Abtak Media Google News

અયોધ્યા મંદિરના નિર્માણોત્સવ બાદ સતયુગને અને ત્રેતાયુગને ગુંગળામણ ન થવા દેવાનું અટલ વચન આપણો વર્તમાન સમાજ અને વર્તમાન રાજકારણીઓ-રાજકર્તાઓ આપી શકશે? આપણા મહારથીઓ પાસે જવાબની આતુરતા ભરી રાહ!

વિશ્વવંધ મહાપૂરૂષ મહાત્મા ગાંધીએ તેમના જીવનકાળ દરમ્યાન એકમાત્ર હિન્દી ફિલ્મ ‘રામરાજય’ નિહાળી હતીએ વાતનું હવે ધુંધળું સ્મરણ:

ભારતકી એક સન્નારીકી હમ કથા સૂનાતે હૈ, મિથિલાકી રાજદુલારીકી હમ વ્યથા સુનાતે હૈ… હવે રામ, લક્ષ્મણ, ભરત, શત્રુઘ્ન અને સીતા સતી કયાં અને કયારે મળશે?…

આમ તો આપણો દેશ અને સવા અબજ દેશવાસીઓ હમણા સુધી નહિ પળાયેલા અસંખ્ય વચનોનાં પ્રમાણિક પાલનની રાહ જોઈ રહ્યા છે. આપણા રાજકારણીઓ-રાજપુરૂષો અને રાજકર્તાર્અનું એ બાબતમાં રૂંવાડુંયે ફરકતું નથી. આપણી સંસ્કૃતિ, સંસ્કાર અને સભ્યતાની એ વિરૂધ્ધ છે. સાચ-જૂઠની એમાં કસોટી છે. અને સજજનતાની તથા ઈન્સાનિયતની અગ્નિપરીક્ષા લેખાય.

હમણા હમણા યુગોજૂની કે વેદિકકાળ વખતની ભારતીય સંસ્કૃતિની અસલિયતની રખેવાળી સામે પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે. શ્રાપ-વરદાન તથા પાપ-પૂણ્યમાં ચૂસ્તપણે માનતી અને મનાવતી સંસ્કૃતિની અસલિયતની સફળ રખેવાળી કરી શકે એવા માઈના પૂતોની આજના હિન્દુસ્તાન-ભારતને જબરી ખોટ હોવાનો અફસોસ આપણો દેશ અને સવા અબજ જેટલા દેશવાસીઓ કરી રહ્યા છે.

આપણી અસ્સલ ભારતીય સંસ્કૃતિમાં માનવજાત સંપત્તિ અને સફળતાન પાછળ આંધળી દોટ મૂકવાની માનસિકતા ધરાવતી નહોતી. ધન એમના માટે પરમેશ્ર્વર થઈ બેઠો નહોતો. નિ:સ્વાર્થ સેવાનું સત્ય, શિવ અને સૌન્દર્ય જીવી દેખાડવામાં એને મનુષ્ય જીવનની સાચી મૂડીનું દર્શન થતું હતુ.

ભારતીય સંસ્કૃતિની અસલિયતનું ઈસેન્સ (અર્થાત અર્ક)આમાં પ્રતિબિંબિત થાય છે અને મહાત્માની ભીતરનું તત્વસત્વ શું હતુ તે આમાં નિષ્પન્ન થયા વગર રહેતું નથી.

તેમણે એક તબકકે એવું કહ્યું હતુ કે, મારા શરીરના કોઈ ટુકડે ટુકડા કરી નાખે તો તે પ્રત્યેક ટુકડો-રામનાથ ઉચ્ચારતો સંભળાશે.

તેમણે એક અન્ય તબકકે એમ કહ્યું હતુ કે, જો મને કોઈ મારી નહિ નાખે તો હું ૧૨૫ વર્ષ (સવા સો વર્ષ) સુધી જીવવાનો છું અને આ દેશને માટે રામરાજય નહિ મળે ત્યાં સુધી હું જંપીશ નહિ.

તેમનો દેહ ગોળીએ વિંધાયો અને રાજઘાટ પર ચીર વિરામ પામ્યો તે પહેલા તેમણે ‘હેરામ’ શબ્દો ઉચ્ચાર્યા હતા.

કવિ રાજેન્દ્ર ક્રિશ્ર્ના તેમના કાવ્યમાં એમ લખેલું કે, ‘એક દિન હોની અપના અપના રૂપ બદલકર આયી, અહિંસાકે સિનેમેં હિંસાને ગોલી ચલાઈ… બાપૂને કહા રામ રામ ઓર જગસે કિયા કિનારા શ્રી રામકે દરબારમેં જા પહૂંચા શ્રી રામ કા પ્યારા…

ભારતીય સંસ્કૃતિનું અસલ સ્વરૂપ અહીં પ્રતિબિંબિત થયું હતુ. આજના ભારતમાં આ મૂળભૂત ભારતીય સંસ્કૃતિ નામશેષ થતી ગઈ છે. અત્રે એ યાદ રહે કે, આ વિશ્ર્વવંદ્ય મહાપૂરૂષે તેમના જીવનકાળ દરમ્યાન એકમાત્ર રામરાજય હિન્દી ફિલ્મ નિહાળી હતી.

‘ભારતકી એક સન્નારીકી હમ કથા સૂનાતે હૈ…

મિથિલાકી રાજદૂલારીકી હમ વ્યથા સૂનાતે હૈ…

આમ અસલ ભારતીય સંસ્કૃતિમાં મૂળ છેક રામાવતાર સુધી લંબાયા છે, અને અયોધ્યા-મંદિરનાં નિર્માણ મહોત્સવને પગલે પગલે સતયુગ અને ત્રેતાયુગને ગૂંગળામણ ન થવા દેવાનું અટલ વચન આપણે વર્તમાન સમાજ અને વર્તમાન રાજકારણીઓ, રાજપુરૂષો તેમજ રાજકર્તાઓ આપી શકશે?

આ પ્રશ્ર્નના જવાબની આપણા તમામ સંબંધિત મહારથીઓ પાસે આતુરતાભરી રાહ જોવાય છે.

શ્રી રામ જન્મભૂમિ આપણી યુગોજૂની સંસ્કૃતિનું, છતા વિસરાતી રહેલી સંસ્કૃતિનું સ્મરણ કરાવે જ છે.

આપણી પ્રાચીન અને અર્વાચીન સંસ્કૃતિ ભેળસેળનાં અનિષ્ટથી મૂકત નહિ રહી શકવાનું જોખમ છે જ.

નાલંદા આપણી સંસ્કૃતિનો અને પ્રાચીન શિક્ષણ પ્રથાનો તથા શૈક્ષણીક સમૃધ્ધિનો એક ભાગ રહ્યા છે.

આ બધું જોયા જાણ્યા પછી એવું નિશ્ર્ચિત લાગે છે કે યૂગો જૂની ભારતીય સંસ્કૃતિની અસલિયતની સફળ રખેવાળી આપણા દેશનાં રાજકર્તાઓએ કરવી જ પડશે અને તેને લગતી મજબૂત ગોઠવણો પણ કરવી પડશે.

મહાત્મા ગાંધીની વિચારધારાને સંપૂર્ણ પણે ત્યાગવાનું અશુભ અને અમંગળ લેખાશે.

આપણા દેશની સંસ્કૃતિને છિન્નભિન્ન થવા દેવાનું આપણા દેશને નહિ પાલવે કોઈપણ દેશ તેની મૂળભૂત સંસ્કૃતિમાં ભેળસેળ ચલવા શકે નહિ. ભેળસેળ એ પાપ છે, અને સંસ્કૃતિમાં ભેળસેળ તો શ્રાપ છે, એમ કહ્યા વિના છૂટકો નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.