Abtak Media Google News

ગુજરાત હાઈકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ કે.એસ. ઝવેરી અધ્યક્ષ: પંચની ભલામણ મુજબ લોકલ બોડી અનામત  નકકી કરશે

ગુજરાતમાં આગામી દિવસોમાં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 10 ટકા  ઓબીસી અનામત રદ  કરવા ચૂંટણી પંચ દ્વારા રાજયના તમામ જિલ્લાના કલેકટરોને પત્ર લખી તાકીદ કરી દેવામાં આવી છે જેની સામે ઓબીસી સમાજમાં ભારે વિરોધ વંટોળ ફાટી નીકળ્યો છે. ઓબીસી સમાજે આંદોલનનું રણશીંગું ફૂંકયું છે. ભાજપ સરકારની હાલત કફોડી બની જવા પામી છે.  વિધાનસભાના ચૂંટણી વર્ષમાં ભાજપને  એક પણ સમાજનો રોષ પાલવે તેમ નથી. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા રાજયમાં  સ્થાનિક  સ્વરાજયની સંસ્થાઓમાં પછાત વર્ગોનાં પ્રતિનિધિત્વ નિર્ધારીત કરવા માટે એક સ્વતંત્ર  પંચની રચના કરવામાં આવી છે જેના અધ્યક્ષ ગુજરાત હાઈકોર્ટના નિવૃત  ન્યાયધીશ કે.એસ.  ઝવેરીની નિમણુંક કરવામાં આવી છે.

મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલે રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં અન્ય પછાત વર્ગોને પૂરતું પ્રતિનિધિત્વ મળે તે હેતુસરના સુપ્રિમ કોર્ટના નિર્દેશ મુજબની કાર્યવાહી માટે એક સ્વતંત્ર પંચની રચના કરવાનો નિર્ણય કર્યો છે.આ પંચના અધ્યક્ષ તરીકે ગુજરાત હાઇકોર્ટના નિવૃત ન્યાયાધિશ  કે.એસ. ઝવેરી રહેશે. આ સ્વતંત્ર પંચ સ્થાનિક સ્વરાજ્યના એકમોમાં અન્ય પછાત વર્ગોની બેઠકો નક્કી કરતા પહેલાં આવી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પછાતપણાના સ્વરૂપ અને અસરોનો તેમજ તેની રાજનીતિક સ્થિતી અનુસાર આંકડા એકત્ર કરીને અને તેનું વિશ્લેષણ કરીને  સંપૂર્ણ અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરવા માટે રચવામાં આવેલુ છે.         અત્રે ઉલ્લેખ કરવો જરૂરી છે કે, આ સ્વતંત્ર પંચની ભલામણોના આધારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા મુજબ લોકલ બોડી વાઇઝ અનામત પ્રમાણને નક્કી કરવાનો સુપ્રિમ કોર્ટે નિર્દેશ આપેલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.