટકયો હતો. બુટલેગરના મકાનમાં દા‚રૂ અને મટનની મહેફીલ થયાના અને લોહીના ડાઘા જોવા મળ્યા હતા. તેમજ લોહીના ડાઘવાળી છરી, દાતરડુ અને કુહાડી મળી આવ્યા હતા પરંતું બુટલેગરનો પરિવાર મળી આવ્યો ન હતો.

પોલીસની છાનભીન દરમિયાન હકા સોમાની પત્ની રમા સાથે પોલીસમેન પ્રમોદ અવધવાસીને આડો સંબંધ હોવાથી હકાએ પોતાની પત્ની રમા પાસે ફોન કરાવી પ્રમોદને ઘરે બોલાવ્યા બાદ પોતાના ભત્રીજા પ્રવિણ વાઘજી ભાખોડીયા, ભાવેશ દેવશી જીંજુવાડીયા, અજીત વાલજી ભાખોડીયા અને વનરાજ ભીખુ ખુદડીયાએ છરી, દાતરડુ અને કુહાડીથી પ્રમોદ અવધવાસી પર તુટી પડયા હતા. ત્યારે પ્રમોદને બચાવવા રમા વચ્ચે પડતા તેણી પર પણ હુમલો કરી પ્રમોદ અવધવાસીની હત્યા નહી પરંતુ અકસ્માત થયો હોવાની ખોટી એલઇબી ઉભી કરવા લાશને સાત હનુમાન મંદિર નજીક ફેંકી ત્યાં તેનું બુલેટ મુકી રમાને સાથે લઇ તમામ શખ્સો ભાગી ગયા હોવાનું બહાર આવતા કુવાડવા પોલીસે રમા સહિત તમામની ધરપકડ કરી જેલ હવાલે કર્યા હતા.

હાઇકોર્ટે રમા ભાખોડીયાને જામીન પર મુક્ત કરી હતી. હકા સોમા ભાખોડીયા સહિતના શખ્સો સામે અધિક સેશન્સ જજ ડી.ડી.ઠકકરની કોર્ટમાં સુનાવણી થતા રમા ભાખોડીયાએ સમગ્ર ઘટના પોતાની નજર સામે બન્યાનું અને પ્રમોદ અવધવાસીને બચાવવા વચ્ચે પડી ત્યારે તેણી પર હુમલો કર્યા અંગેની જુબાની આપી હતી. રમાની જુબાનીને તબીબ દ્વારા અપાયેલી જુબાનીમાં સમર્થન આપવામાં આવતા સાયોગિંક પુરાવો મજબુત બન્યો હતો તેમજ એફએસએલના પુરાવા ધ્યાને લઇ હકા સોમા ભાખોડીયા સહિત પાંચેયને તકસીરવાન ઠેરવી આજીવન કેદ અને દંડ ફટકાર્યો છે. સરકાર પક્ષે સ્મિતાબેન અત્રી ઉપસ્થિત રહ્યા હતા.

સજા સાંભળતા બુટલેગર રડી પડયો

કુવાડવા પોલીસ મથકના પોલીસમેન પ્રમોદ અવધવાસીની હત્યાના ગુનામાં બુટલેગર હકા સોમા ભાખોડીયા સહિત પાંચને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સજા ફટકારી ત્યારે કોર્ટમાં ઉપસ્થિત હકા ભાખોડીયા રડી પડયો હતો. હકા ભાખોડીયા જામીન મુક્ત હોવાથી તેને સજાની સુનાવણી સમયે કોર્ટમાં હાજર રાખવામાં આવ્યો હતો જ્યારે અન્ય ચાર શખ્સો જેલ હવાલે હોવાથી તેને વીડિયો કોન્ફરન્સથી સજા સંભળાવવામાં આવી હતી. ત્યારે જેલમાં રહેતા ચારેય શખ્સોએ રહેમ રાખવા આજીજી કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.