Abtak Media Google News

અમરનાથમાં રાજકોટ જિલ્લાનાં ડોકટર્સ દરરોજ 150થી વધુ યાત્રિકોની કરી રહ્યા છે સારવાર

 ભારત સરકારના આરોગ્ય વિભાગના એ.ડી.જી. ડો. સવસ્તીચરણે તબીબોની સેવાને બિરદાવી

દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રિકો બરફીલા બાબા અમરનાથના દર્શને જતાં હોય છે. આ દર્શન માટે ચાલુ વર્ષે આઠ લાખ જેટલાં લોકોએ રજીસ્ટેશન કરાવ્યું છે. એક જૂલાઇથી શરૂયેલી યાત્રામાં લેન્ડ સ્કેપીંગ અને ભારે વરસાદની વિષમ પરિસ્થિતી વચ્ચે પણ બાબા અમરનાથના યાત્રિકોની સેવામાં રાજકોટ જિલ્લાના ચાર તબીબો અને એન.ડી.આર.એફ.ના જવાનો ખડેપગે છે. દરરોજ 150 જેટલા યાત્રિકોની સારવાર રાજકોટના મેડિકલ ઓફિસરો કરી રહ્યા છે.

રાજકોટના ફરજરત ડોકટર્સના કેમ્પની મુલાકાત ભારત સરકારના આરોગ્ય વિભાગના એ.ડી.જી ડો.સ્વસ્તીચરણે લીધી હતી. તેઓએ તમામ વ્યવસ્થાનું નિરીક્ષણ કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું તથા ફરજરત સ્ટાફને બિરદાવ્યા હતા. આશરે 13 હજાર ફુટ ઉંચા પહાડો ઉપર અમરનાથની ગુફાઓ સ્થિત છે. યાત્રિકો માટે જમ્મુ કાશ્મીરની સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા આ શ્રદ્ધાળુઓ માટે તમામ વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે. પરંતુ ભૌગોલિક સ્થિતી એવી છે કે ઉપર પર્વત નીચે ખાઇ વચ્ચે સિંગલપટ્ટીના રસ્તે યાત્રિકો માટે બે-બે કિમીના અંતરે મેડિકલ કેમ્પ રાખવામાં આવે છે. જેમાં રાજ્ય તેમજ કેન્દ્ર સરકારના વિવિધ રાજયોના તબીબીઓને ફરજ સોંપવામાં આવે છે.

આ વર્ષે શરૂ થઈ ગયેલ અમરનાથ યાત્રામાં 18 દિવસ માટે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના કમળાપુર પી.એચ.સી.ના મેડિકલ ઓફિસર ડો.ધવલ ગોસાઈ, રાજકોટ તાલુકાના બેડલા પીએચસીના ડો.રીંકલ વિરડીયા,  ગઢકા પી.એચ.સી.ના ડો.હાર્દિક પટેલ,  લોધિકા તાલુકાના પારડી પી.એચ.સી.ના ડો. જ્યોતિ પટેલ તેમજ કમળાપુર પી.એચ.સી.ના લેબ ટેકનિશયન શ્રીમતી મમતા જોશી, મહિપતસિંહ સિસોદીયા, કુવાડવા સી.એચ.સી. નર્સ સ્ટાફનો સમાવેશ થાય છે.

અમરનાથમાં ફરજરત ડો. ગોસાઇ કહે છે કે, આ મેડિકલ કેમ્પમાં યાત્રિકો માટે પ્રાથમિક અને ઇમર્જન્સી સારવાર પૂરી પાડવામાં આવે છે. 13 હજર ફૂટની ઊંચાઈ અને વાતાવરણ ઠંડુ હોવાના કારણે યાત્રિકોના ઓક્સિજન લેવલ ઘટી જતાં હોય છે. દવાઓ અને ઇન્જેક્શન પ્રાથમિક રૂપે અહીં ઉપલબ્ધ હોય છે. બાબાની ગુફા ખૂબ ઊંચાઈ પર સ્થિતિ હોવાના કારણે 30 થી 60 વયજુથના લોકોને માઉનટેઇન સિકનેસના કારણે શ્વાસ ચડવો, માથું દુખવું, છાતી ભારે થવા જેવી અનેક તકલીફો થતી હોય છે. અહીંયા તબીબો તેમની સારવાર કરે છે. તબીબો સાથોસાથ એન ડી આર એફની ટીમ ગોઠવાયેલ હોય છે.જો મોટી ઉંમરના દર્દીઓને તકલીફ થાય તો તેઓ દ્વારા નીચે બેઝ કેમ્પ કાર્યરત છે. જેમાં તમામ મેડિકલ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. લોકો સાજા ન થાય ત્યાં સુધી તેમની દેખભાળ અને સારવાર કરવામાં આવે છે.

બેઇઝ કેમ્પમાં ઇસીજી મશીન આ સાથે રિસુસિટેશન કિટ ઓક્સિજનના બાટલા જેવી બધી સુવિધાઓ યાત્રિકોને આપવામાં આવે છે. એક યાત્રિકનું ઓક્સિજન લેવલ 60 નોંધાયો હતો. તેઓને તુરંત અહીં સારવાર આપવામાં આવી હતી. સમગ્ર મેડિકલ કેમ્પ તેમજ તમામ તબીબીઓને સરકાર દ્વારા ભોજન અને રહેવાની અહીંયા સુવિધા ઉપલબ્ધ કરાય છે.ખડે પગે સતત કાર્યરત તબીબો અને એન.ડી.આર.એફ.ની ટીમ દિવસ રાત સેવા એજ કર્તવ્યના સુત્રને સાર્થક કરી રહ્યા છે. યાત્રિકોને કોઈ મુશ્કેલીના પડે તે માટે સરકાર દ્વારા નિયુક્ત કરેલ સેવાને પ્રાધાન્ય આપી યાત્રિકોની સુરક્ષા માટે કામગીરી સુપેરે નિભાવી રહયા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.