Abtak Media Google News

દિનપ્રતિદિન મનુષ્યનું જીવન યંત્રવત બની રહ્યું છે. એ થોડી થોડી વાતમાં હતાશ-નિરાશ-મૂડલેસ થઈ જાય છે. દુ:ખના વમળોમાં ધકેલાઈ જાય છે. એ પળભર પણ ધીરજ ધરી શકતો નથી, પોતાની મરજી સચવાતી નથી ત્યાં તે ભભૂકી ઊઠે છે, પારકા દોષ દેખી એનો પારો આસમાને ચઢે છે… પરિણામે, સમાજમાં તેની દશા હતપ્રભ જેવી બને છે, સ્વાસ્થ્ય પણ કથળે છે, હાઈ બ્લડપ્રેશર જેવાં રાજરોગ એને કોરી ખાય છે. આ બધી સમસ્યા ઉકેલવા અહીં પ્રસ્તુત છે એક એવું ક્ષમાનું અમોઘ શસ્ત્ર કે જે હાથવગું રાખવાથી સુખ-ચેન ને શાંતિની જિંદગી મળે છે…

ક્ષમા આપવી એ વ્યક્તિમાં રહેલો મોટો સદ્ગુણ છે. ક્ષમા બક્ષવી એટલે કોઈક વ્યક્તિની ગેરવર્તણૂંક કે અપકૃત્યને માફ કરી દેવું. તેના ગેરવાજબી વ્યવહાર કે વર્તન તરફ દુર્લક્ષ્ય સેવી તેને દરગુજર કરવું. કોઈકે તેના વર્તન કે વાણી દ્વારા ખરેખર નુકસાન પહોંચાડ્યું હોય કે નુકસાન પહોંચાડવામાં મદદ કરી હોય, તો એ નુકસાન વેઠીને પણ તેના પ્રત્યે ઉદાર વલણ દાખવવું. ઉદારતા એ ક્ષમાની જનની છે. પોતાના કોઈક ગેરવાજબી વર્તન કે કટુ વાણી બદલ અન્યની ક્ષમા માગવી એ પણ એક ગુણ છે. પોતાની ભૂલ ન હોય અને અન્યની ભૂલને પોતાને માથે લઈ, ક્ષમા માગવી એ અતિ મોટો ગુણ કહેવાય.

યોગીજી મહારાજે અને પ્રમુખસ્વામી મહારાજે ઘણા પ્રસંગોએ અન્યની ભૂલો પોતાના માથે ઓઢી ક્ષમા માંગી છે. એટલું જ નહીં તેમણે અન્યના દોષોને અવગણી ક્ષમા બક્ષી છે, એ તો એવો વિશિષ્ટ સદ્ગુણ છે જે આવા વિરલ, ઉદારચરિત પુરુષોમાં જ જોઈ શકાય. અને એટલે તો ક્ષમાદાન આપનાર વ્યક્તિને ’વીર’નું બિરુદ આપ્યું – ’ક્ષમા વીરસ્ય ભૂષણમ્ મ’ માણસ માત્ર ભૂલને પાત્ર હોય છે. કોઈકની ભૂલોને જે માફ કરી દે એ મૂઠી ઊંચેરી વ્યક્તિ ગણાય. પ્રશ્ન થાય કે આવી વ્યક્તિઓને કદાચ એકાદ-બે વખત દરગુજર કરાય, પરંતુ ક્યાં સુધી તેમને નભાવવા ? આનો ઉત્તર શ્રીજીમહારાજ આપતા કહે છે જ્યારે કોઈ હરિભક્તનો દોષ નજરમાં આવે છે ત્યારે એમ સમજવું જે ’આનો સ્વભાવ તો સત્સંગમાં ન ઘટે એવો છે.

તોય પણ એને જો સત્સંગ મળ્યો છે અને એ જો જેવો તેવો છે તોય પણ સત્સંગમાં પડ્યો છે તો એનો પૂર્વ જન્મનો અથવા આ જન્મનો સંસ્કાર ભારે છે…’ એમ સમજીને તેનો પણ અતિશય ગુણ લેવો.’ ઈશ્વરમાં પૂરી આસ્થા ધરાવતા એક શહેરના એક ધનિક વ્યક્તિને ઘેર કોઈ લઘરવઘર માણસ આવી અને કરગરવા લાગ્યો કે ’મને અહીં રાતવાસો કરવા દેશો ?’ તેની આવી કફોડી દશા જોઈને, પણ ધનિકે તેને કોઈ આશરો તો ન આપ્યો, ઉપરથી ઉપદેશ ઝીંક્યો : ’અલ્યા, પ્રભુની પ્રાર્થના કર તો તારું દળદર ફીટે.’ ’એનું નામ ના લેશો, એણે તો મારી આવી દશા કરી છે.’ પેલો માણસ ક્રોધથી તાડૂક્યો.

પ્રભુની આવી નિંદા કરતો સાંભળી આ ધનિકે તેને આકરા શબ્દો કહી કાઢી મૂક્યો. રાત્રે ઘરમંદિરમાં આરતી કર્યા બાદ પ્રભુ સમક્ષ આ ભાઈ કહેવા લાગ્યા, ’પ્રભુ, આજે મેં એક નાસ્તિકને બરાબર શિક્ષા કરી, તેને તગેડી મૂક્યો, એ આપની નિંદા કરતો હતો.’ જાણે મૂર્તિમાંથી અવાજ સંભળાયો, ’ભાઈ, તેં આ બહુ ખોટું કર્યું, એ માણસ મને જન્મથી જ ગાળો ભાંડતો આવ્યો છે. મેં તેને આજ સુધી નિભાવ્યો અને હજી ય નિભાવ્યા કરું છું. તું તેને એક રાત પૂરતો પણ ન રાખી શક્યો ?’ ભગવાન આપણી અગણિત ક્ષતિઓને માફ કરે છે. ઘરની વ્યક્તિઓમાં જો એક ક્ષમાનો સદ્ગુણ વિકસે તો ઘરમાંથી કજિયા-કંકાસ ટળે, શાંતિ પ્રસરે અને ઘર એક સુખસદન બની જાય. શ્રીહરિલીલામૃતમાં ક્ષમા-ગુણનો કેટલો બધો મહિમા ગાયેલો છે. ’ભલા તણું ભૂષણ તો ક્ષમા છે, કલેશનું કારણ અક્ષમા છે, ક્ષમા ધરે તે સુખિયા સદાય, ક્ષમા વિના પ્રાણી ઘણા પીડાય.’

વળી, ક્ષમા જેવો કોઈ જાપ નહીં એમ વર્ણવતાં કહે છે કે, ’ક્ષમાની તુલ્યે નહીં કોઈ જાપ, નિંદાની તુલ્યે નહીં કોઈ પાપ.’ આજના આ વિષમકાળમાં કુટુંબનું એકમ હવે તૂટું તૂટું થઈ રહ્યું છે. એક જ કુંટુંબની વ્યક્તિઓ વચ્ચે વિસંવાદિતા અને વિરોધનું વાતાવરણ જોવા મળે છે. કુટુંબરથનાં બે મુખ્ય પૈડાં-પતિ અને પત્ની વચ્ચે પણ એકરાગ હોતો નથી. સાસુ-વહુ વચ્ચેનો ખટરાગ એ પરાપૂર્વથી ચાલી આવતી દુર્ઘટના છે. પિતા-પુત્ર વચ્ચેનો વિચારભેદ વકરતો વકરતો અબોલામાં પરિણમે છે. એક જ કુટુંબમાં સાથે વસતાં આ સઘળાં પાત્રો જો ક્ષમાનો એક જ ગુણ કેળવવાનો અભ્યાસ કરે તો એનાં અદ્ભુત પરિણામો પ્રાપ્ત થાય છે.

પત્નીના કોઈ વર્તન કે કડવા વેણ સામે પતિ થોડી ક્ષમા દાખવે અને પત્ની પતિની જો કોઈ વિચિત્રતાઓ હોય તો તે નિભાવવા શીખે, સાસુ વહુ પ્રત્યે થોડી ઉદારતાથી જુએ અને વહુ પણ સાસુની જૂની રહનસહન અને રૂઢિગતતાને થોડી સહન કરે, પિતા પુત્રના અપરિપકવ અભિગમને માફ કરી દે અને પિતા એ આખરે કુટુંબના વડા છે એમ સમજી પુત્ર પણ એમના ઘડપણને સહર્ષ સ્વીકારે તો, કુટુંબમાં કલેશ અને ઉદ્વેગને ઠેકાણે પ્રેમ અને ઐક્યના અંકૂરો ફૂટી નીકળે. સંપ, સુહૃદભાવ અને એકતાથી ઓપતું કુટુંબ વિશેષે કરીને, કુટુંબમાં ઉછરતા બાળકોના જીવનઘડતરમાં અમૂલ્ય ફાળો આપી શકે. કુટુંબમાં એકરાગ, અન્યોન્ય પ્રત્યે ક્ષમાભાવના હોવી જોઈએ.

કુદરતે કેટકેટલી અમૂલ્ય સેવાઓનો નિ:શુલ્ક લાભ આપણને આપ્યો છે!! મફત હવા, મફત સૂર્યપ્રકાશ, મફત વરસાદ, આકાશના ચંદરવામાં ઉષા-સંધ્યાની વિવિધ રંગગૂંથણીનાં મફત દર્શન, જમીનનો ઉપયોગ વિના રોકટોક અને એવું તો ઘણુંય છે. આપણે નથી કશાનું ભાડું ચૂકવતા. તો આનો ૠણ સ્વીકાર, આપણે આટલું કરીને તો ચોક્કસ કરી શકીએ કે કુટુંબમાં કોઈક સભ્યની વિચિત્રતા કે સ્વભાવની અવળાઈને ક્ષમ્ય ગણી, એને નિભાવી તો લઈએ જ. આપણી ગરવી ગુરુપરંપરા, જે ક્ષમાનાં મૂર્તિમંત સ્વરૂપો છે, આવો, એમાંથી આપણે બોધ ગ્રહીએ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.