Abtak Media Google News

 બે બાઇક પર આવેલા લૂંટારાઓએ પથ્થરથી હુમલો કરી રૂ.૪૨ હજાર રોકડા અને  ૨૦૦ ગ્રામ સોનાના ઘરેણા લૂંટી લીધા લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી

પોરબંદરના ખાપટ રોડ પર આવેલી કૃષિ વિદ્યાલય પાસે બાઇક પર જતા સોની વેપારી પિતા-પુત્ર પર બે બાઇક પર આવેલા ચાર શખ્સોએ પથ્થરથી હુમલો કરી રૂ.૪૨ હજાર રોકડા અને ૨૦૦ ગ્રામ સોનાના ઘરેણાની લૂંટ ચલાવ્યાની પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે લૂંટારાને ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ પોરબંદરના છાયા વિસ્તારમાં આવેલી જનતા સોસાયટીમાં ભારતીય વિદ્યાલય પાસે રહેતા સમીરભાઇ જોગીયા અને તેમના પિતા ગોવિંદભાઇ જોગીયા ગઇકાલે રાતે નવેક વાગે દુકાનેથી રૂ.૪૨ હજાર રોકડા અને રૂ.૪ લાખની કિંમતના ૨૦૦ ગ્રામ સોનાના ઘરેણા લઇ બાઇક પર ઘરે જઇ રહ્યા હતા ત્યારે કૃષિ વિદ્યાલય પાસે બે બાઇકમાં આવેલા ચાર શખ્સોએ ગોવિંદભાઇ જોગીયાને ધક્કો મારી પછાડી દઇ તેમના પુત્ર સમીર પર પથ્થરથી હુમલો કરી તેમની પાસે પર્સમાં રહેલી રોકડ અને સોનાના ઘરેણાની લૂંટ ચલાવી ભાગી ગયાનું ફરિયાદમાં જણાવ્યું છે.

ઉદ્યોગનગર પોલીસે સમીરભાઇ ગોવિંદભાઇ જોગીયાની ફરિયાદ પરથી ચાર અજાણ્યા લૂંટારા સામે ગુનો નોંધી ઝડપી લેવા નાકાબંધી કરાવી હતી. પી.એસ.આઇ. અખેડ સહિતના સ્ટાફે તપાસ હાથધરી છે.

ચારેય લૂંટારા સમીરભાઇ જોગીયાનો તેમની દુકાન પાસેથી જ પીછો કરતા આવ્યા હોવાની શંકા સાથે લૂંટનો ભેદ ઉકેલવા પોલીસે વિવિધ દિશામાં તપાસ હાથધરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.