Abtak Media Google News

સી.આર.પાટીલને કેન્દ્રીય મંત્રી બનાવાય તો

કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખ માંડવીયા, સાંસદ વિનોદ ચાવડા, ડો. ભરત બોધરા અને ભીખુભાઇ દલસાણીયાના નામોની ચર્ચા

લોકસભાની ચુંટણી સુધી સી.આર. પાટીલને પ્રદેશ પ્રમુખ પદે યથાવત રાખવામાં આવે તેવી પણ સંભાવના

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી  દ્વારા આગામી દિવસોમાં કેન્દ્રીય મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. ગુજરાત પ્રદેશ ભાજપ અઘ્યક્ષ અને નવસારીના સાંસદ સી.આર. પાટીલનો કેન્દ્રીય મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવે તેવી પ્રબળ શકયતા રહેલી છે. આવામાં પ્રદેશ ભાજપ પ્રમુખ માટે ભાજપમાં ચાર નેતાઓના નામની ચર્ચાઓ થઇ રહી છે. મુખ્યમંત્રી અમદાવાદના હોય પ્રમુખ પદ સૌરાષ્ટ્રને સોંપવામાં આવે તેવી શકયતા પણ નકારી શકતા નથી.

બીજી તરફ એવી વાતો પણ ચાલ રહી છે કે લોકસભાની ચુંટણીના આડે હવે માત્ર નવ મહિનાનો સમય જ બાકી રહ્યો છે. ત્યારે ગુજરાતમાં પ્રદેશ પ્રમુખ પદે ભાજપ  હાઇકમાન્ડ સી.આર. પાટીલને યથાવત રાખશે. તેઓને રાજસ્થાનના પ્રભારી બનાવવામાં આવે તેવી શકયતા પણ રાજકીય પંડિતો વ્યકત કરી રહ્યા છે. જો વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી પોતાના મંત્રી મંડળમાં સી.આર. પાટીલનો સમાવેશ કરશે તો પ્રદેશ ભાજપ અઘ્યક્ષ તરીકે કોઇ નવા નેતાની નિમણુંક કરવામાં આવશે.

નવા પ્રમુખ બનવા માટે ચાર નામો ચર્ચાય રહ્યા છે જેમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી ડો. મનસુખભાઇ માંડવીયા, ઉપરાંત કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડા, પ્રદેશ ભાજપ ઉપાઘ્યક્ષ ડો. ભરત બોધરા અને પૂવ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયાના નામોની ચર્ચા થઇ રહી છે. થોડા સમય માટે ભાજપ કાયમી પ્રમુખની વરણી કરવાના બદલે ઇન્ચાર્જ પ્રમુખની નિમણુંક  કરશે ત્યારબાદ સ્થિતિની સમીક્ષા કર્યા બાદ નવા પ્રમુખની વરણી કરાશે.

લોકસભાની ચુંટણીના આડે ભલે નવ માસ બાકી રહ્યા હોય પરંતુ ભાજપ માટે ગુજરાત એક રાજકીય પ્રયોગ શાળા છે અહી કોઇપણ પ્રકારના પ્રયોગ કરવામાં આવે તેવું પરિણામ હમેશા ભાજપના હિતમાં જ આવે છે પ્રદેશ પ્રમુખ પદેથી સી.આર. ના સ્થાને નવી વરણીની સંભાવના ખુબ જ નહિવત છે છતાં જો તેઓને કેન્દ્રીય મંત્રી મંડળમાં લઇ જવામાં આવે તો નવા પ્રમુખ માટે ચાર નામો ચર્ચાય રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.